- World
- ફ્રાન્સમાં 9 ડિસેમ્બરે વીજળીની કિંમત શૂન્ય થઈ ગઈ, જાણો સરકારે આવું કેમ કરવું પડ્યું?
ફ્રાન્સમાં 9 ડિસેમ્બરે વીજળીની કિંમત શૂન્ય થઈ ગઈ, જાણો સરકારે આવું કેમ કરવું પડ્યું?
ફ્રાન્સમાં વીજળીનું ઉત્પાદન એટલું વધારે થઈ ગયું હતું કે તેને મફતમાં વેચવી પડી. જી હા, આ સત્ય છે. જોકે, તે માત્ર થોડા કલાકો સુધી જ હતું. ફ્રાન્સમાં ઘણીવાર એવું બને છે કે વીજળીનું ઉત્પાદન વધારે થઈ જાય છે અને વપરાશ ઓછો હોય છે. બ્લૂમબર્ગના મતે 9 ડિસેમ્બરે, ફ્રાન્સમાં વીજળીનો ભાવ થોડા કલાકો માટે શૂન્ય થઈ ગયો હતો. એટલે કે તે કલાકોમાં ગમે તેટલી વીજળીનો ઉપયોગ થયો હોય, તે મફત હતી.
હકીકતમાં સમગ્ર યુરોપમાં, આગામી દિવસના દરેક કલાક માટે વીજળીના ભાવ એક દિવસ અગાઉથી નક્કી કરવામાં આવે છે. આને ‘ડે-અહેડ’ માર્કેટ કહેવામાં આવે છે. 9 ડિસેમ્બરે, વીજળીની માંગ ખૂબ ઓછી થઈ ગઈ. તો તેનું ઉત્પાદન ખૂબ વધારે હતું. હવામાન ગરમ હોવાથી માંગ ઓછી હતી, એટલે ગરમીની જરૂર નહોતી. તો ઉદ્યોગો પણ સામાન્ય કરતા ઓછી વીજળીનો ઉપયોગ કરી રહ્યા હતા.
તેજ પવનને કારણે વિન્ડ ટર્બાઇનથી બનતી વીજળીનું ઉત્પાદન પણ વધ્યું હતું. પરમાણુ પ્લાન્ટ પોતાની વીજળી ઉત્પન્ન તો કરી જ રહ્યા હતા અને સૌર ઊર્જાથી પણ સપ્લાય આવી રહી હતી, જેના કારણે ઉત્પાદન પણ ખૂબ વધુ હતું. એવામાં વીજળીની માગ વધારવા અને ગ્રીડમાં સામાન્ય પુરવઠો જાળવવા માટે કિંમતો જાણી જોઈને ઘટાડવામાં આવે છે.
તેની વિરુદ્ધ પણ, ફ્રાન્સ એક રીતે વીજળીના વધારાના મુદ્દાનો સામનો કરી રહ્યું છે. દેશના વીજળી સંચાલક RTEએ જણાવ્યું હતું કે, ફ્રાન્સ વધુ પડતી વીજળીના દૌરમાં આવી ગયું છે. કંપનીએ હવે યુરોપમાં વીજળીકરણ વધારવાની હાકલ કરી છે જેથી વધારાની વીજળી વેચી શકાય. ખાસ વાત એ છે કે, ફ્રાન્સમાં ઉત્પન્ન થતી વીજળી લગભગ પૂરી રીતે ગ્રીન છે, એટલે કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી.
ફ્રાન્સની કુલ વીજળીનો 70% હિસ્સો પરમાણુ ઊર્જામાંથી આવે છે. ફ્રાન્સ વિશ્વના સૌથી મોટા પરમાણુ ઊર્જા ઉત્પાદકોમાંથી એક છે અને યુરોપમાં સૌથી મોટો પરમાણુ હિસ્સો ધરાવે છે. આટલું જ નહીં, ફ્રાન્સ વીજળી ઉત્પન્ન કરવાના ખૂબ જ ઓછા ખર્ચને કારણે, વીજળીનો વિશ્વનો સૌથી મોટો નેટ એક્સપોર્ટર પણ છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિએશન અનુસાર, ફ્રાન્સ વીજળી નિકાસમાંથી વાર્ષિક 3 અબજ યુરોથી વધુ કમાણી કરે છે.
આ ઉપરાંત પણ ત્યાં ઉત્પન્ન થતી વીજળીના અન્ય સ્ત્રોતો નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતો છે. વર્લ્ડ ન્યૂક્લિયર એસોસિએશન અનુસાર, પરમાણુ ઊર્જા ઉપરાંત ફ્રાન્સની 14% વીજળી હાઇડ્રોપાવર એટલે કે પાણીમાંથી ઉત્પન્ન થાય છે. તો પવન ઊર્જા 8%, સૌર ઊર્જા 4%, કુદરતી ગેસ 3% અને બાયોફ્યુઅલ 2%થી બીજલી બનાવવામાં આવે છે. આમ, 97% સુધીની વીજળી સ્વચ્છ અથવા ગ્રીન ઊર્જાની શ્રેણીમાં આવે છે.

