- Gujarat
- ચાલુ ગાડીએ સ્નેચરે પર્સ ખેચતા મહિલા પડી જતા દોઢ લાખનો ખર્ચ આવ્યો, પર્સમાં હતા...
ચાલુ ગાડીએ સ્નેચરે પર્સ ખેચતા મહિલા પડી જતા દોઢ લાખનો ખર્ચ આવ્યો, પર્સમાં હતા...

હીરાદલાલીનું કામ કરતા મનસુખભાઈ ગોઠડિયા સુરતના મોટા વરાછામાં રહે છે. મંગળવારે સવારે તેઓ પત્ની વિજયાબેન સાથે રામપુરા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. દંપતી મંદિરથી દર્શન કરી સવારે 06:00 વાગ્યાની આસપાસ ઘરે પાછુ ફરી રહ્યું હતું. આ દરમિયાન લાલ દરવાજા - ગરનાળા તરફના રસ્તા પર તેમની સાથે વિચિત્ર ઘટના બની હતી. દંપતી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક પાછળથી અન્ય એક સ્કૂટર પર આવેલા સ્નેચરે પાછળ બેસેલા વિજયાબેનના હાથમાંથી પર્સ ઝૂંટવી લીધું હતું.
જેને લઈ મનસુખભાઈ દ્વારા મોપેડનું બેલેન્સ ખોરવાતા તેઓ જમીન પર પટકાયા હતા અને વિજયાબેન જમીન પર ધસડાયા હતા. ત્યારબાદ મનસુખભાઈએ સ્નેચરને પકડીને ઢીબી નાખ્યો હતો. આ 1 મિનિટની ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. મનસુખભાઈ અને વિજયાબેનને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં વિજયાબેનને ફ્રેક્ચર થતા તેની સર્જરી માટે 1.5 લાખનો ખર્ચ થયો છે. જ્યારે વિજયાબેનના પર્સમાં 340 રૂપિયા જ હતા. CCTVમાં જોવા મળ્યું છે કે સ્નેચર પર્સ આંચકી ભાગવા જતા તેને પકડી લીધો હતો. તેમ છતા તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન મનસુખભાઈએ અને અન્ય એક યુવકે તેને પકડવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમિયાન સ્નેચરના કપડા પણ ફાટી ગયા હતા. તેમ છતા સ્નેચર મોપેડ મૂકીને ભાગવામાં સફળ થયો હતો. ઘટના સમયે સ્નેચરે ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે મનસુખભાઈએ શર્ટ પકડી રાખતા તે પણ પટકાયો હતો, ત્યારબાદ ભાગી છૂટ્યો હતો. મહિલાના પર્સમાં 340 રૂપિયા મળતા, પર્સ પાછુ આપવા હાથ લાંબો કર્યો, પરંતુ પકડાય જવાના ડરથી એક્ટિવા લઈને ફરાર થઈ ગયો હતો. નંબરના આધારે પોલીસે તપાસ કરતા ચોરીની આશંકા બતાવી હતી. મોટા વરાછામાં ધર્મજીવન રો-હાઉસમાં આ દંપતી રહે છે.
વિજયાબેનને પગમાં ફ્રેક્ચર થતા દોઢ લાખની સર્જરી કરાવવાની નોબત આવી છે. મહિધરપુરા પોલીસે ગુનો નોંધ્યો છે. ઘટના અંગે મહિધરપુરા પોલીસના PI JB ચૌધરીએ જણાવ્યું હતું કે ભોગ બનનાર દંપતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં લૂંટ કરવા આવનાર મોપેડ મૂકીને ભાગી ગયો હતો. પોલીસે મોપેડના રજિસ્ટ્રેશન નંબરના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસ તપાસમાં સ્કૂટરનો રજિસ્ટ્રેશન નંબર પણ ખોટો હોવાનું સામે આવ્યું છે. તેને લઈ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે. પોલીસ દ્વારા આ વિસ્તારના જુદા જુદા CCTV અને પોલીસની ટીમ દ્વારા આરોપીને ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી.
પીડિત મનસુખભાઈએ જણાવ્યું હતું કે હું અને મારી પત્ની મંદિરથી લાલ દરવાજા રોડથી ઘર તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન ગાબાણી હૉસ્પિટલ પાસે સ્કૂટર પર પાછળથી આવી લૂંટ કરનાર યુવક આવ્યો હતો. મારી પત્નીનું પર્સ તેણે ખેંચ્યું હતું, જેને લઈ અમે પડી ગયાં હતાં, જેમાં મારી પત્નીને ગંભીર ઈજાઓ પહોંચી છે. પત્નીને ઘૂંટણમાં ઈજા થતા તેને 3 ફ્રેક્ચર થયા છે. આ દરમિયાન તે ભાગી જવામાં સફળ થયો હતો. છાપરાભાઠા સી.ઝેડ. પટેલ પાર્ક સોસાયટીમાં રહેતી 66 વર્ષીય સવિતાબેન પ્રકાશભાઈ ગામીતે કતારગામ પોલીસમાં ફરિયાદ આપી છે.
તેના આધારે પોલીસે રૂપા અશોક સોલંકી(રહે. કીમ) સામે ચેઇન-સ્નેચિંગનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી હતી. વૃદ્ધા મંગળવારે સવારે 09:30 વાગ્યાના ગાળામાં ફુટપાથ પર સાડી ખરીદી કરવા નીકળી હતી. એ વખતે વૃદ્ધા ખરીદી કરવા માટે ઊભી હતી, એ વખતે પાછળથી ગળામાં હાથ નાખી 90 હજારની 2 તોલાની સોનાની ચેન લૂંટી લીધી હતી. આખરે મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. આ દરમિયાન પેટ્રોલિંગમાં નીકળેલી પોલીસની ટીમે મહિલા ચોરને રસ્તામાંથી પકડી પાડી ચેન કબજે કરી હતી.