સુરતમાં અંધશ્રદ્ધાનો ખેલ, પિતૃદોષ નિવારવા અને બીમારી દૂર કરવાના બહાને ઘરેણાં પડાવી લેતી ગેંગ ઝડપાઇ
આજે પણ લોકો અંધશ્રદ્ધાના ખેલમાં ફસાઈ જતા હોય છે. આ ખેલમાં લોકો પોતિકાઓની બલિ આપતા પણ ખચકાતા નથી. આ સિવાય અંધશ્રદ્ધામાં ફસાઈને લોકો લૂંટાઈ પણ જતાં હોય છે. આવો જ એક મામલો સુરતથી આવ્યો છે. જ્યાં અંધશ્રદ્ધામાં લોકોને બસાવીને ઘરેણાં પડાવી લેતી ગેંગ ઝડપાઇ છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરતમાં માસૂમ લોકોને અંધશ્રદ્ધાની જાળમાં ફસાવી, પિતૃદોષ નિવારણ અને બીમારી દૂર કરવાના બહાને સોનાના ઘરેણાં પડાવી લેતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. લસકાણા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી આ ગુના આચરનારા રાજકોટના બે રીઢા ગુનેગારોને સોનાની ઓગાળેલી લગડીઓ અને રોકડ રકમ સાથે રાજકોટથી ઝડપી પાડ્યા છે. આ ટોળકીની ધરપકડ સાથે લસકાણા પોલીસ સ્ટેશનનો એક અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના 2 મળી કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગના સાગરીત આનંદપર નવાગામ, રાજકોટ જિલ્લાના રહેવાસી કાળુનાથ લખુનાથ નકુમ (ઉં.વ. 37,) અને દેવાયત કાનજીભાઇ નાથબાવા (રાઠોડ)(ઉં.વ. 36) રાજકોટથી ST બસ માર્ફતે સુરત આવી રહ્યા હતા. સુરતમાં ખાસ કરીને કાઠિયાવાડી પરિવારો વસવાટ કરતા હોય એવા વિસ્તારો ટારગેટ કરવામાં આવતા. અહીં ઘરડા પુરુષો કે મહિલાઓ એકલા હોય ત્યારે આરોપીઓ 'રામાપીરના મંડળે જમવા આવજો' તેમ કહી પરિચય કેળવતા હતા. ત્યારબાદ વાતો-વાતોમાં 'તમારા ઘરમાં ભારે પિતૃદોષ છે, એટલે જ બધા બીમાર રહે છે અને ઘરમાં પૈસા ટકતા નથી' તેમ કહી ડર પેદા કરતા હતા.
ભોગ બનનાર વ્યક્તિઓ ડરી જતા આરોપીઓ વિધિ કરવાનું નાટક કરતા અને ગ્લાસ, કંકુ, ચોખા તથા પાણી મંગાવતા હતા. વિધિના બહાને ઘરના સોનાના દાગીના મંગાવી, નજર ચૂકવીને ઘરેણાં લઈ રફુચક્કર થઈ જતા હતા. પકડાયેલા આરોપીઓએ લસકાણા અને ઉત્રાણ વિસ્તારમાંથી છેતરપિંડી કરી મેળવેલા સોનાના દાગીના ઓળખાઈ ન જાય તે માટે તેને ઓગાળીને સોનાની નાની-નાની લગડીઓ બનાવી દીધી હતી, જે પોલીસે કબજે કરી છે.
આ ગુનાહિત ટોળકીના સભ્યો સામાન્ય અને ભોળા લોકોને નિશાન બનાવતા હતા. તેઓ વાતો-વાતોમાં વ્યક્તિની આર્થિક અને પારિવારિક સ્થિતિ જાણી લેતા. ત્યારબાદ સામેવાળી વ્યક્તિના ઘરમાં સુખ-શાંતિ નથી અથવા તો તેને 'પિતૃદોષ' નડે છે એવો ડર બતાવીને વિધિ કરાવવા માટે માનસિક રીતે તૈયાર કરતા હતા.
બીજા તબક્કામાં, ઠગ ભોગ બનનાર વ્યક્તિની સામે એક ચમત્કારિક નાટક રચતો હતો. વિધિના ભાગરૂપે તે ગ્લાસમાં પાણી મંગાવતો અને હાથની ચાલાકીથી તેમાં કોઈ પદાર્થ ભેળવી દેતો. તે વારંવાર ગ્લાસ બતાવીને દાવો કરતો કે આ વિધિ દ્વારા તે પિતૃઓના આશીર્વાદ લાવી રહ્યો છે અને ખારા પાણીને પણ મીઠું બનાવી શકે છે.
