- Gujarat
- ગુજરાત માટે 7 દિવસ ભારે, અતિભારે વરસાદ પડશે, આ તારીખથી હાડ થિજાવતી ઠંડીની શરૂઆતની આગાહી
ગુજરાત માટે 7 દિવસ ભારે, અતિભારે વરસાદ પડશે, આ તારીખથી હાડ થિજાવતી ઠંડીની શરૂઆતની આગાહી
ગુજરાતમાં હાલ ચાલુ કમોસમી વરસાદ (માવઠા)નું સંકટ આગામી એક અઠવાડિયા સુધી યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધતાં વરસાદનું જોર વધશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે.
આવતીકાલની આગાહી
હવામાન વિભાગે જણાવ્યા મુજબ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, દીવ અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં પણ અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, તાપી અને નવસારી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સ્થિતિ યથાવત છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલનું અનુમાન
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આવતીકાલથી બે દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે હવામાન ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.વરસાદનું મુખ્ય કારણ અરબી સમુદ્રનું ડિપ્રેશન છે, જે ગુજરાત તરફ ખસે છે. સાથે સાથે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ અને અરબી સમુદ્રના ડિપ્રેશનના સંયુક્ત પ્રભાવથી વરસાદ વધશે.
ખેડૂતો માટે ચિંતાજનક પરિસ્થિતિ
આ અચાનક પડેલા માવઠાથી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં વરસાદથી તૈયાર પાકોને નુકસાન પહોંચવાની આશંકા છે. મધ્ય ગુજરાતમાં પણ વડોદરાના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
22 ડિસેમ્બરથી ઠંડીનો પ્રારંભ
હવામાન નિષ્ણાતોએ વધુમાં જણાવ્યું છે કે, હાલનું વરસાદી સંકટ પૂરૂં થયા બાદ 7 નવેમ્બરથી ફરી એકવાર માવઠાનો દોર શરૂ થઈ શકે છે.
તે બાદ, 22 ડિસેમ્બરથી રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થશે. આ આગાહી પરથી સ્પષ્ટ થાય છે કે, રાજ્યમાં હાલથી લઈ ડિસેમ્બર અંત સુધી હવામાનમાં સતત ફેરફારો અને અનિશ્ચિતતા યથાવત રહેશે.

