સુરતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી વચ્ચે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે રાજ્યમાં ફરી એક વખત એન્ટ્રી લીધી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. જેમાં સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી વધુ 6 ઈંચ વલસાડમાં અને સુરતના પલસાણામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી વચ્ચે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતની ભેદવાડ ખાડી ઓવરફલો થતા ઠેર -ઠેર શહેરમાં પાણી ભરાયા છે અને સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સુરતમાં તમામ ખાડીઓ ડેન્જર લેવલ પર પહોંચતા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખાસ કરીને ભેદવાડ ખાડી ભયજનક સપાટી નજીક પહોંચતા સાવચેતીના ભાગરૂપે સંજયનગર ઝૂંપડપટ્ટી સહિતના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

surat1
divyabhaskar.co.in

સુરતમાં બીજા દિવસે પણ ભેદવાડ ખાડી ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે, જેના કારણે ભીમરાડ-બમરોલી વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી 6.75 મીટર છે, જ્યારે હાલ ખાડીની સપાટી 6.90 મીટર સુધી પહોંચી છે. સુરત ભેદવાડ ખાડી નજીક આવેલ પ્રેમનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાથી અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. ખાડીના ઓવરફ્લો થવાથી કે બેક-વોટર મારવાથી આવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચી જાય છે.

સુરતમાં ભારે વરસાદના કારણે ઉધના-સચિન રોડ પાણીમાં ગરકાવ થઈ જતા સમગ્ર રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે અહીંથી પસાર થતાં હજારો વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સુરતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના પોશ વિસ્તાર વેસુમાં પણ પાણી ભરાયા છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી અને તેની નજીક આવેલા શોપિંગ મોલમાં પાણી ભરાવાની સ્થિતિ આજે પણ જોવા મળી હતી.

સુરતના સંજયનગર વિસ્તારમાં પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યો છે. આ સંદર્ભે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે બે રેસ્ક્યુ ટીમ તૈનાત કરી દેવામાં આવી છે અને જો જરૂર જણાશે તો સ્થળ પર હાજર વાહનો મારફતે તમામ લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે.

સુરતમાં કાંકરા ખાડી નજીક આવેલા સંજયનગરના રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્પીકર થકી એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે, જેથી ખાડીનું વોટર લેવલ વધવાને કારણે નિર્માણ થતી પૂર જેવી સ્થિતિમાં લોકો પોતાનો બચાવ કરી શકે અને સલામત સ્થળે જઈને સુરક્ષિત રહી શકે તે માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી રહી છે.

surat3
divyabhaskar.co.in

સુરતમાં ફાયર વિભાગની સાથે NDRFની ટીમોને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. લિંબાયત, કાંગારુ સર્કલ, પુણા પાટીયા થી લઈને ડીંડોલી રોડ ખાડી બ્રિજ પાસે, સણીયા ગામ, મીઠી ખાડી, ગીતા નગર ડુંભાલ સહિતના વિસ્તારોમાં બોટ સાથે ફાયર વિભાગની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે.

છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ વલસાડના નાનાપોંઢામાં 11 અને ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે વાંસદા તાલુકામાં બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થતી ઈકો તણાઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ 132 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાં પંચાયત હસ્તકના અગાઉના 107 અને આજે નવા 25 રોડ બંધ થતા કુલ બંધ રસ્તાઓની સંખ્યા 132 પર પહોંચી છે. ચીખલીમાં સૌથી વધુ 34, ગણદેવીમાં 25 અને વાંસદામાં 25 રસ્તાઓ બંધ. નવસારી તાલુકામાં 20, જલાલપોરમાં 14 અને ખેરગામ તાલુકામાં 14 રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તાઓ બંધ થવાના કારણોમાં 130 રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, 1 રેલ અંડરપાસ અને 1 જગ્યાએ નદી પર સ્ટ્રક્ચર ન હોવાથી રસ્તો બંધ. આજની સ્થિતિએ રીપેર થયેલ રસ્તાઓની સંખ્યા શૂન્ય (0) હોવાથી તમામ 132 રસ્તાઓ હાલ બંધ સ્થિતિમાં.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

આજે 22 જુલાઈએ નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

23 જુલાઈ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 જુલાઈ દરમિયાન પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે.

rain
deccanchronicle.com

25 અને 26 જુલાઈએ સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને મોરબીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. 26થી 28 જુલાઈ દરમિયાન બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની શક્યતા છે.

અમદાવાદની વાત કરીએ તો શહેરમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત વરસાદી ઝાપટા અથવા ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ગઈકાલે એટલે કે, 21 જુલાઈએ અમદાવાદમાં મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 26.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ગુજરાતમાં સવારના 6થી બપોરના 12 વાગ્સા સુધી કયા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

વલસાડ 6 ઇંચ, જલાલપોર 3.54 ઇંચ, પલસાણા 5 ઇંચ, નવસારી 3.35 ઇંચ, પારડી 5 ઇંચ, ઉકાઇ 3.23, ઉમરગામ 4.49 ઇંચ, અંબિકા 3.07 ઇંચ, મહુવા 4.29 ઇંચ,  કપરાડા 2.95 ઇંચ, ગણદેવી 4.13 ઇંચ, નાનાપોઢા 2.87 ઇંચ,  ખેરગામ 4.09 ઇંચ,  સોનગઢમાં 2.76 ઇંચ, ચીખલી 3.66 ઇંચ, બારડોલી 2.52 ઇંચ, વ્યારા 3.62 ઇંચ, વાપી 2.40 ઇંચ, વાલોડ 3.62 ઇંચ, ધરમપુર 2.05 ઇંચ વરસાદ નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી વચ્ચે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે રાજ્યમાં ફરી એક વખત એન્ટ્રી લીધી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત...
Gujarat 
સુરતમાં ભારે વરસાદ અને રેડ એલર્ટની આગાહી વચ્ચે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ

ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા PMના ઘરની બહાર... જાણો કોંગ્રેસનો પ્લાન કેમ કોઈને ખબર ન પડ્યો

મંગળવારે, કોંગ્રેસ પાર્ટીએ એક રાજકીય ચાલ ચાલી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા; મીડિયા કે સુરક્ષા એજન્સીઓને તેનો કોઈ...
Politics 
ખડગેના જન્મદિવસની કેક કાપવા ગયા હતા પણ રિટર્નમાં પહોંચી ગયા PMના ઘરની બહાર... જાણો કોંગ્રેસનો પ્લાન કેમ કોઈને ખબર ન પડ્યો

નિષ્ણાતનું કહેવું છે આ વર્ષના અંતમાં ચાંદીના ભાવ વધશે, જાણો ક્યાં પહોંચશે?

સોના-ચાંદીના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળી રહ્યા છે. સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ અત્યારે 1.41 લાખ અને ચંદીનો કિલોએ...
Business 
નિષ્ણાતનું કહેવું છે આ વર્ષના અંતમાં ચાંદીના ભાવ વધશે, જાણો ક્યાં પહોંચશે?

4 લાખ રૂપિયા આપીને બન્યો કોન્સ્ટેબલ, આ રીતે થયો છેતરપિંડીનો પર્દાફાશ

બિહારના મોતિહારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાપુધામ રેલવે સ્ટેશન પર છેલ્લા 10 દિવસથી પોલીસનો યુનિફોર્મ પહેરીને ફરજ...
National 
4 લાખ રૂપિયા આપીને બન્યો કોન્સ્ટેબલ, આ રીતે થયો છેતરપિંડીનો પર્દાફાશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.