- National
- નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો
શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં એક શિક્ષિકાએ નર્સરીના વિદ્યાર્થી સાથે એવી વર્તણૂક કરી કે, જેણે અમાનવીયતાની બધી હદો પાર કરી દીધી. જ્યારે બાળકને શૌચાલય જવાની મંજૂરી ન આપવામાં આવી, ત્યારે તેણે તેના પેન્ટમાં જ પેશાબ કરી દીધો; ત્યારબાદ ગુસ્સે ભરાયેલી શિક્ષિકાએ છરી ગરમ કરી અને બાળકના પ્રાઇવેટમાં ડામ દીધો હતો.

અહેવાલો અનુસાર, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળામાં કેસરી કુમારનો પુત્ર નર્સરીમાં ભણે છે. જ્યારે બાળક પેશાબ જવાની ઇચ્છા થઇ તો તેણે પોતાની શિક્ષિકા પ્રીતિ કુશવાહા પાસે પરવાનગી માંગી. ના પાડતા બાળકે તેના પેન્ટમાં જ પેશાબ કરી દીધો. ત્યારબાદ ગુસ્સે થયેલી શિક્ષિકા બાળકને બીજા રૂમમાં લઈ ગઇ અને છરી ગરમ કરીને તેના પ્રાઇવેટ પાર્ટમાં ડામ દીધો હતો. તે ત્યાં જ અટકી નહીં અને તેણે બાળકને માર પણ માર્યો. તેણે માસૂમ બાળકને ધમકી પણ આપી, કે આવી ભૂલ ફરીથી ન કરતો.
જ્યારે ગભરાયેલો બાળક ઘરે પાછો ફર્યો અને રડતા-રડતા તેના પરિવારજનોને આ ઘટના જણાવી, ત્યારે તેઓ પણ હેરાન રહી ગયા. શિક્ષિકાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહીં. જ્યારે પીડિત પિતાએ શાળાના આચાર્ય હેમલતા સિંહ સાથે વાત કરી, ત્યારે તેણે સહકાર આપવાને બદલે ધમકીઓ આપી. બીજા દિવસે, 25 જુલાઈના રોજ, જ્યારે તેઓ શાળાએ ગયા, ત્યારે આચાર્ય અને મેનેજરે મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
https://twitter.com/News1IndiaTweet/status/2081651454625141120?s=20
બાળકની ગંભીર હાલત અને માનસિક ડરને જોતા પીડિતના પિતાએ, તેઓએ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ બાબતની નોંધ લેતા પોલીસે શિક્ષિકા પ્રીતિ કુશવાહા, શાળા મેનેજમેન્ટ અને આચાર્ય વિરુદ્ધ BNS ની કલમ 115(2), 118(1), અને 351(2) હેઠળ કેસ નોંધ્યો છે. સ્ટેશનના પ્રભારી અતુલ સિંહે જણાવ્યું કે પિતાની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવી છે. પોલીસ આ મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે, અને ટૂંક સમયમાં વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તો આ મામલે સમાજવાદી પાર્ટીને નેતા અખિલેશ યાદવે ફેસબુક પર પોસ્ટ કરતા આ ઘટનાની નિંદા કરી છે. તેમણે લખ્યું કે, આ એક અત્યંત ગંભીર બાબત છે જેની બાળક પર જીવનભર આઘાતજનક અને ભયાનક અસર પડી શકે છે. શિક્ષિકામાં એટલી સમજણ નથી તેમણે બાળકો સાથે સહાનુભૂતિ અને માનવતાથી વર્તવું જોઈએ. તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ!