સામેવાળી વ્યક્તિ સંપૂર્ણપણે તેના પ્રભાવમાં આવી જાય તે માટે મુખ્ય ઠગ પોતાના સાથીને અથવા ભોગ બનનારને વિધિના નામે પગે લાગવાનું કહેતો હતો. આ પ્રક્રિયાથી તે પોતાની ધાર્મિક સર્વોપરિતા અને ચમત્કાર સાચો હોવાનો દૃઢ ભ્રમ ઊભો કરતો હતો, જેથી કોઈને પણ શંકા ન જાય.
એકવાર ભોગ બનનાર વ્યક્તિ વિધિ અને ચમત્કારના પ્રભાવમાં આવી જાય, એટલે ઠગ મોટો આર્થિક ફટકો મારતો હતો. તે ઘરની સુખ-શાંતિ કાયમી રાખવાના નામે અથવા પિતૃદોષ નિવારણની આખરી વિધિ માટે ₹10,000 કે તેથી વધુ મોટી રકમની માંગણી કરતો. પૈસા ન આપવા પર અનિષ્ટ થવાનો ડર બતાવીને તેઓ લોકોને લાખો રૂપિયા આપી દેતા હતા.
પોલીસ ફરિયાદ અનુસાર લસકાણા સ્થિત બજરંગ રો-હાઉસ વિભાગ-1માં રહેતા હેતલબેન ડોંડાના પતિ વિજયભાઈ છેલ્લા બે મહિનાથી કેન્સરની ગંભીર બીમારીથી પીડિત છે. ગત તા. 15 મેના રોજ સવારે હેતલબેનના સસરા બટુકભાઈની પાન-મસાલાની દુકાને બે અજાણ્યા ઈસમો મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે વાતો-વાતોમાં તમારા ઘરે મોટું દવાખાનું આવેલું છે તેમ કહી ડર પેદા કર્યો હતો. ત્યારબાદ તેઓ ઘરમાં પ્રવેશ્યા હતા અને પોતાને રામાપીરના મોટા ભક્ત ગણાવ્યા હતા.
ઠગ ટોળકીએ પરિવારને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે, તમારા ઘરમાં પિતૃદોષ છે અને કોઈની વિધિ નડતી હોવાથી ઘરમાં બીમારી રહે છે અને પૈસા ટકતા નથી. જો તમે કહો તો અમે વિધિ કરી આપીએ. પરિવારજનો બીમારીથી કંટાળેલા હોવાથી તેઓ વિધિ કરવા તૈયાર થઈ ગયા હતા. ગઠિયાઓએ વિધિના બહાને સ્ટીલનો ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને સોનાના દાગીના મંગાવ્યા હતા. જેમાં સાસુએ કાનની સોનાની બુટી અને હેતલબેને હાથની સોનાની વીંટી આપી હતી.
બંને ઠગોએ પરિવારના સભ્યોના માથા પર સોનાના દાગીના ભરેલો ગ્લાસ ફેરવી તેને મંદિર પાસે મુકાવ્યો હતો. ત્યારબાદ ત્રણેય દીકરાઓ પર ઘાત હોવાનું કહી વિધિના નામે ₹5,100 રોકડા મંગાવ્યા હતા. ત્યારબાદ ગઠિયાઓએ એક જૂનો કાળો શર્ટ મંગાવી, તેમાં ₹1 લાખની કિંમતની 10 ગ્રામ સોનાની બૂટ્ટી, ₹50 હજારની કિંમતની 5 ગ્રામની સોનાની વીંટી અને ₹5,100 રોકડા મૂકીને પોટલું બાંધી મંદિરની અંદર મૂકી રાખ્યું હતું.
વિધિના અંતે અજાણ્યા ઈસમોએ પરિવારના સભ્યોને મંદિરમાં માતાજીના જાપ કરવા બેસાડી દીધા હતા અને પોતે તક જોઈને ઘરમાંથી કાળા શર્ટનું પોટલું (જેમાં દાગીના અને રોકડા હતા) લઈને ફરાર થઈ ગયા હતા. થોડીવાર પછી પરિવારને છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે સગા-સંબંધીઓને જાણ કરી હતી. પતિ કેન્સર પીડિત હોવાથી અને તેમની સારવાર ચાલતી હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો હતો. આખરે 28 જૂનના રોજ લસકાણા પોલીસ મથકમાં અજાણ્યા ઠગો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, વેલંજા ઉમરા રોડ પર આવેલી રંગોલી ચોકડી પાસે ગૌવર્ધન બંગ્લોઝ (ઘર નં. 63)માં રહેતા અને હીરાકામ કરતા 23 વર્ષીય દર્શિત સંજયભાઈ ગરસોંદીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 16 જૂન 2026ના રોજ સવારે 10-11 વાગ્યાના સુમારે દર્શિત અને તેના પિતા કામ અર્થે બહાર ગયા હતા. તે સમયે ઘરે તેના દાદા કેશુભાઈ, દાદી હેમીબેન અને નાનો ભાઈ કાવ્ય હાજર હતા.
