- Opinion
- જીવનમાં સુખ માત્ર સાત નહીં, પણ આઠ હોય છે
જીવનમાં સુખ માત્ર સાત નહીં, પણ આઠ હોય છે
(ઉત્કર્ષ પટેલ)
પહેલું સુખ: નિરોગી કાયા
સ્વસ્થ શરીર જીવનનું સૌથી મોટું સુખ છે. જ્યારે શરીરમાં કોઈ રોગ કે પીડા ન હોય ત્યારે જ જીવનનાં બાકીનાં સુખોનો સાચા અર્થમાં આનંદ લઈ શકાય છે.
બીજું સુખ: ઘરની માયા
જીવનને સુખમય બનાવવા માટે પૂરતું ધન હોવું જરૂરી છે. ઘરમાં સંપત્તિ અને સાધનો હોવાથી આરામ, સુરક્ષા અને આનંદ મળે છે.
ત્રીજું સુખ: આજ્ઞાકારી પુત્ર
ધન સંપદા અને વૈભવ હોવા છતાં જો પુત્ર માતાપિતાની આજ્ઞા ન માને તો ઘરની ખુશીઓ અધૂરી રહે છે. આજ્ઞાકારી પુત્ર જીવનમાં સંતોષ અને સુખ લાવે છે.

ચોથું સુખ: સુલક્ષણા નારી
સૌંદર્ય અને વૈભવ હોવા છતાં જો પત્ની સદ્ગુણી ન હોય તો જીવનમાં સુખ અધૂરું રહે છે. ગુણવાન અને સમર્પિત પત્ની ઘરના સુખ અને શાંતિની ચાવી છે.
પાંચમું સુખ: રાજમાં પાયા
મુખ્ય પુરુષનું સન્માન અને સામાજિક પ્રતિષ્ઠા પરિવારના સુખનો આધાર છે. સરકારી કે પ્રતિષ્ઠિત કાર્ય, સમાજમાં માનસન્માન અને સ્થિર આવક પરિવારના સૌના જીવનને સુખમય બનાવે છે.
છઠ્ઠું સુખ: સારા પડોશી
સાચા અને સાથે આપે એવા પડોશી પણ સુખનો ભાગ છે. સારા પડોશી આપણા માટે સારા વિચાર, સારી ભાવના રાખે છે અને સુખદુઃખમાં સાથ આપે છે ત્યારે જીવન વધુ સરળ અને શાંતિપૂર્ણ બને છે.
સાતમું સુખ: માતાપિતાના આશીર્વાદ
માતાપિતાનો સાથ અને તેમના આશીર્વાદ અમૂલ્ય છે. તેઓના હોવાથી માત્ર માર્ગદર્શન જ નહીં પણ તેમનો પ્રેમ અને હાજરી માત્રથી સુખ પણ મળે છે.

ભારતીય સંસ્કૃતિમાં ઘણા સમયથી કહેવાય છે કે જીવનનાં સાત સુખ હોય છે પણ છેલ્લા કેટલાક દાયકાઓમાં એક નવું સુખ ખૂબ જ મજબૂતીથી ઉમેરાયું છે...
આઠમું અને સૌથી મીઠું સુખ: દીકરી !!
સામાન્ય રીતે સુખ સાત ગણાય છે પણ પુત્રીનું હોવું ઘરમાં સુખ અને પ્રેમ લાવે છે. દીકરી પોતાના માતાપિતાના જીવનમાં હૂફ, સ્નેહ અને સુરક્ષાનું પ્રતીક છે.
આજે આપણે બધા જાણીએ છીએ કે દીકરી માત્ર ઘરની શોભા નથી દીકરી એ ઘરનું ભાગ્ય છે, આશીર્વાદ છે, શક્તિ છે અને સૌથી વધુ અત્યંત ઊંડો પ્રેમ છે.
જ્યારે દીકરી ઘરમાં આવે છે ત્યારે શું બદલાય છે?
૰ માતાપિતાનું હૃદય એકદમ નરમ થઈ જાય છે
૰ ઘરની ભાષા વધુ મધુર બને છે
૰ વાતાવરણમાં એક નવીજ સૌમ્યતા અને શાંતિ આવી જાય છે
૰ પિતા એકદમ નાના બાળક જેવા થઈ જાય છે
૰ દાદાદાદી ને નવું જીવન મળી જાય છે
અને સૌથી મોટી વાત, જે ઘરમાં દીકરી હોય ત્યાં લાડકોડની કોઈ મર્યાદા રહેતી નથી.
દીકરી પોતાના માતાપિતાને એવો પ્રેમ આપે છે જે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
આજના સમયમાં ઘણા લોકો હજુ પણ એવું માને છે કે "દીકરો હોય તો ઘરનું નામ ચાલે, વંશ ચાલે..." પણ સત્ય એ છે કે ,
૰ દીકરી હોય તો ઘરનું નામ નહીં પણ ઘરનું કુળ ચાલે છે.
૰ દીકરી હોય તો વંશ માત્ર નહીં પણ વંશના સંસ્કાર ચાલે છે.
૰ દીકરી હોય તો ઘરમાં ધન નહીં પણ ધન્યતાનો ભાવ ચાલે છે.

આજે દીકરીઓ ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે, પાઇલટ બને છે, આર્મીમાં જઈને દેશની સેવા કરે છે, બિઝનેસ ચલાવે છે, પણ સૌથી મોટી વાત તેઓ પરિવારનો સૌથી મજબૂત પાયો પણ બને છે.
જ્યારે મુશ્કેલી આવે ત્યારે , જ્યારે દુનિયા નિરાશ કરે ત્યારે , જ્યારે સૌ કોઈ નિરાશ કરી જાય ત્યારે દીકરીનો એક ફોન કૉલ, એક મેસેજ બધું બદલી નાખે છે.
આજના જીવનનું સાચું તારણ એ છે: "જે ઘરમાં દીકરી હોય તે ઘર ખૂબ જ ભાગ્યશાળી છે કારણ કે દીકરી માત્ર સંતાન નથી, દીકરી એ ઈશ્વરે આપેલું સૌથી મોટું અને અગત્યનું આઠમું સુખ છે!
જો તમારા ઘરમાં દીકરી છે,
તો આજે એક વાર તેને ચોક્કસથી કહેજો કે
"બેટા, તું અમારું સૌથી મોટું સુખ છે."
ટૂંકમાં...
સ્વાસ્થ્ય, ધન, આજ્ઞાકારી પુત્ર, ગુણવાન પત્ની, સામાજિક સન્માન, સારા પડોશી, માતાપિતા અને દીકરી આ જ છે તે આઠ અમૂલ્ય સુખ જે જીવનને પૂર્ણ બનાવે છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

