- Tech and Auto
- ન તો પંચરનો ડર, ન હવાની જરૂર! આ કંપનીએ રજૂ કર્યું 'એર-ફ્રી' ટાયર
ન તો પંચરનો ડર, ન હવાની જરૂર! આ કંપનીએ રજૂ કર્યું 'એર-ફ્રી' ટાયર
રસ્તા પર વાહન ચલાવતી વખતે ટાયર પંચર થઈ જાય, ત્યારે મનમાં પહેલો વિચાર આવે છે કે, ‘આજનો દિવસ ખરાબ થઈ ગયો.’ હવા નીકળી જાય છ તો ગાડી થંભી જાય છે, અને મુસાફરીમાં રોકાઈ જાય છે. પરંતુ હવે, ટાયર જગતમાં એક એવી ટેક્નોલોજી સામે આવી રહી છે જે આ મુશ્કેલીને ભૂતકાળની વાત બનાવી શકે છે. પ્રખ્યાત જાપાની ટાયર કંપની બ્રિજસ્ટોને એક એવું ટાયર રજૂ કર્યું છે જેને હવાની બિલકુલ જરૂર નથી. એટલે કે ન હવા ભરાવવાની ચિંતા કે, ન પંચરનો ડર અને ન તો રસ્તાની વચ્ચે રોકાવાની મજબૂરી.
બ્રિજસ્ટોને તેના એરલેસ ટાયરની ત્રીજી પેઢીના મોડેલનું અનાવરણ કરી દીધું છે. આ નવા એરલેસ ટાયરમાં અગાઉના ટાયરની તુલનામાં ઘણાં મોટા સુધારા કર્યા છે, જે તેને વધુ સારું બનાવે છે. કંપનીએ તેને કોન્સેપ્ટ સ્ટેજથી વાસ્તવિક દુનિયા એટલે કે પ્રોડકશન રેડી સ્તર પર પહોંચાડી દીધું છે. કંપની ધીમે-ધીમે આ એરલેસ ટાયરના સામાજિક અમલીકરણ તરફ આગળ વધી રહી છે. અત્યાર સુધી ભવિષ્યનું ટાયર કહેવાતું એરલેસ ટાયર ટૂંક સમયમાં રોડ પર વાહનોમાં જોવા મળશે.
બ્રિજસ્ટોનની ત્રીજી પેઢીના એરફ્રી ટાયરમાં એડવાન્સ સિમ્યુલેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં મજબૂત અને ફ્લેક્સિબલ સામગ્રીથી બનેલું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે, આવું એટલે કરવામાં આવ્યું જેથી આ એરફ્રી ટાયર વિવિધ હવામાન અને રસ્તાની પરિસ્થિતિઓ અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે. તેનો હેતુ ટાયરને વધુ વિશ્વસનીય અને લાંબા સમય સુધી ચાલતું બનાવવાનો છે.
આ ટાયરની મુખ્ય વિશેષતા એ છે કે, તેમાં ડાયનામિક સ્ટ્રક્ચરલ ડિઝાઇન આપવામાં આવી છે. તે બીજી પેઢીના રાઈડ કમફર્ટવાળા ફોકસથી આગળ વધીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI) આધારિત ઓટોમેટેડ લર્નિંગ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમ ટાયરના આકાર અને તેના પર પડતા દબાણને વિવિધ પરિસ્થિતિઓના હિસાબે આપમેળે એડજસ્ટ કરે છે. આનાથી ટાયરનો ઉપયોગ વિવિધ વાહનોમાં સરળતાથી કરી શકાય છે.
કંપનીએ આ ટાયરોના નિર્માણમાં બ્લૂ સ્પોક્સ (બ્લૂ રંગના સ્પોક વ્હીલ્સ) જેવી રચનાનો ઉપયોગ કર્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ ટાયરમાં વાદળી સ્પોક્સ ફીટ કરવામાં આવ્યા છે, જે ઓછા પ્રકાશમાં અને સાંજના સમયે સ્પષ્ટપણે દેખાય છે. આનો હેતુ સ્થાનિક કમ્યુનિટી મોબિલિટીમાં સેફ્ટીને વધુ સારી બનાવવાનો છે. આમાં હવાને બદલે, રિસાયકલ થનારા થર્મોપ્લાસ્ટિક રેઝિનથી બનેલા સ્પોક્સ લગાવવામાં આવ્યા છે, જે ગાડીનું સંપૂર્ણ વજન સરળતાથી ઉઠાવી શકે છે. બ્રિજસ્ટોનનો એવો પણ દાવો કરે છે કે આ સ્પોક્સ રસ્તાના આંચકા પણ ઘટાડે છે.
જાપાનના ટોક્યોના કોડાઇરા શહેરમાં માર્ચ 2024માં આ ટાયરોના ડેમોનું પરીક્ષણ શરૂ થયું હતું અને જે સતત ચાલુ છે. આ પરીક્ષણ ગ્રીન મોબિલિટી સોલ્યુશન માટે આ ટાયરોની ઉપયોગિતાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું હતું. જો કે, સામાન્ય પેસેન્જર કાર ઉપયોગ કરનારાઓએ થોડી વધુ રાહ જોવી પડી શકે છે. હાલમાં, બ્રિજસ્ટોન કોમર્શિયલ ટ્રક અને અલ્ટ્રા-કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક વાહનો પર આ એર-ફ્રી ટાયરનું પરીક્ષણ કરી રહી છે. કંપનીનું માનવું છે કે વ્યાવસાયિક ફ્લીટ વાહનોને વધુ જાળવણીની જરૂર પડે છે, એટલે આ ટેકનોલોજી ત્યાં વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

