- National
- IPS ઓફિસરની એક્ટ્રેસ દીકરી 14 કિલો સોનું છૂપાવીને લાવતી હતી, પકડાઈ ગઈ
IPS ઓફિસરની એક્ટ્રેસ દીકરી 14 કિલો સોનું છૂપાવીને લાવતી હતી, પકડાઈ ગઈ

સોનાની દાણચોરીના કેસમાં કન્નડ ફિલ્મ ઉદ્યોગની પ્રખ્યાત અભિનેત્રી રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે. સોનાની દાણચોરીના આરોપસર બેંગલુરુ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે, રાન્યા રાવના સાવકા પિતા K રામચંદ્ર રાવ કર્ણાટકમાં એક IPS અધિકારી છે. રિપોર્ટ અનુસાર, રાન્યા રાવ 15 દિવસમાં ચાર વખત દુબઈ આવાગમન કર્યું હતું, તેના કારણે તે પોલીસના રડારમાં આવી હતી.
સોમવારે રાત્રે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કન્નડ અભિનેત્રી રાન્યા રાવ પાસેથી 14.8 Kg સોનું મળી આવ્યા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા સૂત્રોના અહેવાલમાં અધિકારીઓનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ આ ધરપકડ કરી છે. રાન્યા રાવને આર્થિક ગુનાની અદાલતમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી.
રાન્યા રાવ કન્નડ સુપરસ્ટાર સુદીપ સાથે ફિલ્મ 'માણિક્ય' (2014)માં તેની ભૂમિકા માટે જાણીતી છે. તેણે દક્ષિણ ભારતની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે કે, શું તે આ કામમાં એકલી હતી કે, દુબઈ અને ભારત વચ્ચે કાર્યરત મોટા દાણચોરી નેટવર્કનો એક ભાગ છે. પોલીસના જણાવ્યા અનુસાર, 15 દિવસમાં ચાર વખત દુબઈની મુસાફરી કર્યા પછી અભિનેત્રી તેમના રડારમાં આવી હતી. ઘણી વખત દુબઈની મુલાકાત લેવા બદલ ટીકાનો ભોગ બનેલી રાન્યા રાવ સોમવારે પરત ફરી અને તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી.
અહીં તમને જણાવી દઈએ કે, 33 વર્ષીય રાન્યા રાવ કર્ણાટકના વરિષ્ઠ IPS અધિકારી K. રામચંદ્ર રાવની સાવકી પુત્રી છે. તેઓ કર્ણાટક રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનમાં પોલીસ મહાનિર્દેશક (DGP)નું પદ સંભાળી રહ્યા છે. અધિકારીઓનો ઉલ્લેખ કરીને મીડિયા સૂત્રએ અહેવાલ આપ્યો છે કે, રાન્યા રાવ દુબઈથી અમીરાતની ફ્લાઇટમાં બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. તેના વારંવારના આંતરરાષ્ટ્રીય પ્રવાસને કારણે તેના પર નજર રાખવામાં આવી રહી હતી.
રાન્યા રાવ 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હોવાનું જાણવા મળતાં પોલીસને શંકા ગઈ, જેના પગલે તેના પરત ફર્યા પછી કાર્યવાહી શરૂ કરવામાં આવી. શરૂઆતની તપાસમાં એવું જણાય છે કે, રાન્યા રાવે કસ્ટમ ચકાસણીને અવગણવા માટે પોતાના સંબંધોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હશે.
Kannada actor held at Kempegowda International Airport with over 14 kg gold
— ANI Digital (@ani_digital) March 5, 2025
Read @ANI Story | https://t.co/Inu2DmYwj6#KempegowdaInternationalAirport #gold #RanyaRao pic.twitter.com/J4FSpmSamN
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ફ્લાઇટમાંથી ઉતરતી વખતે, તેણે કથિત રીતે કર્ણાટકના DGPની પુત્રી હોવાનો દાવો કર્યો હતો અને સ્થાનિક પોલીસ કર્મચારીઓનો સંપર્ક કર્યો હતો અને તેમને ઘરે મૂકવા કહ્યું હતું. તપાસકર્તાઓએ એમ પણ જણાવ્યું હતું કે, તેણે કથિત રીતે મોટી માત્રામાં સોનું પહેરીને અને સોનાના લગડીઓ પોતાના પહેરેલા કપડાંમાં છુપાવીને સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.