- National
- સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને સુપ્રીમ કોર્ટનો અંતિમ ચૂકાદો 2019માં આપવામાં આવ્યો હતો અને આ નિર્ણયના આધારે રામ મંદિર બનાવવામાં આવ્યું. તે ચૂકાદામાં મુસ્લિમ પક્ષને મસ્જિદ (અયોધ્યા મસ્જિદ)ના નિર્માણ માટે 5 એકર જમીન પણ આપવામાં આવી હતી, પરંતુ તેના પર કામ હજુ સુધી શરૂ થયું નથી.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઇન્ડો-ઇસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન હવે અધિકારીઓને ઇમરતનો નક્શોના સોંપવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ દાનના અભાવે, કામ અટકી ગયું છે, એટલે કામની શરૂઆત માર્ચ 2026 બાદ જ તે શરૂ થઈ શકશે. જે મસ્જિદ બનશે તેને ‘મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ’ નામથી ઓળખવામાં આવશે.
9 નવેમ્બર 2019ના રોજ અયોધ્યાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મસ્જિદના નિર્માણ માટે 5 એકર જમીન ફાળવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ અયોધ્યાના ધન્નીપુર ગામમાં 5 એકર જમીન ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડને ટ્રાન્સફર કરવામાં આવી હતી. જેણે મસ્જિદ બનાવવા માટે ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટની રચના કરી.
ફાઉન્ડેશનના અધ્યક્ષ ઝફર અહમદ ફારૂકીનું કહેવું છે કે અત્યાર સુધી જમીન પર કોઈ કામ શરૂ થયું નથી. તેમણે જણાવ્યું કે પહેલા તૈયાર કરવામાં આવેલી મસ્જિદની ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, અને નવી ડિઝાઇનના આધારે નવો નકશો તૈયાર કરવામાં આવી રહ્યો છે. મહિનાના અંત સુધીમાં તેને અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટી (ADA)ને મોકલી આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, નકશો જમા થયા બાદ મંજૂરી મળવામાં ઓછામાં ઓછા 3 મહિના લાગશે. ફાઉન્ડેશનના સભ્યો અત્યારે પણ ફંડને લઈને ચિંતિત છે, જોકે નવી ડિઝાઇન નક્કી થયા બાદ દાનમાં થોડો વધારો થયો છે. ફારૂકીએ કહ્યું કે, ‘દાન આવી રહ્યું છે, પરંતુ ખૂબ જ ધીમે ધીમે.’
2021માં જાહેર કરવામાં આવેલી મસ્જિદની પ્રથમ ડિઝાઇનમાં મોટા કાચના ગુંબજ અને સ્કાયલાઇટ્સ જેવી આધુનિક વસ્તુઓ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસ્લિમ સમુદાયને આ ડિઝાઇન ખૂબ જ ‘આધુનિક’ અને ‘ભવિષ્યવાદી’ લાગી, જેના કારણે લોકો દાન કરવામાં ખચકાટ અનુભવતા હતા. નવી ડિઝાઇન પરંપરાગત શૈલીમાં છે, જેમાં પાંચ મિનારા અને પરંપરાગત ગુંબજ સામેલ છે.
વધુ દાનદાતાઓને આકર્ષવા માટે ફાઉન્ડેશન મસ્જિદ પરિસરમાં બનેલી બીજી સુવિધાઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આમાં એક હોસ્પિટલ, એક સમુદાય રસોડું, એક ભારત-ઇસ્લામિક સાંસ્કૃતિક સંશોધન કેન્દ્ર, એક આર્કાઇવ અને એક સંગ્રહાલયનો સમાવેશ થશે.

