- Gujarat
- મોરબીમાં 2000 ભાડું ન ચૂકવી શકતા શખ્સે પત્ની અને સગીર દીકરીને મકાન માલિકને 'સોંપી' દીધા
મોરબીમાં 2000 ભાડું ન ચૂકવી શકતા શખ્સે પત્ની અને સગીર દીકરીને મકાન માલિકને 'સોંપી' દીધા
મોરબીમાં પારિવારિક અને લોહીના સંબંધોને લાંછન લગાડતો એક અત્યંત ચોંકાવનારો અને હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં ભાડાના મકાનમાં રહેતા એક શ્રમિક પરિવાર પર મકાન ભાડું ચડી જતાં, પતિએ પિતૃત્વ અને પતિત્વના સંબંધને નેવે મૂકીને પોતાની જ પત્ની અને સગીર વયની દીકરીને મકાન માલિકના હવસનો શિકાર બનાવી દીધાં હતાં. માત્ર ₹2000ના માસિક ભાડાના બદલામાં મકાન માલિકે ભાડુઆત પતિની પૂર્વ મંજૂરીથી પહેલાં પત્ની સાથે અને ત્યારબાદ તેની સગીર વયની દીકરી સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આશરે છ મહિના પહેલાં એક શ્રમિક પરિવાર મજૂરીકામ અર્થે મોરબી આવ્યો હતો. રહેવા માટે પોતાનું ઘર ન હોવાના કારણે આ શ્રમિક યુવકે મહિને ₹2000ના ભાડા લેખે એક મકાન રાખ્યું હતું. જો કે, મોરબી આવ્યા બાદ યુવકનો કામધંધો બરાબર ચાલતો ન હોવાથી તે આર્થિક સંકટમાં મુકાયો હતો અને ધીમે-ધીમે મકાનનું ભાડું ચડવા લાગ્યું હતું. મકાન માલિકે જ્યારે યુવક પાસે ભાડાની ઉઘરાણી કરી ત્યારે પૈસા ન હોવાને કારણે તે ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો અને ભાડું ચૂકવવા માટે થોડો સમય માગ્યો હતો.
આ દરમિયાન, મકાન માલિકે આ પરિવારની લાચારી અને મજબૂરીનો આડો લાભ ઉઠાવવાનું નક્કી કર્યું. તેણે યુવક સામે શરત મૂકી કે જો તે ભાડું ન આપી શકતો હોય તો તેણે પોતાની પત્નીને શારીરિક સંબંધ બાંધવા માટે તેની પાસે મોકલવી પડશે. આર્થિક તંગીથી ઘેરાયેલા અને નરાધમ બનેલા પતિએ પણ મકાન માલિકની આ શરત સ્વીકારી લીધી અને પોતાની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવાની મંજૂરી આપી દીધી. જે બાદ નરાધમ મકાન માલિકે અવારનવાર આ ભાડુઆતની પત્નીને પોતાના હવસનો શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું હતું.
પત્નીનું શોષણ થવા છતાં મકાનનું ભાડું સતત વધતું જ રહ્યું હતું, જેના કારણે મકાન માલિકની નજર હવે ભાડુઆતની સગીર વયની દીકરી પર બગડી હતી. મકાન માલિકે પત્ની બાદ હવે દીકરી સાથે પણ શારીરિક સંબંધ બાંધવા માટે યુવક (પિતા) પાસે મંજૂરી માગી હતી. કળિયુગી પિતાએ પોતાની સગીર દીકરીને બચાવવાને બદલે આ વાત માટે પણ હા પાડી દીધી હતી.

પિતાની સંમતિ મળ્યા બાદ, આરોપી મકાન માલિકે સગીર દીકરીને મજબૂર કરી, લલચાવી-ફોસલાવીને અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી ગુનો આચર્યો હતો. મકાન માલિક આ સગીરાને પોતાના મૂળ મકાન ઉપરાંત ટંકારા ખાતે આવેલા મકાને પણ લઈ જતો હતો અને ત્યાં અન્ય એક સહ-આરોપી સાથે મળીને દીકરી પર દુષ્કર્મ આચરતો હતો.
આ અમાનવીય અને ઘૃણાસ્પદ બનાવ અંગે જ્યારે પરિણીતાના પિતા (સગીરાના નાના)ને જાણ થઈ, ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ અને મકાન માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
મોરબી એ-ડિવિઝન પોલીસે આ મામલે ભોગ બનનારના પતિ, મુખ્ય આરોપી મકાન માલિક અને અન્ય એક સહ-આરોપી સહિત કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં બે આરોપીઓની અટકાયત કરી લીધી છે. જેમાં આરોપી પતિને હાલ કોર્ટના આદેશથી જેલહવાલે કરવામાં આવ્યો છે, જ્યારે મુખ્ય આરોપી મકાન માલિકના કોર્ટમાંથી એક દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરાઈ છે. આ ગુનામાં સામેલ ત્રીજો સહ-આરોપી હાલ ફરાર છે, જેને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

