26th January selfie contest

જીવનમાં મૃત્યુ નક્કામું છતાં જાણવા જેવું

18 May, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: flickr.com

અભી તો માલ જોખો હૈ

બાદ મેં જાન જોખમ હૈ

કાફીરની આ શાયરીની પંક્તિમાં તે જીવન-મરણની ફિલસૂફી કહેવા માગે છે કે, ‘હમણાં તો ખૂબ ખૂબ જલસાથી રહો. માલ-પૂઆ ખાઓ, એશ કરો, પરંતુ પછી યાદ રાખજો કે જાનનું જોખમ છે. જાનનો અંત આવી જાય તો તો ઠીક છે પણ એમ જલદી પરમાત્મા તમને આ દેહથી છોડવાના નથી. મહાન લેખક-વાર્તાકાર અર્નેસ્ટ હેમિંગ્વે 1951માં ‘ધ ઓલ્ડમેન એન્ડ ધ સી’ નામની નવલકથા પૂરી કરતા હતા ત્યારે તેને ડર હતો કે જગતમાં અણુયુદ્ધ થાય તેવી શક્યતા છે. તેઓ ખૂબ જ ડિપ્રેસ્ડ રહેતા હતા. તે વખતે તેમના ડૉક્ટરે પૂછ્યું આવી હાલતમાં અને સતત યુદ્ધના ઓળા નીચે કેમ લખી શકો છો? તો હેમિંગ્વેએ કહ્યું ‘વેલ, ડૉક્ટર, જ્યારે તમે ઉંમરમાં અડધી સદીએ પહોંચી ગયા હશો અને 50ની ઉંમરે તમારા ધંધા (લેખન) ઉપર હથોટી આવી ગઈ હોય પછી તમે કેવા વાતાવરણમાં અને કેવા મૂડમાં જીવો છો કે લખો છો તેની કોઈ ખેવના જ રહેતી નથી. બધું આપોઆપ થયા કરે છે. ખાસ તો લેખકે કોઈ પણ હાલતમાં કે કોઈપણ મૂડમાં લખવું જોઈએ - એમ જ નહીં પણ પછી તો ગમે તે મૂડમાં કલમ ચાલતી જ હોય છે.’

આ તો અર્નેસ્ટ હેમિંગ્વે જેવા ધૂરંધરની વાત છે. હું તેનાથી ઘણો નાનો છું. મને પક્ષઘાત થયો છે. ડૉ. રાજેન્દ્ર જાચર નામના - ન્યુરોલૉજિસ્ટ કહે છે કે મારે એક મહિનો દવા લેવી પડશે. મહિના સુધી જમણું અંગ ખોટું જ રહેશે. પણ પછી દવાથી સારું થાય તેની ગેરંટી નથી. પણ આજે આ મોમેન્ટે આ લેખ હું ડૉક્ટરે ભાખેલી ક્રૂર વાણીના અંધકાર વચ્ચે લખું છું. જોકે મારી બીમારી આ લેખ માટે મહત્ત્વની નથી. કોઈ પણ હાલતમાં માણસે જીવવું જોઈએ અને જીવનની શક્તિનો વધુ પડતો ગજા ઉપરવટનો ઉપયોગ કરી મગજને બોજ હેઠળ દાબ્યું હોય તેની કિંમત ચૂકવવી જ પડે છે - મગજ બરાબર શિક્ષા કરે છે. બીજાં અંગો પણ સજા કરે જ છે.

પરંતુ ઘણા લોકો બીમારીથી જરૂર કંટાળે છે. કંટાળીને સતત કહ્યા કરે છે કે ‘બસ મરી જવું છે.’ ‘જીવવાનો અર્થ નથી...’ આ તદ્દન ખોટી વાત છે. અને ઈશ્વરના અસ્તિત્વને રિજેક્ટ કરવા જેવું છે. તમે આજે જીવતા રહ્યા ત્યારે તમને રોજ સૂરજ એનો એ લાગે છે પણ રોજ નવો સૂરજ હોય છે. જોવાની દૃષ્ટિ જોઈએ.

