- National
- સત્તાને કારણે વિદ્યાર્થી સંગઠન ABVPની સ્વીકૃતિ ઘટી રહી છે
સત્તાને કારણે વિદ્યાર્થી સંગઠન ABVPની સ્વીકૃતિ ઘટી રહી છે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) કે જે ભારતીય જનતા પાર્ટી (BJP) ની વિદ્યાર્થી પાંખ કહેવાય છે ભારતના રાજકીય અને વિદ્યાર્થી જગતમાં એક મહત્વપૂર્ણ સંગઠન રહ્યું છે. 1949માં સ્થપાયેલી ABVP આજે વિશ્વની સૌથી મોટી વિદ્યાર્થી સંસ્થાઓમાંની એક ગણાય છે. ઐતિહાસિક દૃષ્ટિકોણે ઇમરજન્સી સામેના આંદોલન હોય કે પછી ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલન ABVP ના યુવા કાર્યકર્તાઓ હંમેશા મોખરે રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોલેજ કેમ્પસના રાજકારણમાં અને વિદ્યાર્થીઓના જનમાનસમાં ABVP નબળી પડતી જણાઈ રહી છે અથવા તો તેની સ્વીકૃતિ ઘટતી જણાઈ રહી છે. આ ઘટતી સ્વીકૃતિ પાછળ અનેક કારણો જવાબદાર છે પરંતુ તેમાંનું સૌથી પ્રમુખ અને વિશ્લેષણાત્મક કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે વિદ્યાર્થી જગતનું કોઈ મોટું જનઆંદોલન કે માસ આંદોલન ફાટી નીકળે છે ત્યારે ABVP પોતાને તેનાથી દૂર રાખે છે. આ લેખમાં આ મુદ્દાનું તટસ્થ અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
કોઈપણ વિદ્યાર્થી સંસ્થા, સંગઠન કે રાજકીય પાંખની સાચી ઓળખ ત્યારે સ્થપાય છે જ્યારે તે વિદ્યાર્થીઓની અને જનસામાન્યની લાગણીઓ અને સાચી સમસ્યાઓ સાથે જોડાયેલી હોય. જ્યારે દેશમાં કે કોઈ રાજ્યમાં કોઈ મોટું જનઆંદોલન, શૈક્ષણિક નીતિઓ સામેનો વિરોધ, બેરોજગારી સામેનું આંદોલન, કે પછી કોઈ સ્થાનિક માસ આંદોલન ફાટી નીકળે છે ત્યારે યુવા પેઢી અને સામાન્ય પ્રજાની નજર ABVP પર મંડાયેલી હોય છે કેમકે ABVP પાસે આશા અને અપેક્ષા હોય છે કે તેઓ સાચી દિશા અને માર્ગદર્શક બનશે. પરંતુ વર્તમાન સમયમાં જ્યારે કોઈ એવું માસ આંદોલન ઉભરે છે જેની દિશા સરકારી નીતિઓની વિરુદ્ધ હોય ત્યારે ABVP મૌન સાધી લે છે અથવા તો તે આંદોલનથી સ્પષ્ટપણે દૂર રહે છે. આનું મુખ્ય કારણ એ છે કે ABVP સીધી રીતે શાસક પક્ષ (BJP) સાથે જોડાયેલી છે. શાસક પક્ષની છબિને કોઈ ધક્કો ન લાગે તે માટે ABVP ને વિદ્યાર્થી હિતો અને જનઆંદોલનોથી દૂર રાખવામાં આવે છે.

હવે જ્યારે ABVP કોઈ માસ આંદોલન કે જનઆંદોલનમાંથી દૂર રહે છે, ત્યારે તેની સ્વીકૃતિ પર જે અસર થાય છે તે ખૂબ જ ઊંડી હોય છે.
- સરકારી સંગઠન તરીકેની ઓળખ: સામાન્ય વિદ્યાર્થી અને શેક્ષણિક જગતના લોકો એક એવી ધારણા માનવા લાગે છે કે ABVP હવે કોઈ સ્વતંત્ર વિદ્યાર્થી સંસ્થા નથી રહી પરંતુ તે શાસક પક્ષની 'PR એજન્સી' કે 'સરકારી ખાતું' બની ગઈ છે. જ્યારે વિદ્યાર્થીઓ, પ્રજા રસ્તા પર ઉતરેલી હોય અને વિદ્યાર્થી પાંખ મૌન હોય, ગેરહાજર હોય ત્યારે તે પાંખની નૈતિક સ્વીકૃતિ સમાપ્ત થઈ જાય છે.
