- Gujarat
- જાણો ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે કે દેવાળિયો છે, આંકડા સ્પષ્ટ છે
જાણો ગુજરાતનો ખેડૂત સમૃદ્ધ છે કે દેવાળિયો છે, આંકડા સ્પષ્ટ છે
ગુજરાતનો ખેડૂત કેટલો સમૃદ્ધ છે તે કૃષિ વિભાગના આંકડા પરથી જાણી શકાય છે. આર્થિક મુશ્કેલીના કારણે છેલ્લા ત્રણ મહિનામાં 13 ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને પાકની નિષ્ફળતાના કારણે ખેડૂત સંકટમાં આવેલો છે ત્યારે કેન્દ્રના આંકડા પ્રમાણે ગુજરાતન પ્રત્યેક ખેડૂત પરિવારની માસિક આવક માત્ર 3537 રૂપિયા છે. કેન્દ્રએ જાહેર કરેલા 2017ના આંકડા પ્રમાણે રાજ્યમાં ખેડૂત પરિવારનો સરેરાશ ખર્ચ 2250 રૂપિયા છે અને આવક 5773 રૂપિયા છે જેથી ખેડૂત પરિવારની સરેરાશ માસિક ચોખ્ખી આવક માત્ર 3537 રૂપિયા થવા જાય છે. હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં આવી આવક એક તૃતિયાંસ છે. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં અન્ય રાજ્યોની સરખામણીએ માસિક આવક ઓછી છે.
રસપ્રદ બાબત એવી છે કે 2016ના આંકડા પ્રમાણે ખેડૂત પરિવારની માસિક આવક 7926 હતી જેમાં ઘટાડો થયો છે. નાના અને સીમાંત ખેડૂતોની આવક રિપોર્ટમાં જણાવેલી આવક કરતાં પણ ઘણી ઓછી હોવાનું વાસ્તવમાં સામે આવ્યું છે. કેન્દ્રના એગ્રીકલ્ચર સ્ટેટેસ્ટીક પોકેટ બુક પ્રમાણે પંજાબના ખેડૂતની નેટ આવક 16349 રૂપિયા છે જ્યારે હરિયાણાના ખેડૂતની આવક 10916 રૂપિયા છે. કર્ણાટકના ખેડૂતો પણ મહિને 5129 રૂપિયાની આવક મેળવે છે જ્યારે આસામના ખેડૂતો 4409 અને તેલંગાણાના ખેડૂતો 4399 રૂપિયા મેળવે છે.
મધ્ય પ્રદેશમાં આ આંકડો 4254 રૂપિયા અને મહારાષ્ટ્રમાં આ આંકડો 4021 રૂપિયા છે. કેરાલા અને ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક લગભગ સરખી છે. કેરાલાના ખેડૂતને માસિક 3602 રૂપિયા મળે છે. ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ વિઠ્ઠલ દુધાતાએ સ્વિકાર્યું છે કે ખેડૂતોની આવક અંદાજીત આવક કરતાં ઘણી ઓછી છે. ગુજરાતમાં ઓછા વરસાદના કારણે ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયેલા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી તે મુખ્ય કારણ છે. કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે પરંતુ એવો કોઇ વર્તારો અત્યારે દેખાતો નથી, કારણ કે ભારતમાં આ વર્ષ દુકાળનું વર્ષ છે અને પાક ઉત્પાદન પણ ઓછું થવાનું છે.

