આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની નદીઓ ઉફાન પર હતી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને રેસક્યું પણ કરવામાં આવ્યા હતા, જ્યારે કેટલીક જગ્યાએ ફસાયેલા લોકોનું દિલધડક રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યા હતા. આવો જ એક કિસ્સો વાપીથી સામે આવ્યો છે, જ્યાં એક PIના જુસ્સાને સલામ કરવાનું બને છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ ચારેય બાજુ પાણી જ પાણી હતું અને તેમાં એક શખ્સ પોતાનો જીવ બચાવવા માટે વીજ પોલને વળગીને સહારો મેળવ્યો હતો. એ વ્યક્તિને બચાવવા માટે એક પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના જીવની ચિંતા કર્યા વગર હાઇવોલ્ટેજ વીજ પોલ પર ચઢી ગયા. આ વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. લોકોની સાથે મંત્રીઓ અને નેતાઓએ પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે.

આ વાયરલ વીડિયો વાપીનો છે. 22મી જુલાઇની રાત વાપીના રહેવાસીઓ માટે આફત સમાન હતી. કેમ કે એ દિવસે મેઘરાજાઓ પોતાનું રૌદ્ર સ્વરૂત ધારણ કર્યું હતું અને કોલક નદી ઉફાન પર હતી. જેના કારણે ચારે બાજુ પૂરની સ્થિતિ સર્જાઇ હતી. બીજીતરફ મોરાઇ ગામની સીમમાં સિક્યોરિટી ગાર્ડ તરીકેની નોકરી કરતા મકસુદનભાઇ જોતજોતામાં પાણીમાં ફસાઇ ગયા. બચવા માટે તેની પાસે કોઇ વિકલ્પ નહોતો. અંતે તેણે વીજ પોલ પકડી લીધો છે. તેની આંખો સમક્ષ યમરાજા દેખાતા હતા.

મકસુદનભાઇએ કહ્યું કે, 'હું છેલ્લા 6 વર્ષથી ગુજરાતમાં રહું છું. આલોક કંપનીમાં સંપ પર સિક્યોરિટી ગાર્ડ તરીકે કામગીરી કરું છું અને આ જ કંપનીમાં રહું છું. આટલા વર્ષોથી અહીં છું પણ આવું ક્યારેય નહોતું થયું. મારી ડ્યૂટી સવારે હોય છે. એ દિવસે ડ્યૂટી પતાવી એ પછી રાત્રે જમીને સૂવા માટે ગયો. ડ્યૂટી પર એક છોકરો હતો. હું તેને કહીને સૂઇ ગયો હતો કે પાણી વધે તો મને ઉઠાડજે. એ પછી હું પાસેની ખુલ્લી જગ્યામાં સૂઇ ગયો હતો.'

Flood
divyabhaskar.co.in

અંદાજે રાતના 3 વાગ્યા હશે. મારો હાથ મારી પથારીની બહાર ગયો તો તેના પર પાણીના છાંટા પડ્યાં એટલે હું એકદમ ઝબકીને ઊઠી ગયો ને વિચાર્યું કે એટલો બધો વરસાદ પડ્યો કે બાજુમાં પડેલી ડોલ પણ ભરાઇ ગઇ? થોડે આગળ જઇને બહાર જોયું તો બહુ પાણી આવી ગયું હતું.’

'આ ઘટના જોઇને મેં મારો મોબાઇલ લીધો અને ટી-શર્ટમાં તેને બાંધી દીધો. જોતજોતામાં પાણી વધવા લાગ્યુંને ઢીંચણસમું પાણી થઇ ગયું. ત્યારબાદ ત્યાંથી આગળ વધતો ગયો તો છેક ગળા સુધી પાણી થઇ ગયું. આ દરમિયાન મારા હાથમાં એક દોરી જેવું કંઇક આવ્યું. તેને પકડી તો એ તૂટી ગઇ. તેની બાજુમાં એક ઝાડ હતું, તેને પકડી લીધું પણ લાગ્યું કે અહીં લાંબો સમય સુધી ટકી શકાશે નહીં એટલે તેને છોડીને વીજ પોલને પકડી લીધો. જેવો મેં એ થાંભલાને પકડ્યો કે મારી દાઢી સુધી પાણી આવી ગયું. થાંભલાની બાજુમાં ખેડૂતના ખેતરનું ફાઉન્ડેશન દેખાયું, ત્યાર બાદ હિંમત કરીને તેના પર ચઢી ગયો ને ત્યાં બેસવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીનો પ્રવાહ અને સ્તર એટલું વધારે હતું કે જેના કારણે ઊભું થઇ જવું પડ્યું.'

