- Gujarat
- ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું
ફરી મેઘો ધબધબાટી બોલાવશે? બંગાળની ખાડીમાં પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું
તાજેતરમાં જ વરસાદે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં ધબાધબાટી બોલાવી, જેના કારણે નીચાણવાળા વિસ્તારના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો અને તેમને તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ હવે મેઘો થોડો શાંત પડ્યો છે. પરંતુ હવે બંગાળની ખાડીમાં આ ચોમાસામાં પહેલી વખત ડીપ ડિપ્રેશન બન્યું છે. તો શું ફરી એક વખત મેઘરાજા ગુજરાતને ધમરોળશે? શું ફરી એક વખત જનજીવન ખોરવાઈ જશે?
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ચાલુ ચોમાસાની સૌથી શક્તિશાળી સિસ્ટમ તૈયાર થઇ છે. પહેલીવાર આ ચોમાસામાં ડીપ ડિપ્રેશન બન્યું છે. ઓડિશા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. હાલ સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. જેથી રાજ્યમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સંભાવના છે. 30 કે 31 જુલાઈથી ફરી વરસાદી જોર વધી શકે છે. સિસ્ટમનો ટ્રેક અનુમાન પ્રમાણે રહેશે તો ફરી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ સંભવ છે.

હવામાન વિભાગની આજની નવી આગાહી અનુસાર, 30 જુલાઇથી ફરી વરસાદનું જોર વધશે. બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. 30 જુલાઈથી સતત ત્રણ દિવસ વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દમણ દાદર નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. 1 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસશે.
વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 137 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 3.9 ઈંચ નોંધાયો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઈંચ, ડીસામાં 2.83 ઈંચ અને રાહ તાલુકામાં 2.4 ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો?
રાજ્યમાં ઝોન વાઈઝ નોંધાયેલા વરસાદની ટકાવારી નીચે મુજબ છે:
દક્ષિણ ગુજરાત: 77.42% (સૌથી વધુ)
પૂર્વ-મધ્ય ગુજરાત: 45.22%
સૌરાષ્ટ્ર: 43.50%
ઉત્તર ગુજરાત: 39.53%
કચ્છ: 18.89% (સૌથી ઓછો)
ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને કારણે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના તા. 27 જુલાઈ સુધી રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના 13 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 21 ડેમ માટે 'હાઈ એલર્ટ' પર જાહેર કરાયું છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે 54 ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.

