- Gujarat
- વરસાદે તંત્રની ફરી પોલ ખોલી, સુરતના ડીંડોલીમાં રોડ બેસી ગયો, દ્વારકામાં હાઈ એલર્ટ
વરસાદે તંત્રની ફરી પોલ ખોલી, સુરતના ડીંડોલીમાં રોડ બેસી ગયો, દ્વારકામાં હાઈ એલર્ટ
ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો સૂકો રહ્યા બાદ જુલાઈના મેઘરાજાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 7.99 ઇંચ ખાબક્યો છે. જૂનાગઢ, નવસારી, રાજકોટ, અમરેલી સહિતના જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા હતા. રાજુલાની રાયડી નદીમાં ઘોડાપૂર આવતા 35 બકરા અને મહિલાઓ તણાયા હતા. જોકે, મહિલાઓને સ્થાનિકોએ બચાવી લીધી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આજે સવારના 6:00-8:00 વાગ્યા સુધીમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સૌથી વધુ 2.36 ઇંચ પડ્યો છે. વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક ગોઠણ સુધીના વરસાદી પાણી ભરાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં આજેપણ રસ્તાઓ બેચી જવાની ઘટનાથી રોડ પર મોતના કૂવા સમાન ખાડાઓ પડતા સ્થાનિકોમાં કોર્પોરેશનની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. વેરાવળ અને સુત્રાપાડા પંથકમાં વરસાદનું જોર વધતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. સુત્રાપાડા ફાટક વિસ્તાર વરસાદી પાણીથી તરબતર બન્યો છે. ભારે વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દૃશ્યો સામે આવી રહ્યા છે.
ગીર સોમનાથના વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક વરસાદી પાણી ભરાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રભાસ પાટણને જોડતા માર્ગ પર વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભળતાં દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિકોએ મંદિર ટ્રસ્ટ અને નગરપાલિકાની ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. નગરપાલિકાના કર્મચારીના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતાં વારંવાર આવી સ્થિતિ સર્જાય છે, છતાં અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
વેરાવળ શહેરમાં પણ વરસાદની ધમાકેદાર શરૂઆત થતાં મુખ્ય માર્ગો પર પાણી ભરાવા લાગ્યા છે. જિલ્લામાં આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના વચ્ચે સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
સુરત શહેરમાં મોડીરાત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારે પણ વરસાદ શરૂ થતાં લોકોને રેનકોટ અને છત્રી લઈને ઓફિસ- શાળાએ જવાની ફરજ પડી હતી. તો સુરતના ડીંડોલી વિસ્તાર ખાતે G-નાઇન સર્કલ પર લગભગ 40 મીટર રોડ બેસી ગયો છે. આ ઘટનાની જાણ થતાં ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ તેઓ આ અંગે યોગ્ય જવાબ આપી શક્યા નહોતા. તેમણે ગોળ ગોળ વાત કરીને માત્ર એટલું જ કહ્યું હતું કે જવાબદાર અધિકારી અને એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે.
આટલું જ નહીં, જ્યારે રોડ બેસી ગયો ત્યારે હદ વિસ્તારને લઈને પણ કર્મચારીઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો. મનપાના કર્મચારીઓ આ વિસ્તારને SUDAનો કહી રહ્યા હતા અને સુડાના અધિકારીઓ તેને મનપાનો વિસ્તાર જણાવી રહ્યા હતા. આ અંગે સુધાકર ચૌધરીએ જણાવ્યું હતું કે, અડધો વિસ્તાર સુડાનો અને અડધો વિસ્તાર મનપાનો છે, તેમ છતા અહીં પાલિકા દ્વારા પુરાણની કામગીરી કરવામાં આવી રહી છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે સુધાકર ચૌધરીએ કબૂલાત કરી છે કે સુરતમાં ખાડા પણ પડી રહ્યા છે અને રોડ પણ બેસી રહ્યા છે. પરંતુ, તેમાં ભ્રષ્ટાચાર છે કે નહીં તે કહેવામાં તેમને તકલીફ થતી જોવા મળી હતી. તેઓએ માત્ર પગલાં (એક્શન) લેવામાં આવશે તેવી જ વાત કરી હતી.
સુરતમાં ઉધના સાઉથ ઝોન નજીક ખાડી સફાઈની કામગીરી દરમિયાન ગતરોજ સવારથી ખાડીમાં ફસાયેલા પોકલેન મશીનને ભારે જહેમત બાદ મોડીરાત્રે અન્ય ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું. બહાર કઢાયેલા આ પોકલેન મશીનમાં ખાડીનું પાણી અને કચરો મોટા પ્રમાણમાં જામી ગયો હતો. જોકે, નોંધનીય બાબત એ છે કે ખાડી સફાઈ દરમિયાન બનેલી આ ઘટનામાં સ્થળ પર SMCના કોઈ પણ અધિકારીઓ દેખાયા ન હતા.
હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. ગઈકાલની જેમ અમદાવાદમાં આજે પણ એકથી બે વખત વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. અત્યારે રાજ્યમાં ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લૉ પ્રેશર એરિયા સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.
અમદાવાદમાં આજે સામાન્ય રીતે આકાશ વાદળછાયું રહેવાની શક્યતા છે. એકથી બે વખત વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની શક્યતા છે. મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એટલે કે સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ રેડ એલર્ટ સાથે અત્યંત અતિભારે વરસાદ પડવાની ખૂબ જ શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ એટલે કે નર્મદા, ભરૂચ અને તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે છૂટાછવાયા સ્થળોએ યેલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.
3 જુલાઈએ દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ રેડ એલર્ટ સાથે અત્યંત અતિભારે વરસાદ પડવાની ખૂબ જ શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાત આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓ તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ ખાતે છૂટાછવાયા સ્થળોએ યેલો એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે.