'રાતના 3 વાગ્યાથી લઇને સવાર સુધી તો મારી હાલત ખરાબ થઇ ગઇ હતી પણ મનમાં એક વાત હતી કે ભગવાન મને ગમે તે રીતે બચાવી લેશે. આ દરમિયાન હું મનમાં રાધે રાધે બોલતો હતો. મેં ફોનને ટી-શર્ટમાં બાંધ્યો હતો એટલે સુરક્ષિત હતો. તેમાં રિંગ વાગે પણ બે હાથે પોલ પકડેલો હતો આવામાં હું કોલ રીસિવ ન કરી શક્યો. લોકોના સતત આવતા ફોનના કારણે બેટરી ઉતરી ગઇ અને ફોન બંધ થઇ ગયો.'

'પોલીસ જવાનો વીજળીના પોલ પર ચઢ્યાં. તેમાં એક વાર તો તેઓ ચઢતા-ચઢતાં પણ પડી ગયા હતા છતા જીવના જોખમે ચઢ્યા અને મને બચાવવાના પ્રયત્નો કર્યાં. છેવટે એક હેલિકોપ્ટર આવ્યું અને મને બચાવી લીધો. હું ગુજરાત પોલીસ અને એ અધિકારીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.'

પાણીમાં ફસાયેલા મકસુદન યાદવને બચાવવા માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર લાઇટના થાંભલા પર ચઢનારા PI ગોહિલે જણાવ્યું કે, એ વ્યક્તિને બચાવવા માટે અમારી પાસે ખૂબ ઓછો સમય હતો. અમે તમામ પ્રયત્નો કર્યા છતા કોઇ રસ્તો દેખાતો નહોતો. જ્યારે અમે સ્થળ પર પહોંચ્યાં ત્યારે પહેલાં બધું જોયું કે ક્યાં શું છે. એ પછી તેમના સુધી પહોંચવાના અનેક પ્રયત્નો કર્યાં પણ કામ ન આવતા અમે એક સ્ટ્રેટેજી બનાવી. જેમાં નક્કી કર્યું કે હવે લાઇટના થાંભલા પર ચઢીને ત્યાં સુધી પહોંચવું પડશે. આ માટે મંકી ક્લાઇમ્બિંગ કરીને જ પહોંચી શકાશે.'

વીજ થાંભલા પર ચઢતી વખતે મનમાં કેવી ગડમથલ ચાલતી હતી. તેમણે કહ્યું કે, મનમાં એમ ચાલતું હતું કે મારે તો સેફ્ટી રાખવાની જ છે પણ તેની સાથે સાથે ગમે તે રીતે દોરડ઼ું લઇને એ વ્યક્તિ સુધી પહોંચવું છે. આ દરમિયાન કોઇ ખ્યાલ મગજમાં નહોતો, પરંતુ એક વાતનો ડર હતો કે આ વીજ પોલ છે. ત્યાં ઉપર જઇશ અને કોઇ લાઇન ચાલુ તો નહીં કરી દે ને? જો કે હિંમત રાખીને એ વીજ પોલ પર ચઢ્યો. અમે એ વ્યક્તિને દૂરથી હિંમત આપી રહ્યા હતા.

તેમણે કહ્યું, એ રાતે વાપીમાં અચાનક જ ખૂબ વરસાદ પડ્યો હતો. જેના કારણે વાપી અને તેની આસપાસના વિસ્તારો પાણીમાં ડૂબ્યાં હતા. 23મી તારીખની સવારે અમે અમારી ફરજના ભાગરૂપે પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન અમને સમાચાર મળ્યા કે અમદાવાદ-મુંબઇ વચ્ચે નેશનલ હાઇવે નંબર 48ની બાજુમાં આવેલા મોરઇ ગામની સીમમાં કોલક નદીના પટમાં એક વ્યક્તિ ફસાઇ છે. તેણે પોતાનો જીવ બચાવવા માટે વીજ પોલને પકડી રાખ્યો છે અને પાણી વચ્ચે ઊભો છે.

