- Opinion
- પરિવારનું સન્માન જ સૌથી મોટી સંપત્તિ છે
પરિવારનું સન્માન જ સૌથી મોટી સંપત્તિ છે
(ઉત્કર્ષ પટેલ)
જીવનની દોડધામમાં આપણે અનેક સંપત્તિઓની પાછળ દોડીએ છીએ, જેમકે ધન, મકાન, સત્તા, વાહનો અને વૈભવ. પરંતુ ખરી સંપત્તિ તો પરિવારનું સન્માન છે જે અમૂલ્ય અને અમર છે. આ સન્માન પરિવારના દરેક સભ્યની અંતરઆત્મા સાથે જોડાયેલું છે. વડીલો, ભાઈઓ, બહેનો, સંતાનો અને પૂર્વજો. તેમનું સમ્માન કરીને જ આપણે જીવનનું સાચું સુખ અને શાંતિ મેળવી શકીએ છીએ. આ વિચારને સમજીએ તો જીવન સાર્થક બની જાય.

પરિવારના વડીલો, માતા-પિતા, દાદા-દાદી તેઓ આપણા જીવનના મૂળ છે. તેમના અનુભવો અને સંસ્કાર આપણને માર્ગદર્શન આપે છે. તેમનું સન્માન કરવું એટલે તેમની તપસ્યાને માન આપવું. ભાઈઓ અને બહેનો તો પરિવારના સ્તંભ છે. તેઓ સુખદુઃખમાં સાથ આપે છે, હાસ્ય અને પ્રેમ વરસાવે છે. ભાઈઓની સુરક્ષા અને બહેનોની કાળજી વિના પરિવાર અધૂરો છે. તેમના વચ્ચેનું બંધન જેટલું મજબૂત તેટલી જ પરિવારની એકતા અટલ બને છે. સંતાનો તો પરિવારનું ભવિષ્ય છે. તેમને સન્માન આપીને, તેમને યોગ્ય માર્ગે દોરી જઈએ તો તેઓ આપણા સપનાઓને પૂરા કરે. અને પૂર્વજો? તેઓ આપણા વારસાના વાહક છે. તેમની વાર્તાઓ અને વારસાને જાળવીને આપણે તેમનું સન્માન કરીએ જે આપણને મૂળભૂત મૂળો સાથે જોડી રાખે છે.
પરંતુ આજના સમયમાં ધનસંપદા માટે વિવાદો પરિવારને તોડી વિખેરી નાખે છે. કેટલાક લોકો વારસાની લડાઈમાં ભાઈ-બહેનોને દુશ્મન બનાવી દે છે, વડીલોને અવગણે છે અને સંતાનોને લાગણીહીન બનાવે છે. આવા વિવાદોથી દૂર રહીને પરિવારની એકતા અને આત્મીયતાને મહત્ત્વ આપવું જરૂરી છે. ધન તો આવે અને જાય પરંતુ પરિવારની એકતા ટકી રહે તો જ જીવન સફળ છે.

આખરે એટલું કહીશ કે પરિવારનું સન્માન કરીને જ આપણે જીવનની સાચી સંપત્તિ મેળવી શકીશું. વડીલોના આશીર્વાદ, ભાઈ-બહેનોનો પ્રેમ, સંતાનોની ખુશી અને પૂર્વજોનો વારસો આ બધું જ આપણને સદ્ધર અને અમર બનાવે છે. વિવાદોને ત્યજી, એકતા અપનાવીએ અને પોતાના પરિવારમાં પ્રેમથી જીવીએ.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