એ નવો સૂરજ, નવી સૃષ્ટિ, રોજના પરમાત્માના ખેલ, માનવીના તમારા પ્રત્યેના પ્રેમ કે લાગણીઓની કસોટી કરવા જીવવું જ જોઈએ. વળી પરમાત્મા તો તમને મેક્સિમમ જીવાડવા માગે છે. તમને રોજની નવી સૃષ્ટિ બતાવવા માગે છે પણ તમે મોત-મોત, મરી જવું છે તે શબ્દોની મોપાટ લો છો. ‘સુપરનેચર’ બુકના લેખક તેમ જ બાયોલૉજિસ્ટ ડૉ. લ્યાલ વૉટ્સને ‘ધ બાયોલૉજી ઓફ ડેથ’ નામનું પુસ્તક લખ્યું છે. મૃત્યુનું જીવ-રસાયણશાસ્ત્ર એ પુસ્તકના પ્રથમ જ પ્રકરણમાં પરમાત્માની કરામતના સાચા દાખલા લખ્યા છે. પુસ્તકમાં તે સમયના ડૉ. એન્ડ્રીયાસ વરસેલીવસ નામના બાયોલૉજિસ્ટ, એક સ્પેનિશ ઉમરાવ મરી ગયેલો જાહેર થયેલો, તેના મડદાના મરણોપરાંત પરીક્ષણ માટે ડીસેકટિંગ કરતો હતો-ચીરતો હતો. પણ જે નોબલમેનને મરેલો જાહેર કરીને તેના મડદાને અંદરથી ચીરીને તપાસવાનું હતું ત્યારે એકાએક મડદામાં જીવ આવ્યો. એ સોળમી સદીનો દાખલો. તે નોબલમેનનું નામ ડૉન હતું અને થોડી ટ્રીટમેન્ટ પછી મરેલો જાહેર થયેલો ડૉન પાછો સર્વશક્તિમાન બની ગયો!

એક જમાનામાં રેવરન્ડ શ્વાર્ત્ઝ નામનો પાદરી દિલ્હીમાં મરેલો જાહેર થયો. પણ જ્યારે તેને દાટવાની તૈયારી કરતા હતા ત્યારે શ્વાર્ત્ઝએ તેને એકદમ પ્રિય એવું ધર્મગીત સંગીત સાથે સાંભળ્યું અને એટલો ચમત્કાર બન્યો કે કોફિનમાંથી પાદરીનું મડદું પણ ધર્મગીતના સંગીત સાથે પોતાનો રાગ પુરાવવા માંડ્યું. આવા તો સંખ્યાબંધ દાખલા બન્યા છે જેમાં અર્ધજ્ઞાની કે અજ્ઞાની ડૉક્ટરે દરદીના કેસને હોપલેસ ગણીને તેને મરેલો જાહેર કરી તેને બાળવા કે દાટવાની તૈયારી કરી હોય. સર્ટિફિકેટ પણ આપી દીધું હોય.

આપણે માટે નામ મહત્ત્વનું નથી છતાં નામ લખું છું કે ગ્રીક ઓર્થોડોક્સ બિશપ લેસબોસે નિસેફોરસ ગ્લીકાસને મરેલો જાહેર કર્યો. તેના ભક્તો નિસેફોરસના દેહનાં અંતિમ દર્શન કરી શકે તે માટે તેને બે દિવસ એથેન્સના ચોકમાં રખાયો! પણ છેલ્લી સાંજે એક રૂપાળી સ્ત્રી બિશપના મડદાને ધ્યાનથી નિહાળતી હતી ત્યારે બિશપનું મડદું બોલ્યું, ‘કેમ બાઈ, મારા બુઢ્ઢા દેહ સામે શું જુએ છે મને શું કામ કોફિનમાં રાખ્યો છે?’

આવા તો ઘણા દાખલા બન્યા પણ તેમાંથી સાર એક જ કાઢવાનો છે કે જેમ ખરાબ હાલતમાં, ખરાબ રાજકીય વાતાવરણમાં, કઠિન આર્થિક સંયોગોને કે સામાજિક સંબંધોને પ્રેમીઓના પ્રેમનો કે પત્ની સાથે ટેમ્પરરી કંકાસને કદી હોપલેસ ન માનવા. કશું જ હોપલેસ નથી. તમારે સતત આશા રાખવાની છે.

તમે કદાચ ડૉ. હાન્સ ક્રિશ્ચિયન એન્ડરસન નામના મશહૂર વાર્તાકારનું નામ જાણતા હશો. એન્ડરસન બહાર જાય ત્યારે તેના ખિસ્સામાં એક ચિઠ્ઠી લખીને રાખી મૂકતો. તેમાં વિનંતી લખતો કે હું મરેલો માલૂમ પડ્યો હોય ત્યારે બાળતાં દાટતાં પહેલાં પૂરી ચકાસણી કરજો. હું એમ સહેલાઈથી મરવાનો નથી!

આપણે હવે મૃત્યુની ફિલસૂફી ચર્ચીશું. એલિઝાબેથ કુબલર રોસ નામની એમ.ડી. થયેલી ડૉક્ટર લેખિકાએ મૃત્યુ ઉપર ઘણાં પુસ્તક લખ્યાં છે. મારી પુત્રી શક્તિનું 2007માં અવસાન થયું ત્યારે મેં એશિયાટિક સોસાયટીની લાઈબ્રેરીમાંથી એક પુસ્તક મંગાવ્યું તેનું નામ હતું ‘ડેથ-ધ ફાઈનલ સ્ટેજ ઑફ ગ્રોથ.’ તમે આ વાક્યમાં છેલ્લો શબ્દ વાંચ્યો, મૃત્યુ એ જીવનના તબક્કાના અંતનું સ્ટેજ નથી. ઊલટાનું મૃત્યુ એ તો આપણા આગલા ઉદય, આગલો પ્રોગ્રેસ કે નવા વિકાસ માટેનો તબક્કો છે. તમે જે તક ખોઈ નથી તે જીવનમાં ઉદય પામવાની તક હજી બાકી છે, તે તમને હવે બીજા જન્મમાં મળશે. આ પુસ્તકના પ્રથમ પાને જ સંત ફ્રાન્સીસની આશાના સૂરવાળી કવિતા છે.

