- Gujarat
- PM ન થયું હોવા છતાં મહિલાના મૃત્યુ કેસમાં વીમા કંપનીએ ચૂકવવા પડ્યા 2.25 કરોડ
PM ન થયું હોવા છતાં મહિલાના મૃત્યુ કેસમાં વીમા કંપનીએ ચૂકવવા પડ્યા 2.25 કરોડ
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઈન)ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી. મેખીયા અને સભ્ય ડો. તીર્થશ મહેતાએ આપેલ ચુકાદામાં વિમેદાર મહિલાનું ટી.વી. સીરીયલનું શુટીંગ જોતી વખતે 10-15 ફૂટ ઊંચા સ્ટેજ પરથી પડી જવાને કારણે શારીરિક ખામીઓ સર્જાતા સારવાર દરમિયાન અવસાન થયેલ હોવાનું પ્રથમ દર્શનીય રીતે પુરવાર થતુ હોવાથી ગુજરનાર મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ રજૂ કરવામાં આવેલ નથી. એવું ટેકનીકલ કારણ આગળ ધરીને ફરિયાદીનો ક્લેઇમ નકારવાનો વીમા કંપનીએ જે નિર્ણય કરેલો તેને સેવામાં ખામી ગણી ગુજરનાર મહિલાની પર્સનલ એક્સીડન્ટ ઇન્સ્યોરન્સ પોલિસી અન્વયે ગુજરનારના પતિ અને ત્રણ સંતાનોને રૂ. ૨.૨૫ કરોડનો ક્લેઇમ વ્યાજ અને વળતર સહિત ચુકવવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.
(ફરિયાદીઓએ રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (સામાવાળા)ઓ વિરુદ્ધ એડવોકેટ શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ/ઈશાન દેસાઈ મારફત દાખલ કરેલી ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદી સામાવાળા વીમા કંપનીની પોલીસીના નોમીની હોલ્ડર છે. વધુમા, ફરિયાદી નં.(૨) થી (૪) એ કાનૂની વારસો છે. લોનની સલામતી માટે બેંકે તેમની Tie-up વાળી વીમા કંપની એટલે કે સામાવાળા વીમા કંપનીથી "Reliance Financial Protection Personal Accident Policy" તરીકે ઓળખાતો વીમો રૂા. ૨.૨૫ કરોડનો વીમા કંપની કનેથી લેવડાવલો. વીમો અમલમાં હતો તે દરમ્યાન દીપમાલા તા.૪/૧૦/૨૦૨૦ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યાના અરસામાં વૃંદાવન સ્ટુડિયો, ઉમરગામ, વલસાડ ખાતે રાધા-કિષ્ણા સિરીયલનું શુટીંગ જોવા ગયેલ. શુટીંગ જોતા દીપમાલા અગરવાલ સ્ટેજ ઉપર ઉભા હતા તે દરમ્યાન બેલેન્સ ન જળવાતા આશરે ૧૦-૧૫ ફૂટ હાઈટ વાળા સ્ટેજ પરથી નીચે પડી ગયેલા, જેથી, ઈજાઓને કારણે તેમનો કમ્મરની નીચેનો ભાગ પેરેલાઈઝડ થઈ ગયેલ હતો. ટ્રીટમેન્ટ ચાલુ હતી તે દરમ્યાન અવસાન થયેલ. જેથી ત્યારબાદ, ફરિયાદીઓએ ફરિયાદવાળા વીમા અન્વયે રૂા.૨,૨૫,૦૦,000/- નો Personal Accident Insurance નો કલેઈમ સામાવાળા સમક્ષ કરેલ. સામાવાળાઓએ તેમના તા. ૨૧/૦૪/૨૦૨૨ ના રોજના પત્ર દ્વારા ફરિયાદીઓનો ક્લેઇમ ગુજરનાર દીપમાલાનું પોસ્ટમોર્ટમ કરાવેલ ન હોવાનું અને વિમા પોલીસીની શરતો મુજબ પોસ્ટ મોર્ટમ રીપોર્ટ વીમા કંપની સમક્ષ રજુ કરેલ ન હોવાનું કારણ દર્શાવીને નામંજુર કરેલ.
ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ/ઇશાન દેસાઇનાએ દલીલોમાં જણાવ્યું હતું કે, હાઈટ પરથી પડી જવાના કારણે દીપમાલાનું અવસાન થયેલ હોવાનું પ્રમાણીત કરેલ છે. જે વિશે શંકાનું કોઇ કારણ નથી.
સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય) ના પ્રમુખ ન્યાયાધીશ પી.પી.મેખિયા અને સભ્ય ડો. તીર્થશ મહેતાએ હુકમમાં ફરિયાદ મંજુર કરવાનો હુકમ કર્યો હતો. વીમા કંપનીએ ફરિયાદીઓને (મૃતક મહિલાના પતિ અને ત્રણ સંતાનોને) પર્સનલ એક્સીડન્ટ ઇન્સ્યોરન્સ ક્લેમના રૂપિયા ૨.૨૫ કરોડ ૮% ના વ્યાજ સહિત તેમજ શારિરીક-માનસિક ત્રાસ માટેના રૂપિયા રૂા. ૫૦,૦૦૦/- વળતરના તેમજ કાનૂની કાર્યવાહી માટેના રૂપિયા ૨૫,૦૦૦/- પણ ચૂકવવાનો હુકમ કર્યો હતો.

