- Entertainment
- 1 સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રો ભજવનાર અભિનેતા સતીશ શાહે દુનિયાને અલવિદા કહી દીધું
1 સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રો ભજવનાર અભિનેતા સતીશ શાહે દુનિયાને અલવિદા કહી દીધું
બોલિવૂડ અને ટેલિવિઝનનું એક ખુબ જાણીતું નામ સતીશ શાહ, જેમને હમણાં જ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમણે 25 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. મળતા અહેવાલો અનુસાર, સતીશ કિડની સંબંધિત બીમારીથી પીડાતા હતા. તેમના મેનેજરે મીડિયા સૂત્રો સાથે વાતચીતમાં અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી હતી. 26 ઓક્ટોબરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમનો મૃતદેહ હાલમાં હોસ્પિટલમાં જ છે.

સતીશ શાહે 74 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પિયુષ પાંડેના મૃત્યુના સમાચારથી બોલિવૂડ હજુ માંડ બહાર આવી રહ્યું છે, ત્યારે સતીશના અચાનક અવસાન થવાથી ફિલ્મ ઉદ્યોગને બીજો મોટો ફટકો પડ્યો. ફિલ્મ અને TV ઉદ્યોગમાં શોક પ્રસરી ગયો છે. સતીશ શાહે તેમની કારકિર્દી દરમિયાન અસંખ્ય ફિલ્મોમાં અભિનય કર્યો. જોકે, TV શો 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં ઇન્દ્રવદન સારાભાઈ, જેને ઇન્દુ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની ભૂમિકાએ તેમને ઘર-ઘરમાં જાણીતું નામ બનાવ્યું. આ કોમેડી શોમાં સતીશનો અભિનય નોંધપાત્ર હતો. આજે પણ, તેમના શોની ક્લિપ્સ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થાય છે.
સતીશનો જન્મ ગુજરાતના માંડવીમાં થયો હતો. ઝેવિયર કોલેજમાં અભ્યાસ કર્યા પછી, તેમણે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં અભ્યાસ કર્યો. 1972માં, સતીશે ડિઝાઇનર મધુ શાહ સાથે લગ્ન કર્યા. તેમણે COVID-19 રોગચાળા દરમિયાન COVID-19નો સામનો કર્યો હતો. સતીશ શાહે બોલિવૂડ ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમની પહેલી ફિલ્મ 'ભગવાન પરશુરામ' હતી. ત્યારપછી તેઓ 'અરવિંદ દેસાઈ કી અજીબ દાસ્તાન', 'ગમન', 'ઉમરાવ જાન', 'શક્તિ', 'જાને ભી દો યારોં', અને 'વિક્રમ વેતાળ' જેવી ફિલ્મોમાં દેખાયા હતા.

સતીશ શાહે બોલિવૂડમાં ઘણી અલગ અલગ ફિલ્મોમાં કામ કર્યું. જોકે, ટેલિવિઝન ઉદ્યોગમાં તેમનો દબદબો એકદમ અલગ જ હતો. 1984માં તેમની સિટકોમ 'યે જો હૈ જિંદગી' હજુ આજે પણ યાદ કરવામાં આવે છે. સતીશે શોના 55 એપિસોડમાં 55 અલગ અલગ પાત્રો ભજવ્યા. ત્યારપછી તેમણે 1995ના શો 'ફિલ્મી ચક્કર'માં પ્રકાશની ભૂમિકા ભજવી. ત્યારપછી તેમણે 'સારાભાઈ વર્સિસ સારાભાઈ'માં અભિનય કર્યો. 'ફિલ્મી ચક્કર' અને 'સારાભાઈ વર્સીસ સારાભાઈ' બંનેમાં અભિનેત્રી રત્ના પાઠક શાહ સાથેની તેમની જોડી હિટ રહી હતી. માયા સારાભાઈ અને ઈન્દ્રવદન સારાભાઈ વચ્ચેની મજાક મસ્તીને પ્રેક્ષકોએ ખૂબ પસંદ કરી હતી.

સતીશ શાહે શાહરૂખ ખાનની ફિલ્મ 'મેં હૂં ના'માં એકદમ આનંદદાયક ભૂમિકા ભજવી હતી. તેમણે મેજર રામની કોલેજના પ્રોફેસરની ભૂમિકા ભજવી હતી, જેઓ બાળકો સાથે વાત કરતી વખતે તેમના ચહેરા પર થૂંકતા હતા. તેમનો આ રોલ પણ ઘણો લોકપ્રિય થયો હતો. સતીશ શાહ ઈન્ડસ્ટ્રીમાં કોમેડી કિંગ તરીકે જાણીતા હતા. તેણે 'રા. વન', 'હમશકલ્સ', 'ફના', 'મુઝસે શાદી કરોગી', 'હમ આપકે હૈ કૌન', 'સાજન ચલે સસુરાલ', અને 'ગુલામ-એ-મુસ્તફા', જેવી મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.
તેમણે 1984માં કુંદન શાહ અને મંજુલ સિંહા દ્વારા દિગ્દર્શિત સિટકોમ યે જો હૈ જિંદગીમાં એક નાનકડી ભૂમિકા ભજવી હતી. તેઓ 55 એપિસોડમાં દેખાયા હતા, જેમાં દરેક એપિસોડમાં એક અલગ પાત્ર હતું. આમ, તેમણે એક જ સિરિયલમાં 55 અલગ-અલગ પાત્રો ભજવ્યા હતા.