પોલીસની ટીમ જ્યારે ત્યાં પહોંચી તો જોવા મળ્યું કે એ વ્યક્તિ પાસે પહોંચી શકાય તેવી પરિસ્થિતિ નહોતી કેમ કે પાણીનો પ્રવાહ ખૂબ વધારે હતો. જેના પછી પોલીસે સ્થાનિક તરવૈયાઓનો સંપર્ક કરીને તેમને બોલાવ્યા. તરવૈયાને રસ્સી બાંધીને પાણીમાં મોકલ્યા પણ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે તરવૈયાઓ પણ ત્યાં સુધી પહોંચી શક્યાં નહીં. અંતે તેને જે દોરડું બાંધ્યું હતું તેનાથી પાછા ખેંચી લેવાયા. બીજી રીતે ઘણાં પ્રયત્નો કરવાના ચાલુ રાખ્યાં પણ સફળતા ન મળી એટલે ડિઝાસ્ટર કન્ટ્રોલમાં જાણ કરી. SPને જાણ કરી સાથે જ કલેક્ટરને પણ માહિતી આપીને SDRFની ટીમ માગવામાં આવી હતી.

PI
divyabhaskar.co.in

DySP દવેએ જણાવ્યું કહે છે કે, SDRFની ટીમ વલસાડથી વાપી સુધી આવે તો તેને વચ્ચે પહાડીથી પસાર થવું પડે. ત્યાં પણ નદીના પાણી હાઇવે પર આવી ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો હતો કે એ ટીમ જલ્દીથી પહોંચી શકે તેમ નહોતી. તેમને ટુકવાડા પાસે એક અન્ય રેસ્ક્યૂમાં જવાનું થયું. જેથી ત્યાં જ રોકાઇ ગઇ.

આવી પરિસ્થિતિમાં ડુંગરા પોલીસ સ્ટેશનની ટીમ GIDCના PI સિદ્ધાર્થસિંહની ટીમ અને ટ્રાફિકના જવાનોની મદદથી ફરી બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો.જવાનોએ લાઇફ જેકેટ પહેરીને કમરમાં દોરડા બાંધી એ વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી.

તેમણે કહ્યું કે, બધી રીતે નિષ્ફળતા મળતી હતી. હવે શું કરવું એ અમે સતત વિચારી રહ્યા હતા. આ સમયે વિચાર આવ્યો કે નીચે તો નદીનો ધસમસતો પ્રવાહ છે. જેના કારણે આપણે ત્યાં જઇ શકતાં નથી પણ જો ઉપર વીજ પોલ ના વાયર જાય છે તો એ વાયરથી પહોંચીને બીજા થાંભલે પહોંચીએ તો કદાચ એ વ્યક્તિ સુધી પહોંચી શકાય અને તેનો બચાવ થઇ શકે.

'આ દરમિયાન અમે સૌથી પહેલાં GEBનો સંપર્ક કરીને વીજ પ્રવાહ બંધ કરાવ્યો. સ્થાનિક તરવૈયાની મદદ લીધી. તે એક થાંભલા પર ચઢીને બીજા થાંભલા પર દોરડું લઇને પહોંચ્યો. એ પછી અમારા PI બી.એન ગોહિલ ત્યાં સુધી પહોંચ્યા, પરંતુ ત્યાં પહોંચતા જ એ તરવૈયો થાકી ગયો હતો. જેના કારણે એ થાંભલા પર ચઢી ન શક્યો. હવે શું કરવું તેની ચિંતા હતી પણ PI ગોહિલને પોતાનામાં ખૂબ જ આત્મવિશ્વાસ હતો. તેમણે મને કહ્યું કે સર હું આ કરી શકીશ. ત્યારબાદ તેમણે બીજા વીજ પોલ પર ચઢીને ત્રીજા થાંભલા પર જવા માટેની તૈયારીઓ શરૂ કરી હતી. આ બધાની વચ્ચે કોસ્ટ ગાર્ડની ટીમ પણ ત્યાં હાજર હતી. તે બોટ દ્વારા ફસાયેલી વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ કરતી હતી પણ સફળતા નહોતી મળતી. છેવટે પોલીસે કલેક્ટર અને SP પાસે હેલિકોપ્ટરની મદદ માંગી હતી.

