- Gujarat
- કડકડતી ઠંડીમાં રાત્રે IPS પરિક્ષીતા રાઠોડ પોતાની ખાનગી કારમાં કેમ નીકળ્યા હતા?
કડકડતી ઠંડીમાં રાત્રે IPS પરિક્ષીતા રાઠોડ પોતાની ખાનગી કારમાં કેમ નીકળ્યા હતા?

હમણા કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. જેમની પાસે પહેરવા માટે સારા સ્વેટર અને ઠંડીમાં ફરવા માટે કાર છે. તેમને મન તો આ ગુબાબી ઠંડી છે, પરંતુ જેમની પાસે શરીર છૂપાવવા માટે પુરતા કપડા પણ નથી. તેમના માટે આ ઠંડીથી પોતાનું જીવનમ બચાવવું બહુ મુશ્કેલ હોય છે, તેમાં પણ આખા રાજ્યમાં જયાં સૌથી વધારે ઠંડી પડે છે તેવા કચ્છમાં લોકો ઘરમાં પણ ઠુઠવાઈ જાય છે. રસ્તા ઉપરથી કારમાંથી પસાર થતા અનેક લોકોની નજર રસ્તા ઉપર હોય છે. કારનો કાચ બંધ હોય અને કારમાં હીટર ચાલુ હોય તેના કારણે બહારની સ્થિતિનો અંદાજ આવતો નથી. તેમાં પણ જેમના શરીર ઉપર ખાખી કપડું હોય છે તેમને તો ખાખીની પણ એક જૂદી જ ગરમી હોય છે. પરંતુ ખાખીની પાછળ રહેલો પણ આખરે માણસ છે, તેને પણ આપણી જેમ સારૂં અને માઠુ બંને લાગે છે.
આવું જ કંઇક કચ્છ પશ્ચિમના પોલીસ સુપ્રિટેન્ડન્ટ પરિક્ષીતા રાઠોડ સાથે થયું. ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ સોશિયલ વેલ્ફરના વિદ્યાર્થી રહી ચૂકેલા અને ભારતીય પોલીસ સેવાનો હિસ્સો બનેલા પરિક્ષીતા રાઠોડ પોતાની નોકરી પૂરી કરી પોતાના સરકારી બંગલે પહોંચ્યા અને રાતની ઠંડીએ પોતાનું કામ શરૂ કર્યુ તેની સાથે IPS અધિકારી પરિક્ષીતા રાઠોડ સિવિલ ડ્રેસમાં પોતાની ખાનગી કાર લઈ નીકળ્યા હતા. સામાન્ય રીતે રસ્તાની બાજુ ઉપર, ફુટપાથ ઉપર ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેલા ગરીબ માણસને પોલીસની બહુ બીક લાગે છે, કારણ પહેલા તો પોલીસ તેમને ત્યાં સૂવા દેતી નથી અને પોલીસ પોતાની કામગીરી બતાડવા માટે તેમને લાવી લોકઅપમાં બંધ કરી દે છે.
પરંતુ પહેલી વખત તેવું થયું કે જ્યારે ફુટપાથ ઉપર સૂઈ રહેલા ગરીબ માણસોને ખબર પડી કે ખાનગીમાં કારમાં આવેલી મહિલા ખુદ પોલીસ અધિકારી છે ત્યારે તેમના મનમાંથી હાશકારો નીકળ્યો હતો કે ભગવાન તમારૂ ભલું કરે. તેનું કારણ એવુ હતું કે રસ્તા ઉપર ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેલા ગરીબોના શરીર ઉપર તેઓ ગરમ ધાબળા ઓઢાડી રહ્યા હતા, પરિક્ષીતા રાઠોડ રસ્તા ઉપર સૂઈ રહેલા ગરીબોને ધાબળા ઓઢાડી રહ્યા છે તેવી ખબર સ્થાનિક પોલીસને થતા તેઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને તેઓ પણ SPની મદદ કરવા લાગ્યા હતા.
જ્યારે SP પરિક્ષીતા રાઠોડે શરૂ કરેલા આ નવા પ્રકારના અભિગમ અંગે તેમને મેં પૂછ્યું ત્યારે તેમણે કહ્યું આ કામ હું મારા માટે કરું છું, કારણ મને તે સારૂ લાગે છે. પરંતુ જ્યારે આ ઘટના અમારા માટે એક સમાચાર છે તેવું કહ્યું ત્યારે તેમણે કહ્યુ પ્લીઝ આ લખશો નહીં કારણ બહુ જ વ્યક્તિગત બાબત છે અને તે જાહેર થાય તેવુ ઈચ્છતી નથી. છતા મેં તેમને કહ્યું પોલીસ ખોટુ કરે ત્યારે પોલીસના નેગેટીવ ન્યૂઝ ચાર પગે દોડે છે. પોલીસ સારું કરે ત્યારે પણ અમારે અને સમાજે નોંધ લેવી જોઈએ, પરિક્ષીતા રાઠોડે કહ્યું ખરેખર રસ્તા ઉપર સૂઈ રહેલા ગરીબ માણસોની સ્થિતિ તરફ મારું ધ્યાન અમારા પોલીસ સબ ઈન્સપેક્ટર મનસુખ વાઠેરે દોર્યું હતું, PSI વાઠેરે વિચાર આપ્યો હતો કે રસ્તા ઉપર ઠંડીમાં સૂઈ રહેલા લોકોને આપણે મદદ કરવી જોઈએ.
PSI વાઠેર તરફથી આવેલા વિચારે પહેલા તો મને ધ્રુજાવી મુકી કે ગરીબો ખુલ્લા આકાશ નીચે આ ઠંડીમાં રાત કેવી રીતે પસાર કરતા હશે. મને લાગ્યું કે કાયદો અને વ્યવસ્થાની ચીંતાની સાથે મારે સાવ છેવાડાના માણસની પણ ચિંતા કરવી જોઈએ, અને તે પણ પોલીસ અધિકારી તરીકે નહીં પણ એક માણસ તરીકે પણ મારી આ ફરજ છે. જેના કારણે હું એક કામ માટે અમદાવાદ આવી ત્યારે મારી કારમાં હું એકસો ધાબળા લઈ આવી હતી, અને મેં જેટલા લોકોને મદદ થઈ શકે તેમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે.
(પ્રશાંત દયાળ)
Top News
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Opinion
