- Opinion
- સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
(ઉત્કર્ષ પટેલ)
લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ માત્ર રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ જ નહીં પણ કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓનું અમૂલ્ય યોગદાન પણ છે જેમણે પોતાની વ્યવસાયિક સફળતાને સમાજસેવામાં વાપરીને શહેરને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે અશોક રામચંદ્ર કાનુંનગો (અશોકભાઈ કાનુંનગો). તેમનું વ્યક્તિત્વ સરળતા, નમ્રતા, અડગતા અને પારદર્શી સેવાના અનોખા મિશ્રણથી ભરેલું છે. તેઓ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નથી પણ સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, લાયન્સ ક્લબ અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા શહેરના લોકો માટે અથાગ સેવાઓ આપી રહ્યા છે.

અશોકભાઈનો જન્મ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો. 1972માં રોહતકની વૈશ કૉલેજમાંથી બી.કોમ. પૂર્ણ કર્યા પછી તેઓ મુંબઈ અને પછી સુરત આવ્યા. વ્યવસાયમાં શરૂઆતથી જ અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છતાં તેમણે ક્યારેય હાર ન માની. વિપરીત પરિસ્થિતિમાં પણ પત્ની અને પરિવારના સમર્થનથી તેઓ આગળ વધતા રહ્યા. 1992માં તુલસી સિન્થેટિક્સની સ્થાપના કરી અને તેને તે સમયે રૂ. 10 કરોડના ટર્નઓવરવાળી અગ્રણી કંપની બનાવી હતી. આજે તેમનો સંપૂર્ણ વેપાર એમના પુત્ર કનિષ્ક સંભાળી રહ્યા છે અને અશોકભાઈ પૂર્ણ સમય સેવારત છે.

તેમના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા છે નિર્ણયો અને ધ્યેય પ્રત્યે અડગતા, સરળતા, નમ્રતા અને ગુણવત્તા માટેની ઝંખના. વ્યવસાયમાં “Quest for Quality” (ગુણવત્તા માટેની શોધ) તેમનું સૂત્ર રહ્યું છે જે તેમણે લાયન્સ ક્લબમાં પણ અપનાવ્યું. જીવનમાં સફળતા મળ્યા પછી પણ તેઓ ખૂબ જ સાદગીભર્યા અને નમ્ર રહ્યા છે. તેમની આ સરળતા અને સમર્પણભાવે તેમને સમાજમાં વિશેષ સ્થાન અપાવ્યું છે. તેઓ માને છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેનો લાભ સમાજને મળે.
2005ની આસપાસ સુરત પોલીસ સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ હેઠળ સ્થપાયેલા સુરત ટ્રાફિક એડ્યુકેશન ટ્રસ્ટના માનદ સેક્રેટરી તરીકે અશોકભાઈએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ટ્રસ્ટ “Safe City Surat” પ્રોજેક્ટનું વિશેષ હેતુ માધ્યમ (SPV) છે. તેમના નેતૃત્વમાં શહેરમાં આધુનિક CCTV નેટવર્ક વિકસાવવામાં સફળતા મળી. 2015માં સુરત ભારતનું પ્રથમ શહેર બન્યું જેણે “Picture Intelligence Unit” શરૂ કર્યું. આ સિસ્ટમમાં લાખો ફોટા અને ડેટાબેઝની મદદથી ગુનેગારો, પુરઝડપે ડ્રાઇવિંગ કરનારા વાહનો અને અન્ય અપરાધીઓને ઓળખીને પોલીસને તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે. ટુવે પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ટ્રાફિક નિયમોનું શિક્ષણ અને રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમો દ્વારા તેમણે શહેરના નાગરિકોને સુરક્ષિત રાખવામાં મોટો ફાળો આપ્યો છે. તેમની આ પહેલોથી સુરત આજે વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેર બન્યું છે. આ કાર્ય માત્ર ટેક્નિકલ નથી પણ લોકોના જીવનની સુરક્ષા અને ગુનાખોર તત્વોને નાથવા માટેની એક ચોક્કસ વ્યવસ્થાનો ભાગ છે.

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે અશોકભાઈનું સેવાકાર્ય ઘણા વર્ષોથી છે. તેઓ 1995-96માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર - PDG રહી ચૂક્યા છે અને પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન - PMCC તરીકે પણ સેવા આપી છે. તેમનું સૂત્ર “Quest for Quality” લાયન્સ સેવામાં પણ પ્રતિબિંબિત થાય છે. તેઓ વિવિધ સેવા પ્રોજેક્ટ્સમાં સક્રિય રહ્યા છે અને યુવાનોને સેવાની પ્રેરણા આપે છે.
તેમના સામાજિક કાર્યોમાં સૌથી મહત્વનું અને પ્રેરણાદાયી કાર્ય છે લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ, સુરતના ચેરમેન તરીકેનું તેઓનું યોગદાન. આ ટ્રસ્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ કેમ્પસ, મજુરા ગેટ, સુરત ખાતે કાર્યરત છે. જ્યાં લાખો દર્દીઓને મફત અથવા ઓછા ખર્ચે સારવાર પૂરી પાડવામાં આવી છે. અહીં દર્દીઓને મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી, પીડિયાટ્રિક ઓન્કોલોજી, CT સ્કેન, પેથોલોજી જેવી સેવાઓ મળી રહશે. હાલમાં નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલ આ ટ્રસ્ટનું સૌથી મોટું સ્વપ્ન છે. અશોકભાઈના નેતૃત્વમાં આ હોસ્પિટલ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે બની રહી છે અને વિશેષમાં તેની સારવાર દરેક માટે સસ્તી અને સુલભ રહેશે. તેમની દ્રષ્ટિ સ્પષ્ટ છે “આ હોસ્પિટલ માત્ર એક હોસ્પિટલ નહીં, પણ દર્દી સંભાળની સંસ્થા બને.” ધર્મ, જાતિ, વય કે લિંગના ભેદભાવ વગર દરેક દર્દીને ગૌરવ અને કરુણા સાથે સારવાર મળે એ જ તેમનું લક્ષ્ય છે. દાતાઓ દ્વારા પૂર્ણ સેવાસમર્પણ ભાવ સાથે દાન મળી રહ્યું છે અને આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાત માટે વરદાન સાબિત થશે.

અશોકભાઈ કાનુંનગોનું જીવન આપણને શીખવે છે કે સફળતા માત્ર પૈસા કમાવવામાં નથી પણ તેનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવામાં છે. તેમની અડગતા, સરળતા અને સેવાનો આત્મભાવ તેમને સુરતના સાચા નાગરિક અને માર્ગદર્શક બનાવે છે.
ટ્રાફિક સુરક્ષા, લાયન્સ સેવા અને કેન્સર જેવા ગંભીર રોગ સામેની લડતમાં તેમનું યોગદાન હંમેશા સ્મરણીય નોંધનીય રહેશે.
તેઓ જેમ કહે છે તેમ, “દર્દીનું કલ્યાણ સૌથી પહેલા” આ જ વિચારથી તેઓ આગળ વધી રહ્યા છે. સુરતના લોકો માટે તેઓ એક જીવંત પ્રેરણા છે. તેમના જેવા વ્યક્તિઓના કારણે જ સુરત માત્ર આર્થિક રીતે જ નહીં પણ માનવીય અને સામાજિક રીતે પણ સમૃદ્ધ બન્યું છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

