- Politics
- શું વિજયને ડાયરેક્ટ ટક્કર આપવા અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું?
શું વિજયને ડાયરેક્ટ ટક્કર આપવા અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું?
તમિલનાડુના રાજકારણ અને ભારતીય જનતા પાર્ટી (BJP) ને લઈને એક ખૂબ જ મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, તેઓ આગામી સમયમાં એક નવી રાજકીય 'ચળવળ' (movement) શરૂ કરવા જઈ રહ્યા છે.
'ધ હિન્દુ' અખબારને બુધવારે (3 જૂન, 2026) સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, મંગળવારે (2 જૂન) અન્નામલાઈએ પક્ષના નેતૃત્વને પોતાનું રાજીનામું સુપરત કરી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષ સાથે મુલાકાત પણ કરી હતી. સૂત્રોએ વધુમાં ઉમેર્યું છે કે, વરિષ્ઠ નેતાઓ સાથેની આ બેઠકો છતાં તેઓ પક્ષ છોડવાના પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. અન્નામલાઈ ટૂંક સમયમાં જ તેમની ભવિષ્યની યોજનાઓ અને નવી રાજકીય સફર અંગે સત્તાવાર જાહેરાત કરે તેવી પ્રબળ શક્યતા છે.

IPSની નોકરી છોડીને બન્યા હતા પ્રદેશ પ્રમુખ
કર્ણાટક કેડરના પૂર્વ IPS અધિકારી રહેલા કે. અન્નામલાઈ ઓગસ્ટ 2020માં ભાજપમાં જોડાયા હતા. પક્ષમાં જોડાયાના ટૂંકા ગાળામાં જ તેમની લોકપ્રિયતા અને આક્રમક શૈલીને કારણે તેમને મોટી જવાબદારી સોંપાઈ હતી. તેમણે 16 જુલાઈ, 2021થી 11 એપ્રિલ, 2025 સુધી ભાજપના તમિલનાડુ પ્રદેશ પ્રમુખ તરીકે પદ સંભાળ્યું હતું. ત્યારબાદ 11 એપ્રિલ, 2025ના રોજ નૈનાર નાગેન્દ્રને તમિલનાડુ ભાજપના પ્રમુખ તરીકે તેમનું સ્થાન લીધું હતું.
મિકેનિકલ એન્જિનિયરિંગથી લઈને સિંઘમ IPS સુધીની સફર
શિક્ષણ અને પોલીસ સેવામાં અન્નામલાઈની સફર ખૂબ જ રસપ્રદ રહી છે:
શિક્ષણ: તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટ થયા બાદ MBA ની પદવી મેળવી ચૂક્યા છે.
પોલીસ સેવા: ઉચ્ચ શિક્ષણ બાદ તેમણે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને વર્ષ 2011માં કર્ણાટક પોલીસ ફોર્સમાં જોડાયા.
મહત્વના પદો: પોલીસ વિભાગમાં તેમની પ્રથમ નિમણૂક કારકલા (Karkala) ખાતે એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (Addl. SP) તરીકે થઈ હતી. ત્યારબાદ તેમને પ્રમોશન આપીને ઉડુપી (Udupi) ના એસપી (SP) બનાવવામાં આવ્યા. વર્ષ 2018માં તેમની બદલી રામનગર જિલ્લાના એસપી તરીકે થઈ હતી.
છેલ્લી પોસ્ટિંગ અને રાજીનામું: કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાના નેતૃત્વવાળી ભાજપ સરકાર સત્તા પર આવ્યાના ગણતરીના સમયમાં જ અન્નામલાઈની બદલી બેંગલુરુમાં કરવામાં આવી હતી, જ્યાં તેમણે મે 2019માં રાજીનામું આપ્યું ત્યાં સુધી બેંગલુરુ દક્ષિણ વિભાગના વડા તરીકે સેવા આપી હતી.

રાજીનામું આપતી વખતે શું કહ્યું હતું?
વર્ષ 2019માં IPS પદ પરથી રાજીનામું આપ્યા બાદ તુરંત જ તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તેઓ વહીવટી તંત્રની ખામીઓ અને બિનકાર્યક્ષમતાને સુધારવા તેમજ જનતાની સેવા કરવા માટે સક્રિય જાહેર જીવનમાં આવવા માંગે છે.
ભાજપમાં જોડાયા બાદ અન્નામલાઈએ બે મોટી ચૂંટણીઓ લડી હતી, પરંતુ બંનેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો:
2021 તમિલનાડુ વિધાનસભા ચૂંટણી: તેઓ અરવાકુરિચી (Aravakurichi) બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા પરંતુ અસફળ રહ્યા હતા.
2024 લોકસભા ચૂંટણી: તેઓ કોઈમ્બતુર (Coimbatore) બેઠક પરથી ભાજપની ટિકિટ પર સંસદની ચૂંટણી લડ્યા હતા, જેમાં પણ તેમનો પરાજય થયો હતો.
તાજેતરમાં યોજાયેલી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાગ લીધો ન હતો અને છેલ્લા કેટલાક સમયથી તેઓ પોતાને પક્ષના માત્ર એક ‘સામાન્ય કાર્યકર્તા’ તરીકે ઓળખાવી રહ્યા હતા. હવે જ્યારે તેમણે સત્તાવાર રીતે ભાજપને અલવિદા કહી દીધું છે, ત્યારે તમિલનાડુના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે, વિજયને ડાયરેક્ટ ટક્કર આપવા માટે તેમણે ભાજપથી અલગ થવાનું નક્કી કર્યું છે. કારણ કે ભાજપનું પ્રદર્શન જે રીતે તામિલનાડુમાં જોવા મળ્યું, તેની સાથે રહીને અન્નામલાઈ આગળ વધી શકે તેમ લાગતું નથી.

