- Education
- રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું
રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજ્યભરમાં 611 સરકારી શાળાઓ પોતાના મકાન વગર ચાલી રહી છે. સત્તાધારી ભાજપ સરકારે શાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જોવા મળતી આ ખામીઓ માટે અગાઉની કોંગ્રેસની અશોક ગેહલોત સરકારને જવાબદાર ઠેરવી છે.
ઝાલાવાડની શાળામાં સર્જાયેલી દુર્ઘટના બાદ હાથ ધરાયેલા ઓડિટનો હવાલો આપતાં ભાજપે જણાવ્યું હતું કે, આ રિપોર્ટે સરકારી શાળાઓની ભયજનક સ્થિતિ ખુલ્લી પાડી દીધી છે. ભાજપે તેને ગેહલોત સરકારનું પાપ ગણાવતા કહ્યું હતું કે વર્તમાન સરકાર હવે પરિસ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહી છે.

આ ચોંકાવનારો ખુલાસો વિધાનસભામાં વિપક્ષના નેતા ટીકારામ જુલી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં થયો હતો. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ 2025-26ના 'યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન' (UDISE) ના આંકડા મુજબ, રાજ્યની 611 સરકારી શાળાઓ પાસે પોતાની ઈમારતો નથી, જેમાં 10 કન્યા શાળાઓનો પણ સમાવેશ થાય છે.
આ આંકડા એવા સમયે સામે આવ્યા છે જ્યારે તેના થોડા દિવસો પહેલા જ 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ના સહ-સંયોજક આશુતોષ રાંકાના નેતૃત્વમાં પાર્ટીની એક ટીમ પર જયપુર નજીક બગરૂમાં સરકારી શાળાના નિરીક્ષણ માટે જતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો.

CJP ની ટીમ શાળા એક ગૌશાળામાંથી ચાલી રહી હોવાના દાવાની તપાસ કરવા માટે ત્યાં જઈ રહી હતી. ઉલ્લેખનીય છે કે, આ શાળાની મૂળ ઈમારતને ગત વર્ષે અસુરક્ષિત જાહેર કરીને બંધ કરી દેવામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને કામચલાઉ જગ્યાએ ખસેડવાની નોબત આવી હતી.
ઈમારત વગરની શાળાઓનો આ વિવાદ રાજસ્થાનમાં વ્યાપક સ્તરે ફેલાયેલી માળખાકીય સમસ્યાનો એક ભાગ છે. માત્ર જયપુરમાં જ 38 શાળાઓ પાસે પોતાની ઈમારત નથી. જ્યારે ઝાલાવાડના આકલેરા બ્લોકમાં સૌથી વધુ 23, ખાનપુરમાં 16 અને ઝાલરાપાટનમાં 11 શાળાઓ મકાન વગરની છે. આ ઉપરાંત ફલોદીના બાપમાં 11 અને વાંસવાડાના છોટીસરવણમાં આવી 10 શાળાઓ આવેલી છે.
બીજી તરફ, પોતાની ઈમારત ધરાવતી 64,484 સરકારી શાળાઓમાંથી 2,047 શાળાઓમાં શૌચાલયની સુવિધા નથી અને 1,049 શાળાઓમાં પીવાના પાણીની સુવિધાનો અભાવ છે.

શૌચાલય વગરની શાળાઓમાં વાંસવાડા 188 શાળાઓ સાથે મોખરે છે, ત્યારબાદ ડુંગરપુરમાં 124 અને ઉદયપુરમાં 98 શાળાઓ આવેલી છે. જ્યારે પીવાના પાણીની સુવિધા ન હોય તેવી સૌથી વધુ 96 શાળાઓ દૌસા જિલ્લામાં છે. આ મામલે રાજસ્થાન સરકારે જણાવ્યું હતું કે તેણે શાળાઓના સમારકામ અને નવીનીકરણ માટે રૂ. 550 કરોડ તથા ઈમારત વગરની કે જર્જરિત હાલતમાં ચાલતી શાળાઓ માટે નવા મકાનો બનાવવા રૂ. 450 કરોડની ફાળવણી કરી છે.
સરકારે વધુમાં ઉમેર્યું હતું કે વિવિધ ભંડોળના સ્ત્રોતો દ્વારા શાળાના મકાનોના નિર્માણ, સમારકામ અને જાળવણી માટે વાર્ષિક રૂ. 2,500 કરોડ એટલે કે પાંચ વર્ષમાં કુલ રૂ. 12,500 કરોડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, વિપક્ષી નેતા ટીકારામ જુલીએ સરકારના આ દાવાઓને ફગાવી દીધા હતા અને ઓડિટ રિપોર્ટનો જ હવાલો આપીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આ કટોકટી સામે લડવા માટે સરકારની તૈયારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં 3,768 સરકારી શાળાઓને સંપૂર્ણપણે જર્જરિત અને અસુરક્ષિત જાહેર કરવામાં આવી છે, જ્યારે 83,783 વર્ગખંડો પણ વપરાશ માટે અસુરક્ષિત છે. જુલીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર પાસે કોઈ આયોજન નથી. ખરાબ સ્થિતિને કારણે શાળાઓ બંધ કરવામાં આવી છે અથવા તો અન્યત્ર ખસેડવામાં આવી છે, જેનાથી બાળકોના પ્રવેશ પર માઠી અસર પડી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે શાળાઓની ખરાબ સ્થિતિ અંગે રાજસ્થાન હાઇકોર્ટે પણ સરકારનો ઉધડો લીધો છે. બીજી તરફ, સરકારે પોતાનો પક્ષ રાખતાં જણાવ્યું હતું કે શાળાના મકાનો, શૌચાલયો અને અન્ય પ્રાથમિક સુવિધાઓમાં સુધારો કરવો એ તેમની પ્રાથમિકતા છે.

