- Business
- હવે 3000 રૂપિયા ભરો અને એક વર્ષમાં આટલી વખત ટોલ પ્લાઝાથી પસાર થાઓ, ગડકરીની જાહેરાત
હવે 3000 રૂપિયા ભરો અને એક વર્ષમાં આટલી વખત ટોલ પ્લાઝાથી પસાર થાઓ, ગડકરીની જાહેરાત

જો તમે પણ વારંવાર તમારી કારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. જો ટોલ પ્લાઝા પર વારંવાર ટોલ ચૂકવીને તમારા ખિસ્સા હલકા થઇ રહ્યા છે, તો આ સમાચાર તમને ખુશ કરશે. હા, સરકાર FASTag આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ બુધવારે X પોસ્ટમાં આ અંગે માહિતી આપી હતી. તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, સરકાર 3,000 રૂપિયાના FASTag આધારિત વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી રહી છે. આ પાસ આવતી 15 ઓગસ્ટથી બહાર પાડવામાં આવશે અને તે ફક્ત બિન-વાણિજ્યિક ખાનગી વાહનો માટે જ બહાર પાડવામાં આવશે.

ગડકરીએ કહ્યું કે, આ પાસ સક્રિય થયાની તારીખથી એક વર્ષ માટે અથવા 200 ટ્રિપ્સ માટે, જે પણ વહેલું હોય તે માટે માન્ય રહેશે. એટલે કે, એક ટ્રિપ માટે આ ચાર્જ 15 રૂપિયા હશે. હાલમાં, તમારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના કોઈપણ ટોલ પ્લાઝા પર 100 રૂપિયાથી 200 રૂપિયા અને 300 રૂપિયા સુધીનો ટોલ ચાર્જ ચૂકવવો પડતો હોય છે. ગડકરીના આ 'વાર્ષિક પાસ'થી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી સરળ અને સસ્તી બનશે. તેમણે કહ્યું કે તેને સક્રિય કરવા અને નવીકરણ કરવા માટેની લિંક ટૂંક સમયમાં હાઇવે યાત્રા એપ અને NHAI અને MoRTHની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

સરકાર દ્વારા લાગુ કરાયેલી આ નીતિ 60 Kmની ત્રિજ્યામાં ટોલ પ્લાઝા સંબંધિત ચિંતાઓ દૂર કરશે. આ ઉપરાંત, ટોલ ચૂકવવાનું ખૂબ જ આર્થિક અને સરળ બનશે. આનાથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય પણ ઓછો થશે. આ વાર્ષિક પાસ લાખો ખાનગી વાહન માલિકોને ઝડપી અને સરળ મુસાફરીનો વિકલ્પ પૂરો પાડશે. ગયા મહિને, તે વાતને લઈને ઘણી ચર્ચા થઈ હતી કે સરકાર નવી ટોલ નીતિ પર ઝડપથી કામ કરી રહી છે, જે મુસાફરો માટે હાઇવે મુસાફરીને સરળ અને વધુ સસ્તું બનાવશે.

આ અગાઉ, નવી ટોલ નીતિ વિશે બે પ્રકારની અફવાઓ ચાલી રહી હતી. આ અફવાઓમાં, એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વાર્ષિક પાસ માટે 3,000 રૂપિયાના એક વખતના FASTag રિચાર્જથી, ખાનગી વાહનો રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો પર એક વર્ષ સુધી કોઈપણ વધારાના ટોલ વિના મુસાફરી કરી શકશે. આ ઉપરાંત, એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે, જે લોકો વાર્ષિક મોડેલ પસંદ કરવા માંગતા નથી, તેમના માટે 100 Km દીઠ 50 રૂપિયાનો નિશ્ચિત ટોલ હાલના ટોલ પ્લાઝા ચાર્જ માળખાને બદલી શકે છે.
જોકે 3,000 રૂપિયાના વાર્ષિક પાસ અંગે એક્સ એકાઉન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય બીજા વિકલ્પ (અંતર પર આધારિત) લાગુ કરશે કે નહીં. સરકારે અગાઉ 'લાઇફટાઇમ ફાસ્ટેગ'ના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. 30,000 રૂપિયામાં તે 15 વર્ષ માટે માન્ય હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.