આ તરફ PI ગોહિલ લાઇટના થાંભલા પર હતા ને બીજી તરફ દૂરથી હેલિકોપ્ટર આવતું દેખાઇ રહ્યું હતું એટલે ત્યાં હાજર બધાને વિશ્વાસ આવી ગયો હતો કે એ વ્યક્તિનો જીવ બચી જશે. DySP દવેએ કહ્યું, જે વ્યક્તિ ફસાઇ હતી તે દિવ્યાંગ હતી. એટલે તેનું મનોબળ મજબૂત રાખવા માટે પણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ પવન અને વરસાદ એટલો હતો કે તેના સુધી અવાજ પહોંચતો નહોતો. કિનારા પર જે ટોળું વળેલું હતું એ જોઇને તેને વિશ્વાસ આવી ગયો હતો કે હવે તેને કોઇપણ રીતે બચાવી લેવાશે. અમને સૌથી વધારે ખુશી એ વાતની હતી કે આખી રાત જે માણસ લાઇટના થાંભલાના સહારે ટકી રહ્યો હતો તેનું રેસ્ક્યૂ કરાયું. PI ગોહિલ થાંભલા પરથી નીચે આવ્યાં ત્યારે અમે બધા તેમને ભેટી પડ્યાં હતા. કેમ કે અમે સવારે સાડા દસ વાગ્યાથી આ રેસ્ક્યુમાં લાગ્યાં હતા. જે સાંજે 7 વાગ્યે પૂરૂં થયું હતું. PI ગોહિલ અને સમગ્ર વાપી પોલીસની ટીમે એ સાબિત કરી દીધું છે કે ખાખી વર્દી પાછળ પણ એક સંવેદનશીલ અને બહાદુર દિલ ધબકતું હોય છે.

કોણ છે PI બી.એન.ગોહિલ?

PIનું આખું નામ બલભદ્રસિંહ નાથુભા ગોહિલ છે. તેમના માતાનું નામ રંજનબા છે. ગોહિલે ધો-10 સુધીનો અભ્યાસ એમ.વી.રાણા વિનય મંદિર, ભાવનગરથી કર્યું છે, જ્યારે ધો.12 સુધીનો અભ્યાસ પાલિતાણા હાઈસ્કૂલમાં કર્યો છે. ત્યારબાદ તેમણે PTC: જૂનાગઢ કેળવણી મંડળથી અને B.A: જે.કે.લુખી આર્ટસ & કોમર્સ કોલેજ, ગારિયાધારથી કર્યું છે. ત્યારબાદ તેઓ 2016માં પોલીસ વિભાગમાં જોડાયા હતા. તેમણે વડોદરા ગ્રામ્ય અને વલસાડમાં ફરજ બજાવી. તેઓ છેલ્લા 5 માસથી ડુંગરા પોલીસ સ્ટેશનમાં PI તરીકે ફરજ બજાવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

સુરતની BRTS બસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં જ્યારે મુસાફરો બસમાં ચઢતા ત્યારે જ બસ ડ્રાઇવરે...
Gujarat 
સુરતમાં BRTS બસ ચાલકે મુસાફરો બેસતા હતા ત્યારે જ બસ ઉપાડી દીધી, વૃદ્ધ સહિત વિદ્યાર્થીઓ નીચે પટકાયા

નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા સંવાદ સાથે અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ આવશ્યક માનવામાં આવે છે. જોકે, વારાણસીના પાંડેપુર વિસ્તારમાં...
National 
નર્સરીના વિદ્યાર્થીએ પેન્ટમાં પેશાબ કરી દીધો તો શિક્ષિકાએ છરી ગરમ કરીને ડામ દીધો

આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ સમગ્ર દક્ષિણ ગુજરાતને ધમરોળી નાખ્યું હતું. સુરત, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લાઓની નદીઓ...
Gujarat 
આ PIને સલામ! એક વ્યક્તિને બચાવવા વીજ પોલ પર ચઢ્યા, જણાવ્યું- કંઈ વાતનો ડર હતો

ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  

ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના...
Charcha Patra 
ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  
Copyright (c) Khabarchhe All Rights Reserved.