- Gujarat
- ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે
ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે
થોડા દિવસ અગાઉ મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું. સુરત, નવસારી, વલસાડ સહિત રાજ્યના અનેક ભાગોમાથી પૂરની તબાહીના દૃશ્યો સામે આવ્યા હતા. જોકે અત્યારે મેઘાએ વિરામ લીધો છે, પરંતુ હવે ગુજરાતના માથે એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આજથી ફરી વરસાદી માહોલ જામશે. રાજ્યમાં એકસાથે જે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે, તેમાં 1. ડીપ ડિપ્રેશન, 2. મોનસૂન ટ્રફ, 3. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને 4. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. જેથી આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આજે દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે, હવામાન વિભાગ દ્વારા આજે સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક (બપોરે 1 વાગ્યા સુધી) પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા અને દાહોદ જિલ્લામાં 40 કિમીની ઝડપે પવન અને વીજળી સાથે મધ્યમ વરસાદની (5થી 15 મિમી/કલાક) શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને આણંદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો વોચ રખાઈ છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકજામની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ જર્જરિત મકાનો કે ઝાડ નીચે ઊભા ન રહેવા એડવાઈઝરી અપાઈ છે.
જ્યારે 31 જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 31 જુલાઈએ વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામને સુરક્ષિત રહેવા અપીલ કરી છે. આજે 30 જુલાઈએ જ મોડી રાતથી વડોદરા શહેર-જિલ્લા પર વરસાદનું સંકટ છે. આ ઉપરાંત 1 ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે મુસળધાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે દાસના જણાવ્યા મુજબ, રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની વોર્નિંગ 1 ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે, જેમાં પવનની ગતિ 20થી 25 નોટ્સ રહેશે. ભારે પવનની સંભાવનાથી 1 ઓગસ્ટ સુધી માછીમારો માટે વોર્નિંગ જારી કરાઈ છે.

ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અગ્રસ્થાને 'વેધર વૉચ ગ્રુપ'ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં રહેવા, માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી આપત્તિના સંદેશા સમયસર પહોંચાડી એક્સ્ટ્રા કેર લેવા આદેશ આપ્યા હતા.
બેઠક દરમિયાન રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં વલસાડ-નવસારીમાં 100 ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ધોળકામાં ટૂંકા સમયમાં 20 ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ કરાયા છે. સુરક્ષા દળોના સંકલનથી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલાં અગાઉથી અંદાજે 53,600થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તથા પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે.
મુંબઈ સમાચારના અહેવાલ મુજબ, અંબાલાલ પટેલે 30 જુલાઈથી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે 30 જુલાઈની રાતથી વરસાદની શરૂઆત થશે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તોરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 3 ઓગસ્ટથી 13-14 ઑગસ્ટ સુધી પણ તબક્કાવાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.
અંબાલાલ પટેલ મુજબ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15-20 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.

આ ઉપરાંત અંબાલાલે ખેડૂતોને સાવચેત કરતા જણાવ્યું કે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી કપાસ જેવા પાકોમાં સુકારો આવવાની શક્યતા છે, તેથી ખેડૂતોને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. 3 ઓગસ્ટથી 'આશ્લેષા' નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આ નક્ષત્રનું પાણી ખેતી માટે ખાસ અનુકૂળ ગણાતું નથી. પરંતુ ભાલ વિસ્તારના સુકા ઘઉંના પાક માટે જમીનમાં ભેજ સંગ્રહવા માટે આ પાણી ફાયદાકારક સાબિત થશે. 17 ઓગસ્ટ પછી શરૂ થતું 'મઘા' નક્ષત્રનું પાણી ખેતી અને જળ સંગ્રહ માટે ઉત્તમ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં 1 મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઇંચ, સિંગવડમાં 1.06 અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
રાજ્યમાં સીઝનનો 55.22 % વરસાદ
રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત 78.49%માં નોંધાયો છે, જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં 47.86%, સૌરાષ્ટ્રમાં 43.98%, ઉત્તર ગુજરાતમાં 42.18%, અને રાજ્યમાં સૌથી ઓછે વરસાદ 19.05% કચ્છમાં વરસાદ નોંધાયો છે.

