- National
- દીકરા માટે વહુ શોધવા ગયેલા પિતાની કન્યાની મા સાથે આંખ મળી ગઈ, ઘરે હોબાળો થયો, મામલો પોલીસ સ્ટેશન પહો...
દીકરા માટે વહુ શોધવા ગયેલા પિતાની કન્યાની મા સાથે આંખ મળી ગઈ, ઘરે હોબાળો થયો, મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાં, પોતાના દીકરા માટે વહુ જોવા માટે ગયેલા એક વ્યક્તિને તેની ભાવિ વહુની મા સાથે પ્રેમ થઈ ગયો. ફતેહપુરના આ વ્યક્તિની નજર લગભગ ત્રણ મહિના પહેલા તેની થનારી વહુની મા સાથે મળી ગઈ હતી, જ્યારે તે માણસની પત્નીને આ અનોખા પ્રેમ સંબંધની ખબર પડી ગઈ, ત્યારે હોબાળો થવો તો સામાન્ય હતું. મામલો મહિલા પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો, જ્યાં બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું.
ઉત્તર પ્રદેશના કૌશાંબીમાંથી એક ચોંકાવનારો અને અનોખો પ્રેમ સંબંધ સામે આવ્યો છે. પોતાના દીકરા માટે વહુ જોવા માટે ગયેલા એક વ્યક્તિને તેની ભાવિ વહુની મા સાથે ચાર આંખ થઇ ગઈ. જ્યારે પરિવારને આ અજીબ પ્રેમકથાની ખબર પડી, ત્યારે હોબાળો મચી ગયો હતો અને તેઓ મામલો ઉકેલવા માટે મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. કલાકો સુધી કરવામાં આવેલી વાટાઘાટો પછી, બંને પક્ષો આખરે સમાધાન પર પહોંચ્યા હતા.
આ વિચિત્ર પ્રેમકથા ત્યારે શરૂ થઈ, જ્યારે ફતેહપુર જિલ્લાના ખાગા પોલીસ સ્ટેશન વિસ્તારનો એક પુરુષ પોતાના દીકરાના લગ્ન માટે વહુ શોધવા માટે કૌશામ્બીના મહેવાઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં ગયો. લગભગ ત્રણ મહિના પહેલા, પોતાની વહુને જોતી વખતે, તે પુરુષની નજર તેની થનારી વહુની મા સાથે મળી. બંને વચ્ચે વાતચીત ચાલુ થઇ અને તેઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા. જેમ જેમ આ સંબંધ આગળ વધતો ગયો, તેમ તેમ તે પુરુષની પત્નીને આ અનોખા પ્રેમસંબંધની જાણ થઈ ગઈ.
પતિના આવા વર્તનથી નારાજ થયેલી પત્ની ખુબ જ ગુસ્સે થઈ ગઈ. પરિસ્થિતિ જ્યારે હદથી વધારે આગળ વધી ગઈ ત્યારે તેણે મંઝણપુર મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાં, મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નીલમ રાઘવ અને મહિલા કોન્સ્ટેબલ વિદ્યા યાદવે બંને પક્ષોને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા. ઘણા કલાકો સુધી બંને પક્ષોને સમજાવવામાં આવ્યા, ત્યાર પછી, બંને પક્ષો આખરે સમાધાન માટે સંમત થઇ ગયા.
મહિલા પોલીસ સ્ટેશનમાં થયેલા કરારના ભાગ રૂપે, એવું નક્કી કરવામાં આવ્યું કે, પુત્રના લગ્ન હવે તે ઘરમાં નહીં થાય. વધુમાં, એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, તે બંને (તે માણસ અને તેની વેવાણ) એકબીજા સાથે કોઈપણ પ્રકારના સંબંધ રાખશે નહીં. આ રીતે, એક બાજુ પુત્રના લગ્નનો સબંધ તૂટી ગયો, પરંતુ આ અનોખા પ્રેમ સંબંધ, જે ઝડપથી વધી રહ્યો હતો, તેનો પણ પોલીસ સ્ટેશનમાં અંત આવ્યો.