'હે ઈશ્વર મને મારી જિંદગીમાં આરોગ્યનો છડીદાર બનાવ. જ્યાં જ્યાં બીમારી હોય ત્યાં હું આરોગ્ય લાવું. જ્યાં જ્યાં દુઃખ કે પીડા હોય ત્યાં આનંદ ફેલાવું. જ્યાં જ્યાં નિરાશા હોય ત્યાં આશા ફેલાવું.'

આ આખી પ્રાર્થના મહત્ત્વની છે. એ માણસ જ બરાબર જીવી ગયો જે પોતાના માટે જ નહીં પણ જ્યાં જ્યાં પીડા હોય, ગમગીની હોય, નિરાશા હોય કે દુઃખ હોય ત્યાં આનંદ ફેલાવે. બીમારીને નિવારે, આશા જગાવે અને ખાસ તો દરેક માણસે શીખવું જોઈએ કે મૃત્યુ અનિવાર્ય છે પણ તમારે મૃત્યુને કંકોતરી લખવાની નથી. સાથે સાથે મૃત્યુને સ્વીકારી લેતાં શીખો. ખાસ તો તમારી પ્રિય વ્યક્તિ, તે જો અકાળે મૃત્યુ પામે ત્યારે તો તેના મૃત્યુને સ્વીકારતાં શીખો જ.

ડૉ. લાલ વૉટ્સને ‘બાયોલોજી ઑફ ડેથ’માં લખ્યું છે કે મૃત્યુ એ કોઈ અકસ્માત કે ચાન્સની વાત નથી. માણસ જન્મે ત્યારે જ મૃત્યુ તેના શરીરમાં પ્રોગ્રામ્ડ હોય છે. એક શિડ્યુલ પ્રમાણે શરીરની અંદરના ભાગ અને કોષ મરી જાય છે ઉપરાંત એક અદૃશ્ય ફોર્સ તમને મૃત્યુ તરફ આકર્ષતો હોય છે. ગ્રીક ફિલસૂફ પ્લુટાર્ક એની એકની એક પુત્રીના મરણના ખબર સાંભળીને પત્નીને પત્ર લખ્યો... તું પુત્રીના શબનું જે રીતે દફન કે દહન કરવું હોય તે કરજે પણ યાદ રાખજે સંતાન આપણું રમકડું નથી એ ઈશ્વરનું સર્જન છે. એના મોતને સ્વીકારી લેવું જોઈએ. વળી, અત્યાનંદનો વ્યભિચારી દેખાવ કરીએ તે ખોટું છે, તેવું જ વધુ પડતો શોક કરવો તે ગુનો છે અને સૃષ્ટિના કર્તાનું અપમાન છે!

‘અકાળે અવસાન’ જેવો શબ્દ જ તદ્દન નક્કામો છે. કાળ આવતા મૃત્યુ થાય જ છે. સંખ્યાબંધ ચિત્રકારો, કવિઓ, લેખકો, અભિનેતા કે ખાસ અભિનેત્રીઓ, સંગીતકારો અને અતિસંવેદનશીલ લોકો જેમાં સ્વામી વિવેકાનંદ તે આપણી ભાષામાં કાચી ઉંમરે ગુજરી ગયેલા. જેને કોઈપણ સિદ્ધિ માટે કુદરત ઉંમરનું નાના કે મોટાપણું જોતી નથી તેમ મૃત્યુમાં પણ કુદરત પાકટવય કે કાચી વય જોતી નથી, અંગ્રેજીમાં આ વાક્ય તમે જાણો છો છતાં પાક્કું કરી લો.

‘ડેથ ઈઝ એન ઈન્ટિગ્રલ પાર્ટ ઑવ્ લાઈફ

ડેથ સ્ટ્રાઈક્સ ઈનડિસ્ક્રીમીનેટલી

ઈટ કેર્સ નોટ (CARES) એટ ઑલ

ફોર ધ સ્ટેટસ ઑવ્ યોર પોઝિશન!’

અર્થાત્ મૃત્યુ જીવનનો એક અતિ નિકટનો ભાગ છે. વળી મૃત્યુ તો બેફામ રીતે વર્તે છે. મૃત્યુ ગરીબ, તવંગર કે રાજા-મહારાજા કે ઊંચા મોભાના મહામાનવના મોભાનો ખ્યાલ કે દરકાર રાખતું નથી. મૃત્યુ જેને પસંદ કરે છે તેને ગમે ત્યારે કાળે-અકાળે ઉપાડી જ લે છે. આ સફર છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.