આ દરમિયાન એક મોટરસાયકલ પર બે અજાણ્યા ઇસમો ત્યાં આવ્યા હતા અને પીવાનું પાણી માંગ્યું હતું. કાવ્ય પાણી લેવા ગયો ત્યારે આ બંને ઇસમો સીધા ઘરમાં ઘૂસી ગયા હતા અને ખાટલા પર બેસી ગયા હતા. ત્યારબાદ એક ગઠિયાએ વાતોના વડા કરતા જણાવ્યું કે, તમારા ઘરમાં પિતૃદોષ છે, જેના કારણે ઘરમાં પૈસા ટકતા નથી. જો તમે કહો તો હું તેની વિધિ કરી આપું. ભોળા વૃદ્ધ દંપતીએ આ વાતો સાચી માની લેતા ગઠિયાઓએ વિધિના નામે ખેલ શરૂ કર્યો હતો.
ઠગે પોતાના ખીસામાંથી ચોખાના દાણા કાઢીને વિધિ કરવા માટે હેમીબેને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી માંગી હતી. હેમીબેને કાનમાંથી એક બુટ્ટી કાઢી આપતા જ બીજા ઠગે કબાટમાં મુકેલી બીજી બુટ્ટી પણ મંગાવી લીધી હતી. આશરે 7 ગ્રામ વજનની આ બંને સોનાની બુટ્ટીઓ (જેની અંદાજિત કિંમત ₹70,000 છે) ગઠિયાએ હાથમાં રાખીને વિધિ કરવાનો ઢોંગ કર્યો હતો અને નજર ચૂકવીને પોતાના શર્ટના ખીસામાં સરકાવી દીધી હતી. તેટલાથી પણ સંતોષ ન થતા, બાકીની વિધિના નામે વધુ ₹2,000 રોકડા પણ પડાવી લીધા હતા.
રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા બાદ બંને ઠગોએ પરિવારને કહ્યું કે, તમે ત્રણેય અત્યારે ઘરમાં જ બેસો, અમે ઘરની બહાર બાકીની વિધિ કરીને થોડીવારમાં પરત આવીએ છીએ. પરિવારજનો ઘરમાં જ બેસી રહ્યા અને લાંબા સમય સુધી ગઠિયાઓ પરત ન ફરતા તેઓને શંકા ગઈ હતી. આશરે એક કલાક બાદ ઘરની બહાર આવીને તપાસ કરતા બંને ગઠિયા પોતાની મોટરસાયકલ લઈને ફરાર થઈ ચૂક્યા હોવાનું માલૂમ પડ્યું હતું.
ઘટના બાદ ભોગ બનનાર પરિવારે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ ગઠિયાઓનો કોઈ પત્તો મળ્યો નહોતો. અંતે પરિવાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ ગઈકાલે તારીખ 29 જૂન 2026ના રોજ દર્શિત ગરસોંદીયાએ ઉત્રાણ પોલીસ સ્ટેશન પહોંચીને અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત વેલંજા ઉમરા રંગોલી રોડ પર આવેલી વૃંદાવનધામ સોસાયટી (ઘર નં. 201) માં રહેતા અને ઘરકામ કરતા ભાવીકાબેન ભાલાળા (ઉ.વ. 25) એ ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 11 મે 2026 ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાની આસપાસ ભાવીકાબેન, તેમના સાસુ કંચનબેન, સસરા ગોરધનભાઈ અને માનસિક બીમારીથી પીડિત જેઠ તુલસીભાઈ જમીને આરામ કરી રહ્યા હતા. તે સમયે એક મોટરસાયકલ પર આશરે 30-35 વર્ષ અને 40-45 વર્ષના બે અજાણ્યા ઇસમો સોસાયટીમાં મકાન જોવા માટે આવ્યા હોવાનું કહીને ગોરધનભાઈને મળ્યા હતા. ગોરધનભાઈ બંનેને ઘર બતાવવા માટે હોલમાં લઈ આવ્યા હતા.
પરિવારે જ્યારે તેઓને પાણી આપ્યું ત્યારે બંનેમાંથી એક શખ્સે ગોરધનભાઈને ડરાવતા કહ્યું કે, તમારા ઘરમાં ભારે પિતૃદોષ છે, જેના કારણે ઘરમાં સતત બિમારી રહે છે અને પૈસા પણ ટકતા નથી. આ સાંભળી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. ઠગે આગળ કહ્યું કે, જો તમે કહો તો હું આ દોષ નિવારણની વિધિ કરી આપું. પરિવાર તેની વાતોમાં આવી જતાં હા પાડી હતી. ત્યારબાદ ગઠિયાઓએ તાંબાનો ગ્લાસ, કંકુ, ચોખા, પાણી અને ઘરના કબાટમાંથી સોનાની ચેઇન-પેન્ડલ તેમજ સોનાની ત્રણ વીંટીઓ મંગાવી ગ્લાસમાં મુકાવી દીધી હતી.
