- Gujarat
- દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, જનજીવન ખોરવાયું, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, વલસાડ જળમગ્ન
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, જનજીવન ખોરવાયું, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ, વલસાડ જળમગ્ન
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ થઇ રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 213 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ જિલ્લો જળબંબાકાર થઈ ગયો છે. આજે 23 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ એલર્ટ અપાયું છે. જ્યારે 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને હવામાન વિભાગના રેડ એલર્ટને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) પહોંચીને સુરત, વલસાડ અને નવસારી સહિતના અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ અંગે કલેક્ટરો સાથે સીધી વાતચીત કરી ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી અને મંત્રી નરેશ પટેલને અસરગ્રસ્ત વિસ્તારોમાં રવાના થવા આદેશ કરાયા છે. આ ઉપરાંત, કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે સહિત તમામ રેડ એલર્ટ વાળા જિલ્લાના પ્રભારી સચિવોને તાત્કાલિક સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવા માટે મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ મંડળમાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. ઘોલવડ અને ઉમરગામ સ્ટેશનો વચ્ચે આવેલા રેલવે બ્રિજ નંબર 203 પર પાણીનું સ્તર વધતા સુરક્ષાના ભાગરૂપે આ રૂટ પર ટ્રેન વ્યવહારને તાત્કાલિક સ્થગિત કરવામાં આવ્યો છે. આજે 23 જુલાઈના રોજ કેટલીક મહત્ત્વપૂર્ણ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. જેમાં મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ આવતી ટ્રેન નંબર 22953 ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વચ્ચે દોડતી 20901/20902 વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ વચ્ચે દોડતી 12009/12010 શતાબ્દી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે, મુસાફરી શરૂ કરતા પહેલાં પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ અવશ્ય ચકાસી લેવી અને રેલવે તરફથી મળતી તાજી સૂચનાઓનું પાલન કરવું.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આજે સવારે 6-8 વાગ્યા સુધીમાં 108 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 7.20 ઇંચ નોંધાયો છે, જે અન્ય તમામ તાલુકાઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. તે પછી સુરતના ઉમરપાડામાં 5.15 ઇંચ વરસાદ થયો છે. બીજી તરફ, સૌથી ઓછો વરસાદ ડોલવણ તાલુકામાં 1.30 ઇંચ નોંધાયો છે, જ્યારે તેની નજીક વ્યારામાં 1.34 ઇંચ અને સુબીરમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડના ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં આભ ફાટ્યું હોય તેમ 35.67 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત જિલ્લાના કપરાડામાં 28.78 ઈંચ, નાનાપોંઢામાં 25.31 ઈંચ અને ધરમપુરમાં 19.65 ઈંચ વરસાદ નોંધાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે આજે માત્ર બે કલાકમાં ઉમરગામમાં 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડમાં ભારે વરસાદ અને ઔરંગા નદી 9 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા મોડી રાતે 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
તાપી જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા અવિરત વરસાદથી ભારે હોનારત સર્જાઈ છે. વ્યારાથી ઉનાઈ જતો નેશનલ હાઈવે કોતરમાં પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે. ડોલવણ તાલુકાના ગડત ગામની સીમમાં નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જતાં 1 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી. આ દરમિયાન અંતાપુર ગામે રેસ્ક્યૂ માટે જઈ રહેલી સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની ટીમ પણ બંધ હાઈવે પર ફસાઈ ગઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા તાપીના વ્યારા, ડોલવણ, વાલોડ અને સોનગઢ તાલુકાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.
સુરતમાં સવારે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે શહેરમાંથી પસાર થતી ભેદવાળ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. અન્ય ખાડીઓ પણ ભયજનક નજીક વહી રહી છે. સુરતમાં ખાડી નજીક રહેતા 2,244 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં 22મી જુલાઈએ 150થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ 23મી જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડ ઍલર્ટ અપાયું છે. 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
તો આવતીકાલે એટલે કે 24 જુલાઈ દરમિયાન પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, દમણ અને દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, આણંદ અને ભરૂચમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
25 જુલાઈ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર, દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા છે.
26 જુલાઈ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદ અને વાવ-થરાદ, મહેસાણા તથા અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના નિષ્ણાંત, એ.ટી. દેસાઈના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. અને આગામી 2 દિવસ દરમિયાન શહેરમાં આ રીતે જ હળવોથી મધ્યમ વરસાદ પડશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સીઝનનો 31 ટકા વરસાદ વરસ્યો છે. 206 જળાશયોમાં 41 ટકા જળસંગ્રહ છે. જ્યારે નર્મદા ડેમમાં 68 ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50 ટકા જ્યારે સૌથી ઓછો કચ્છમાં 3.50 ટકા જ વરસાદ વરસ્યો છે.

