- Gujarat
- ગુજરાતની શાળામાં અંદર સ્થિતિ કેવી છે તે વીડિયો-ફોટોથી નહીં બતાવી શકાય, સરકારે મંજૂરી વગર શાળા પ્રવેશ...
ગુજરાતની શાળામાં અંદર સ્થિતિ કેવી છે તે વીડિયો-ફોટોથી નહીં બતાવી શકાય, સરકારે મંજૂરી વગર શાળા પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો
ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે મહત્ત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ અનુસાર શાળા પરિસરમાં બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈપણ બહારની વ્યક્તિએ શાળામાં પ્રવેશ મેળવતા પહેલાં આચાર્યની લેખિત મંજૂરી લેવી ફરજિયાત રહેશે. 21 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર થયેલા પરિપત્ર મુજબ, વિદ્યાર્થીઓની તસવીરો લેવા, વીડિયો ઉતારવા, ઓડિયો રેકોર્ડિંગ કરવા કે લાઇવ સ્ટ્રીમિંગ માટે પણ પૂર્વ મંજૂરી જરૂરી રહેશે.
શિક્ષક સંઘ દ્વારા પત્ર લખીને શાળાઓમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે માંગ કરવામાં આવી હતી. જોકે તે બાદ હવે શિક્ષણ વિભાગે પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ 9 નિયમ બનાવ્યા, કોઈ ઉલ્લંઘન કરશે તો પોલીસ બોલાવાશે
કોઈપણ બાહ્ય વ્યક્તિએ શાળા પરિસરમાં પ્રવેશવા માટે આચાર્ય/સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવાની રહેશે. માત્ર તે સરકારી અધિકારીઓને અપવાદ રહેશે, જેઓને તેમની સત્તાવાર ફરજો નિભાવવા માટે નિયમસર અધિકૃત કરવામાં આવ્યા હોય.
દરેક મુલાકાતીએ શાળા પરિસરમાં પ્રવેશ કરતા પહેલાં મુલાકાતી રજિસ્ટરમાં પોતાની વિગતો નોંધાવવાની રહેશે.
કોઈપણ બાહ્ય વ્યક્તિએ વર્ગખંડ, પ્રયોગશાળા, પુસ્તકાલય, છાત્રાલય, રમતનું મેદાન, શૌચાલય અથવા વિદ્યાર્થીઓની કોઈપણ પ્રવૃત્તિ ચાલતી હોય તેવા વિસ્તારમાં આચાર્ય, શાળાના શિક્ષક અથવા અધિકૃત શાળા અધિકારીની સાથે આચાર્ય/સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરીથી જ પ્રવેશ કરવાનો રહેશે.
આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શાળાની પ્રવૃત્તિઓનું ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ અથવા લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે નહીં. આવી પ્રવૃત્તિ માત્ર કાયદેસર હેતુસર જ મંજૂર કરી શકાશે.
શાળા સત્તાધિકારીઓએ એ સુનિશ્ચિત કરવું કે વિદ્યાર્થીઓના ફોટા, વીડિયો અથવા વ્યક્તિગત માહિતીનો એવો સંગ્રહ, પ્રકાશન અથવા પ્રસાર ન થાય, જેના કારણે તેમની ગોપનીયતા, ગૌરવ અથવા સુરક્ષાને અસર થાય.
જો કોઈ વ્યક્તિ પરવાનગી વિના શાળામાં પ્રવેશ કરે, શાળા પરિસર છોડવાનો ઇનકાર કરે, અનધિકૃત ફોટોગ્રાફી/વીડિયોગ્રાફી કરવાનો પ્રયાસ કરે અથવા શાળાની કામગીરીમાં અવરોધ ઊભો કરે, તો આચાર્યએ તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારી/તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જાણ કરવી અને લાગુ પડતા કાયદા હેઠળ જરૂરી કાર્યવાહી કરવી.
આચાર્ય એવા કોઈપણ મુલાકાતીને શાળા પરિસરમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકે છે, જેના કારણે શાળાની સુરક્ષા, ગોપનીયતા, શિસ્ત અથવા શૈક્ષણિક વાતાવરણ પર અસર થવાની સંભાવના હોય.
આચાર્યની પૂર્વ લેખિત મંજૂરી વિના કોઈપણ મુલાકાતી વ્યક્તિગત બાળક/બાળકીની માહિતી એકત્રિત કરી શકશે નહીં કે તેની ઓળખ અથવા તસવીરનું પ્રકાશન કરી શકશે નહીં, જો તે પ્રવૃત્તિ બાળકના શ્રેષ્ઠ હિતમાં ન હોય અને તેનાથી તેની સુરક્ષા, ગૌરવ અથવા ગોપનીયતાને અસર થતી હોય.
તમામ નિરીક્ષણ અધિકારીઓએ ઉપરોક્ત સૂચનાઓનું કડકાઈથી પાલન થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આચાર્ય/સંસ્થાના વડા જરૂરિયાત મુજબ કોઈ બાહ્ય વ્યક્તિને શાળા પરિસર છોડવાનો આદેશ આપી શકે છે. જરૂરી જણાય ત્યારે સ્થાનિક પોલીસની મદદ મેળવી શકે છે તથા કેસના તથ્યો અને પરિસ્થિતિ અનુસાર ભારતીય ન્યાય સંહિતા, 2023, બાળકોને જાતીય ગુનાઓથી રક્ષણ અધિનિયમ, 2012 (POCSO), કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015, માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ, 2000 તથા અન્ય પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી શરૂ કરી શકાશે.
રાજ્યના શિક્ષણ વિભાગના આ નિર્ણય બાદ શાળા પરિસરમાં બહારની વ્યક્તિઓના પ્રવેશ અને તેમની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રહેશે. આચાર્યની લેખિત મંજૂરી, મુલાકાતી રજિસ્ટર અને ફોટોગ્રાફી પર નિયંત્રણ જેવા નિયમોનું પાલન કરવું જરૂરી બનશે. વિદ્યાર્થીઓની સુરક્ષા જાળવવા અને શાળાની શૈક્ષણિક કામગીરીમાં અનધિકૃત વ્યક્તિઓનો હસ્તક્ષેપ અટકાવવા આ આદેશ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

