- Gujarat
- વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી
વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી
ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત રાખ્યા છે. કોર્ટે પીરજાદા સૈયદ બહાઉદ્દીન કાદરીના વારસદારો દ્વારા દાખલ કરવામાં આવેલી બીજી અપીલને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે સંરક્ષિત સ્મારક વિસ્તારમાં દફન જેવી પ્રવૃત્તિઓ માટે પરવાનગી આપી શકાય નહીં.
હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે તાજેતરના ચુકાદામાં મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા. કોર્ટે નોંધ્યું કે 'પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો (AMASR) અધિનિયમ, 1958' ની કલમ 19 હેઠળ, સંરક્ષિત સ્મારક વિસ્તારમાં જમીન સપાટીથી એક ફૂટથી વધુ ખોદકામ કરવું એ કાયદાનું ઉલ્લંઘન છે. અરજદાર પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો હતો કે તેમને આ જગ્યાએ દફનવિધિ કરવાનો કોઈ કાયદેસર કે રૂઢિગત અધિકાર પ્રાપ્ત છે.

કોર્ટે એમ પણ નોંધ્યું કે વાદી પોતે 'કાદરીયા સંપ્રદાય' ના ધર્મગુરુ હોવાનું સાબિત કરી શક્યા નથી.
વડોદરાના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ 'બડા હજીરા' (જેને દંતેશ્વર હજીરા તરીકે પણ ઓળખવામાં આવે છે) એ મુઘલ શાસક અકબરના સમયના કુતબુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો છે.
કુતબુદ્દીન મુહમ્મદ ખાન શહઝાદા સલીમ (બાદમાં જહાંગીર) ના શિક્ષક હતા. અહીં તેના પુત્ર નૌરંગ ખાન અને પરિવારના અન્ય સભ્યોની પણ કબરો આવેલી છે. આ સ્મારકને વર્ષ 1938માં ગાયકવાડી શાસન (બરોડા સ્ટેટ) દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવ્યું હતું. ભારતની આઝાદી બાદ તેને કેન્દ્રીય AMASR એક્ટ હેઠળ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયું હતું, જેનું સંચાલન ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કરે છે.
કાનૂની લડતનો ઘટનાક્રમ
1980નો દાયકા: પીરજાદા સૈયદ બહાઉદ્દીન કાદરીએ વડોદરા કલેક્ટરની 4 ફેબ્રુઆરી, 1986ની નોટિસ વિરુદ્ધ સિવિલ સૂટ દાખલ કર્યો હતો, જેમાં દફનવિધિ અને ધાર્મિક પ્રવૃત્તિઓ પર રોક લગાવી હતી.

ટ્રાયલ કોર્ટ: શરૂઆતમાં ટ્રાયલ કોર્ટે વાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
એપેલેટ કોર્ટ: જોકે, બાદમાં એપેલેટ કોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કર્યો હતો. કોર્ટે વાદી દ્વારા જ રજૂ કરાયેલા મહેસૂલી દસ્તાવેજો અને મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયના જાહેરનામાને ધ્યાને લીધા હતા, જે મુજબ આ સ્થળ ASI હસ્તકનું સંરક્ષિત સ્મારક છે.
હાઈકોર્ટનો સ્ટેન્ડ: હાઈકોર્ટે એપેલેટ કોર્ટના નિર્ણયને સાચો ઠેરવ્યો છે. સરકારી વકીલે દલીલ કરી હતી કે આ જાહેર દસ્તાવેજો છે અને વાદી પોતે રજૂ કરેલા દસ્તાવેજોની અસરોથી બચી શકે નહીં.
આ ચુકાદા સાથે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાષ્ટ્રીય મહત્વ ધરાવતા આ સ્મારકની આસપાસ કોઈ પણ પ્રકારનું ખોદકામ કે દફનવિધિ કાયદેસર રીતે માન્ય નથી.

