- Business
- વિકસિત દેશોના સૌથી ગરીબ લોકો ભારતના અમીરોથી વધારે કમાણી કરે છે, વર્લ્ડ બેંકના અહેવાલનો ખુલાસો
વિકસિત દેશોના સૌથી ગરીબ લોકો ભારતના અમીરોથી વધારે કમાણી કરે છે, વર્લ્ડ બેંકના અહેવાલનો ખુલાસો
વિકસિત દેશોમાં સૌથી ગરીબ 10% લોકોની જીવનશૈલી અને આવક 10% ભારતની સૌથી અમીર લોકોની સરખામણીમાં સારી છે. આ ચોંકાવનારા આંકડા વર્લ્ડ બેંકના 'પોવર્ટી એન્ડ ઈનઈક્વાલિટી પ્લેટફોર્મ'ના અહેવાલમાંથી સામે આવ્યા છે. અહેવાલ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં જે પરિવાર દેશના સૌથી અમીર વર્ગમાં ગણાય છે, તેમનો દૈનિક ખર્ચ વિકસિત દેશોના સૌથી ગરીબ લોકોના ખર્ચ કરતા પણ ઓછો છે.
વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર, ઘણા દેશોમાં સૌથી ગરીબ અને સૌથી અમીર લોકોની દૈનિક આવક વચ્ચે ભારે તફાવત જોવા મળે છે. ભારતમાં, સૌથી નીચેના 10% લોકોનો દૈનિક ખર્ચ વ્યક્તિ દીઠ આશરે 3 ડૉલર છે. તો, અમેરિકા જેવા વિકસિત દેશોમાં સૌથી ગરીબ 10% લોકોના ખર્ચનો આ આંકડો 25 ડૉલર છે. કેનેડામાં આ આંકડો 31 ડૉલર છે અને જર્મની તથા ઓસ્ટ્રેલિયામાં લગભગ 28 ડૉલર છે.
બીજી તરફ, ભારતના ટોચના 10% અમીરોનો દૈનિક ખર્ચ વ્યક્તિ દીઠ 10 ડૉલરથી શરૂ થાય છે. ભારતના આર્થિક સર્વેક્ષણ મુજબ, જો કોઇ વ્યક્તિ દર મહિને રૂ. 80000 કમાય છે, તો તે દેશના ટોચના 10% આવક ધરાવનારાઓમાં સામેલ થઇ જાયછે. તેની સરખામણીમાં, અમેરિકામાં ટોચના 10% ધનિકોનો દૈનિક ખર્ચ 173 ડૉલર છે; કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં તે 129 ડૉલર અને જર્મનીમાં 128 ડૉલર છે.
આ આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે જે 10 ડૉલરનો દૈનિક ખર્ચનો આંકડો કોઇ વ્યક્તિને ભારતમાં ટોચના 10% અમીરોની શ્રેણીમાં મૂકે છે, ત્યાંરે આ આંકડો કેનેડા, જાપાન અને અમેરિકા જેવા દેશોમાં વ્યક્તિને સૌથી નીચેના 10% સૌથી ગરીબ શ્રેણીમાં લાવી દે છે.

