- National
- ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયાર...
ખાડાને કારણે એમ્બ્યુલન્સમાં લાગ્યો ઝટકો, બ્રેઇનડેડ મહિલા ભાનમાં આવી ગઈ; સ્મશાનગૃહ લઈ જવાની હતી તૈયારી
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને તમે પણ ચોંકી જશો. જે મહિલાને ડૉક્ટરો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરી દેવાઈ હતી અને જેના અંતિમ સંસ્કારની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી હતી તે ચમત્કારિક રીતે મૃ*ત્યુના મુખમાંથી પાછી આવતી રહી. આ ઘટના ગોકુલપુરમ કોલોનીની છે. 22 ફેબ્રુઆરીના રોજ કોલોનીમાં રહેતી વિનીતા શુક્લા અચાનક ઘરમાં બેહોશ થઈને પડી ગઈ હતી. તેના પરિવારજનો તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને બરેલીની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.

બરેલી હોસ્પિટલમાં વિનીતાને બે દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ડૉક્ટરોના મતે તેના શરીરમાં કોઈ હિલચાલ નહોતી, તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેનું શરીર બ્રેઈનડેડ જેવી સ્થિતિમાં પહોંચી ગયું હતું. ડૉક્ટરોએ પરિવારને સ્પષ્ટપણે કહ્યું હતું કે વેન્ટિલેટર હટાવાતા જ મો*ત થઈ શકે છે. ભારે મનથી પરિવાર તેને ઘરે લઈ જવા માટે એમ્બ્યુલન્સમાં સવાર થયો.
24 ફેબ્રુઆરીના રોજ જ્યારે વિનિતાને એમ્બ્યુલન્સમાં ઘરે લાવવામાં આવી રહી હતી, ત્યારે ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. અંતિમ સંસ્કાર માટે લાકડા ગોઠવાઈ ગયા હતા, અને સંબંધીઓ અને પડોશીઓ તેને અંતિમ વિદાય આપવા માટે દરવાજા પર ભેગા થઇ ગયા હતા. પરંતુ પછી કુદરતે પોતાનો ખેલ બતાવ્યો.
રસ્તામાં ખાડાને કારણે એમ્બ્યુલન્સને જોરદાર ઝટકો લાગ્યો હતો, જેના કારણે વિનિતાને પણ આ ઝટકો અનુભવાયો હતો. જ્યારે પરિવારે જોયું ત્યારે મહિલા ભાનમાં આવવા લાગી હતી. ચમત્કાર જોઈને તેને સ્મશાનગૃહમાં લઈ જવાને બદલે, પરિવારજનો તાત્કાલિક તેને પીલીભીતના ડૉ. રાકેશ, ન્યૂરો સિટી હોસ્પિટલમાં લઈ ગયા. 14 દિવસની સઘન સારવાર બાદ વિનિતાની સ્થિતિમાં જાદુઇ સુધારો થયો. હવે તે સ્વસ્થ થઈ ગઈ છે અને તેને રજા આપી દેવામાં આવી છે.

