- Tech and Auto
- OnePlusનો 8000mAh બેટરી, 50MP AI કેમેરાવાળો N6 ફોન લોન્ચ, 5 વર્ષની લેગ-ફ્રી લાઇફ, જાણી લો કિંમત
OnePlusનો 8000mAh બેટરી, 50MP AI કેમેરાવાળો N6 ફોન લોન્ચ, 5 વર્ષની લેગ-ફ્રી લાઇફ, જાણી લો કિંમત
OnePlusએ ભારતીય બજારમાં તેની નવી N સિરીઝનો પહેલો સ્માર્ટફોન, OnePlus N6 લોન્ચ કર્યો છે. OnePlus N6ની સૌથી મોટી ખાસિયત તેની વિશાળ 8000mAh બેટરી છે, એના પર કંપનીનો દાવો છે કે એક જ ચાર્જ પર 3 દિવસ સુધી ચાલી શકે છે. આ ઉપરાંત, ફોનમાં 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ, 120Hz ડિસ્પ્લે, 50MP AI કેમેરા અને નવો MediaTek Dimensity 6360 Apex પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં એવી ઘણી સરસ મજાની સુવિધાઓ છે, જે સામાન્ય રીતે વધુ મોંઘા સ્માર્ટફોનમાં જોવા મળે છે. જો તમારું બજેટ રૂ. 25000થી ઓછું છે અને તમે લાંબી બેટરી લાઇફ ધરાવતો સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો OnePlus N6 એક સારો વિકલ્પ છે.
OnePlus N6ના 4GB+ 128GB વેરિઅન્ટની કિંમત રૂ. 22,999 છે, જ્યારે 6GB+ 128GB મોડેલ રૂ. 24,999માં ઉપલબ્ધ થશે. આ ફોન ફ્રેશ મિન્ટ અને મિડનાઈટ ગ્રીન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. તેનું પહેલું વેચાણ 4 જુલાઈથી એમેઝોન અને OnePlusની સત્તાવાર વેબસાઇટ પર શરૂ થશે. લોન્ચ ઓફરમાં રૂ. 1000નું પ્રાઇમ ડે ડિસ્કાઉન્ટ અને એક્સિસ બેંક અને SBI કાર્ડ સાથે રૂ. 2000 સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ શામેલ છે. તો ચાલો તમને OnePlus N6ના 5 મુખ્ય સુવિધાઓની વિગતવાર માહિતી આપી દઈએ.
OnePlus N6માં 120Hz રિફ્રેશ રેટ અને 1200 nits HBM બ્રાઇટનેસ સાથે 6.75-ઇંચ HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિઝાઇનની વાત કરીએ તો, OnePlus N6માં ફ્લેટ બેક પેનલ અને ચોરસ કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. ફોનમાં IP65 રેટિંગ અને MIL-STD-810H મિલિટરી-ગ્રેડ ડ્યુરેબિલીટી પ્રમાણપત્ર પણ મળે છે.
OnePlus N6ની સૌથી મોટી ખાસિયત તેની 8000mAh બેટરી છે. કંપનીનો દાવો છે કે, આ ફોન 3 દિવસ સુધી ચાલી શકે છે. ફોનમાં 45W SUPERVOOC ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવ્યું છે, જેનાથી બેટરી ઝડપથી ચાર્જ થાઈ જાય છે. તે 6.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે, એટલે કે, જરૂર પડ્યે તેનાથી અન્ય ઉપકરણો પણ ચાર્જ કરી શકાય છે.
OnePlus N6માં મીડિયાટેક ડાયમેન્સિટી 6360 એપેક્સ પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે 4GB અથવા 6GB RAM અને 128GB સ્ટોરેજ સાથે આવે છે. વધુ સારી ઠંડક માટે, 5300mm2 વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ આપી છે કે જેથી કરીને ફોન લાંબા સમય સુધી ગેમિંગ અને મલ્ટીટાસ્કીંગ દરમિયાન વધુ ગરમ ન થાય.
ફોટોગ્રાફી માટે, OnePlus N6માં 10x ડિજિટલ ઝૂમ સપોર્ટ સાથે 50MP AI રીઅર કેમેરા આપેલો છે. સેલ્ફી અને વિડીયો કોલિંગ માટે 8MP ફ્રન્ટ કેમેરા ઉપલબ્ધ છે. ફોન 1080p 60fps વીડિયો રેકોર્ડિંગ અને ડ્યુઅલ-વ્યૂ વીડિયો મોડને પણ સપોર્ટ કરે છે, જે આગળ અને પાછળના કેમેરામાંથી એક સાથે વીડિયો રેકોર્ડિંગની મંજૂરી આપે છે.
આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 16 પર આધારિત ઓક્સિજનOS 16 પર ચાલે છે. કંપનીએ બે મુખ્ય એન્ડ્રોઇડ અપડેટ્સ અને 3 વર્ષ માટે સુરક્ષા અપડેટ્સનું વચન આપ્યું છે. કંપનીનો દાવો છે કે ફોનને 60 મહિના સુધી સરળ રીતે વાપરી શકાય એ માટે ઑપ્ટિમાઇઝ કરવામાં આવ્યો છે.