- જનાદેશ અને જનભાવનાના પ્રવાહથી દૂર થવું: માસ આંદોલનો એ જનતાની નબળી પડેલી લાગણીઓનો સામૂહિક વિસ્ફોટ હોય છે. જો ABVP જેવા મોટા સંગઠનના કાર્યકર્તાઓ આ આંદોલનોમાં કૂદી ન પડે અથવા સાચી સમજ આપવા માટે સક્રિય ન થાય તો યુવા પેઢી એવું માને છે કે આ સંગઠન માત્ર સત્તાના ગલિયારાઓમાં જ રમવાનું જાણે છે, પણ વિદ્યાર્થીઓના જનતાના દુઃખમાં તેમની સાથે ઊભું રહેવાની ક્ષમતા તેનામાં નથી.
- વિરોધ પક્ષો અને અન્ય સંસ્થાઓને મોકો મળી જાય છે જ્યારે ABVP માસ આંદોલનોથી દૂર રહે છે. આખી તક અન્ય વિદ્યાર્થી સંસ્થાઓ, ડાબેરી પાંખો કે અપક્ષ વિદ્યાર્થી નેતાઓને મળી જાય છે. તેઓ રસ્તા પર ઉતરીને પોતાની સ્વીકૃતિ વધારી લે છે અને ABVP ને સરકારી સંસ્થા કે સંગઠન તરીકે પ્રસ્થાપિત કરે છે. કેમ્પસના રાજકારણમાં જ્યાં 'ક્રાંતિ' અને 'વિરોધ' ના નારા લાગતા હોય ત્યાં માસ આંદોલનમાં ગેરહાજર રહેવું એ ABVP માટે આત્મહત્યા સમાન છે.
ABVP ની મૂળ વિચારધારા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને શૈક્ષણિક સુધારાઓ પર આધારિત છે. પરંતુ આજનો યુવાન (Gen Z) માત્ર વિચારધારાથી જીવી શકતો નથી. આજના વિદ્યાર્થીઓના મુદ્દાઓ અતિશય ભૌતિક અને તાત્કાલિક છે: બેરોજગારી, વધતા મહેનતાણાં, ખાનગીકરણ, કોલેજ કેમ્પસમાં લોકશાહીનો અભાવ અને વૈચારિક સંતુલન… જ્યારે આ મુદ્દાઓ પર કોઈ માસ આંદોલન ફાટે છે ત્યારે ABVP પાસે બે વિકલ્પો હોય છે: ક્યાં તો વિદ્યાર્થીઓની સાથે ઊભા રહો અને સરકારની નીતિઓને ઘેરો અથવા તો સરકારને બચાવવા માટે મૌન રહો. દુર્ભાગ્યે આજે સંગઠનના શિસ્ત અને રાજકીય દબાણને કારણે ABVP બીજો વિકલ્પ પસંદ કરે છે. આનાથી એવો સંદેશો જાય છે કે ABVP માટે 'વિચારધારા અને સત્તા' વધારે મહત્વની છે અને 'વિદ્યાર્થીઓની સમસ્યાઓ' ગૌણ છે. આ માનસિકતા વિદ્યાર્થીઓમાં ABVP પ્રત્યેની શ્રદ્ધાને તોડે છે.

આજના કેમ્પસમાં વિદ્યાર્થીઓ માહિતીના સ્ત્રોતોથી ખૂબ જ જાગૃત છે. સોશિયલ મીડિયાના યુગમાં કોઈ પણ માસ આંદોલન કે જનઆંદોલનને દબાવી શકાતું નથી. જ્યારે ABVP ના નેતાઓ ટીવી ચેનલો પર આવીને સરકારના વખાણ કે બચાવ કરતા જોવા મળે છે પરંતુ જ્યારે હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરેલા હોય ત્યારે તેઓ ત્યાં ગેરહાજર હોય છે. તઆવા સંજોગોમાં યુવા માણસ પટલમાં એક પ્રકારનો રોષ અને નિરાશા ઉભી થાય છે.