બંને ઠગોએ પરિવારના તમામ સભ્યોને નીચે બેસાડીને તેમના માથા પર દાગીના ભરેલો ગ્લાસ ફેરવ્યો હતો અને તે ગ્લાસ ઘરના મંદિરમાં મુકાવી દીધો હતો. ત્યારબાદ વિધિના બહાને ભાવીકાબેન અને તેમના સસરા ગોરધનભાઈને બેડરૂમમાં લઈ જઈને એક કલાક સુધી ઊભા રાખી મૂક્યા હતા. થોડીવાર પછી હોલમાં લાવીને મંદિરમાંથી ગ્લાસ લીધો હતો અને તેમાંથી પાણી આપતા તમામે પીધું હતું. ગઠિયાઓએ ગ્લાસમાંથી સોનાનો ચેઇન અને એક વીંટી પરત આપી દીધી હતી, પરંતુ ₹60 હજારની કિંમતની આશરે 6 ગ્રામ વજન ધરાવતી અન્ય બે સોનાની વીંટીઓ ગ્લાસમાં જ રહેવા દીધી હતી.
ત્યારબાદ વધુ વિધિ કરવાના બહાને બંને શખ્સો ગોરધનભાઈને પોતાની બાઈક પર બેસાડીને બહાર લઈ ગયા હતા. રસ્તામાં બાઈક ઊભી રાખી ગોરધનભાઈને રોડની સાઈડમાં વિરૂદ્ધ દિશામાં ઊભા રાખી દીધા હતા અને હાથમાં ગ્લાસ આપીને કહ્યું કે, આ ગ્લાસને રોડના બમ્પ પર ચાર વખત ટચ (અડાડી) કરાવો. ગોરધનભાઈ જેવું ઠગોના કહ્યા મુજબ કરવા ગયા, તે જ તકનો લાભ ઉઠાવીને બંને શખ્સો પોતાની બાઈક ભગાડીને નાસી છૂટ્યા હતા. ગોરધનભાઈએ ગ્લાસમાં જોતાં જ હોશ ઉડી ગયા હતા કારણ કે અંદર સોનાની બંને વીંટીઓ ગાયબ હતી.
બનાવ અંગે ભાવીકાબેને વકીલાતનો વ્યવસાય કરતા તેના પતિ રાકેશભાઈને જાણ કરી હતી. ઘરના સભ્યો આ આઘાતમાંથી બહાર આવ્યા બાદ આખરે તારીખ 14 મેના રોજ ઉત્રાણ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આપવીતી જણાવી હતી. ઉત્રાણ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ ડોડીયાએ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. લસકાણા પોલીસ સ્ટેશનનો ગુનો: આરોપીઓએ ફરિયાદીના ઘરેથી 15 ગ્રામના સોનાના ઘરેણાં (કિંમત રૂ. 1,50,000) અને રૂ. 5,100/ની છેતરપિંડી આચરી હતી. પોલીસે ઓગાળેલી 15.080 ગ્રામની સોનાની લગડી અને રોકડા રૂપિયા જપ્ત કર્યા છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનનો પ્રથમ ગુનો:
બે સોનાની વીંટી (વજન 6 ગ્રામ, કિંમત રૂ. 60,000/-) ની છેતરપિંડી કરી હતી. પોલીસે 6.050 ગ્રામની ઓગાળેલી લગડી રિકવર કરી છે.
ઉત્રાણ પોલીસ સ્ટેશનનો બીજો ગુનો:
સોનાની બે બુટ્ટી (વજન 7 ગ્રામ, કિંમત રૂ. 70,000/-) અને રોકડા રૂ.2000/- પડાવ્યા હતા. પોલીસે 7.090 ગ્રામની સોનાની લગડી કબજે લીધી છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને સેક્ટર-1ના જોઈન્ટ પોલીસ કમિશનર બલરામ મીણાની કડક સૂચના બાદ મિલકત સંબંધી ગુના શોધવા ઝોન-1 DCP આલોક કુમાર અને 'A' ડિવિઝન ACP વી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ લસકાણા પીઆઈ એમ.બી. ઝાલાની ટીમે આ પ્રશંસનીય કામગીરી કરી છે. આ ઓપરેશનમાં સર્વેલન્સ સ્ટાફના PSI એન.આર. પટેલ, હેડ કોન્સ્ટેબલ જયસુખભાઇ, વિરેન્દ્રસિંહ અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહે ટેકનિકલ વર્કઆઉટ દ્વારા આરોપીઓને દબોચી લીધા છે.