સ્વીકૃતિ એ ક્યારેય સત્તાના બળથી મળતી નથી, તે મળે છે ત્યાગ, બલિદાન અને જનતાની સાથે રસ્તા પર ઊભા રહેવાથી. ઐતિહાસિક રીતે ABVP એ ઇમરજન્સી સામે લડત આપી છે જેના કારણે તેને દેશભરમાં સ્વીકૃતિ મળી હતી. પરંતુ આજે જ્યારે કોઈ જનઆંદોલન ફાટે છે ત્યારે તે જ ઐતિહાસિક ભૂમિકા ભજવવાને બદલે ABVP મૌન જાળવી રાખવાનું પસંદ કરે છે. આનાથી તેની ઓળખ એક 'સંઘર્ષશીલ વિદ્યાર્થી પાંખ' માંથી બદલાઈને 'શાસક પક્ષની સહાયક પાંખ' થઈ હોય તેવી ધારણાઓ બંધાઈ રહી છે.
તટસ્થ રીતે જોઈએ તો ABVP ના કાર્યકર્તાઓના ઘડતર, વિચારધારા કે તેમની મહેનત પર કોઈ સવાલ ઉઠાવી શકાય નહીં. દેશભરમાં કોલેજ કેમ્પસમાં સેવા કાર્ય, શૈક્ષણિક સેમિનાર અને સામાજિક જાગૃતિના કાર્યોમાં ABVP હંમેશા અગ્રેસર રહે છે પરંતુ 'રાજકારણ' અને 'જનઆંદોલન' જ્યારે એકબીજા સામે આવે છે ત્યારે ABVP ની મુશ્કેલી વધી જાય છે. સંગઠનની અંદર પણ એક મૌન અસંતોષ છે કારણ કે ઘણા ઈમાનદાર કાર્યકર્તાઓ એવું માને છે કે વિદ્યાર્થી હિતો માટે સરકાર સામે અવાજ ઉઠાવવો જ જોઈએ પરંતુ સંગઠનના શીર્ષસ્થ નેતૃત્વના આદેશોને કારણે તેઓ માસ આંદોલનોથી દૂર રહેવા મજબૂર બને છે.

અંતે એવું કહી શકાય કે ABVP ની નબળી હાલત તેના કાર્યકર્તાઓની નિષ્ઠા કે સંખાબળમાં નથી પરંતુ તેની 'દિશા' અને 'રાજકીય મજબૂરીઓ'માં છે. જ્યાં સુધી ABVP કોઈપણ જનઆંદોલન કે માસ આંદોલનમાં નિર્ભયતાથી ભાગ લેતી નહીં થાય અને શાસક પક્ષની છબિ બચાવવાના ચક્કરમાં જનતાની લાગણીઓને નજરઅંદાજ કરતી રહેશે ત્યાં સુધી તેની સ્વીકૃતિ ઘટતી જ રહેશે. એક વિદ્યાર્થી પાંખની સાચી તાકાત એ છે કે તે સરકારની હાથલાકડી નહીં પરંતુ અરીસો બને. જો ABVP ને ફરીથી દેશભરના કોલેજ કેમ્પસમાં અને જનમાનસમાં પોતાની ખોવાયેલી સ્વીકૃતિ પાછી મેળવવી હોય તો તેણે માસ આંદોલનોમાં સરકારના રાજકીય હિતોને બાજુ પર મૂકીને માત્ર અને માત્ર વિદ્યાર્થી અને જનતાના હિતમાં રસ્તા પર ઉતરવું પડશે. જ્યાં સુધી આ થતું નથી ત્યાં સુધી ABVP માત્ર એક મોટું સંગઠન બનીને જ રહેશે પરંતુ તે લોકલાગણીને માન આપનારી જનતાની વિદ્યાર્થી પાંખ સંગઠન તરીકેની જે ઓળખ અને સ્વીકૃતિ તેણે દાયકાઓમાં મેળવી હતી તે ધીમે ધીમે ઝાંખી પડતી જણાશે.

