- National
- સીટ બેલ્ટ ન પહેરવા બદલ આર્મીના જવાનને દંડ ફટકારી ફોટો ખેચનાર મહિલા ટ્રાફિક ઈન્સ્પેક્ટરને ફરજ પરથી હટ...
સીટ બેલ્ટ ન પહેરવા બદલ આર્મીના જવાનને દંડ ફટકારી ફોટો ખેચનાર મહિલા ટ્રાફિક ઈન્સ્પેક્ટરને ફરજ પરથી હટાવાયા
આસામમાં, માર્ગ સુરક્ષા અભિયાન દરમિયાન સીટ બેલ્ટ ન પહેરવા બદલ આર્મીના એક ડ્રાઈવરને દંડ ફટકાર્યા બાદ મોટર વ્હીકલ ઈન્સ્પેક્ટર (MVI)ને ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે, જોરહાટ જિલ્લા વહીવટીતંત્રએ ખેદ વ્યક્ત કર્યો હતો કે આ ઘટનાને કારણે આર્મીને અજણતામાં શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો છે.
આ ઘટના બુધવારે જોરહાટ શહેરમાં વ્યસ્ત AT રોડ પર, ઇન્ટર સ્ટેટ બસ ટર્મિનલ (ISBT)ની સામે બની હતી. આ સમયે 'ઝીરો-ફેટાલિટી' માર્ગ સુરક્ષા કાર્યક્રમના ભાગરૂપે એક વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઈવર લિચુબારી સ્થિત જોરહાટ મિલિટરી સ્ટેશનના 41 સબ-એરિયા સાથે સંકળાયેલા હતા અને આર્મીના અન્ય એક જુનિયર જવાન સાથે સત્તાવાર ફરજ પર હતા.
https://twitter.com/kavyasree_123/status/2123626036814385276?a=uXdIIMVelXYXN-3T7OU&s=20
જિલ્લા પરિવહન અધિકારી ધનંજય સૈકિયાએ જણાવ્યું હતું કે, MVI સમીમ સુલ્તાનાએ સીટ બેલ્ટ ન પહેરવા બદલ ડ્રાઈવરને દંડ કર્યો હતો. દંડ ફટકાર્યા બાદ, તેમણે જવાનોને આર્મી જિપ્સીની સામે ઊભા રહેવા કહ્યું અને તેમના ફોટા પણ પાડ્યા. તેમણે સ્પષ્ટ કર્યું કે ડ્રાઈવર પાસે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ ન હોવાનો કોઈ આરોપ નહોતો, અને તે બાબતે કોઈ દંડ પણ કરવામાં આવ્યો નહોતો.
તેમણે કહ્યું કે, સેનાના જવાનો સેનાના લશ્કરી ડ્રાઈવિંગ લાયસન્સનો ઉપયોગ કરીને લશ્કરી વાહનો ચલાવી શકે છે, પરંતુ તેઓ તે જ લાયસન્સનો ઉપયોગ સિવિલિયન વાહનો ચલાવવા માટે કરી શકતા નથી. સૈકિયાએ જણાવ્યું કે ડ્રાઈવરની પૂછપરછ કરતી વખતે MVIનું વર્તન યોગ્ય નહોતું; એટલે, તેમને થોડા દિવસો માટે ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં MVI સમીમ સુલ્તાના અને આર્મીના ડ્રાઈવર વચ્ચે બહેસ થતી જોવા મળે છે. જિલ્લા વહીવટીતંત્રએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પાડોશી ગોલાઘાટ જિલ્લામાં 13 નવેમ્બરે થયેલા એક અકસ્માતમાં 26 લોકોના મોત થયા બાદ, રાજ્ય સરકારે તમામ જિલ્લાઓને માર્ગ સુરક્ષા નિયમોનું કડક પાલન કરાવવા નિર્દેશ આપ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોરહાટમાં આ પ્રકારની નિયમિત તપાસ દરમિયાન, આર્મીના વાહન સાથે જોડાયેલી એક ઘટના સામે આવી હતી. કથિત રીતે ડ્રાઈવરે સીટ બેલ્ટ પહેર્યો નહોતો, જેના કારણે અજાણતા જ એક અજીબ પરિસ્થિતિ સર્જાઈ અને કેટલીક ગેરસમજ ઊભી થઈ.
વહીવટીતંત્રે સેનાના જવાનોને થયેલી અનિચ્છનીય શરમ કે અસુવિધા બદલ ખેદ વ્યક્ત કર્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમનો ઉદ્દેશ્ય સશસ્ત્ર દળોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કે તેમનું અપમાન કરવાનો બિલકુલ નહોતો. નિવેદન અનુસાર, જિલ્લા પરિવહન અધિકારી દ્વારા રજૂ કરાયેલા અહેવાલના આધારે પરિસ્થિતિની તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ, આ બાબતે ચર્ચા કરવા માટે લિચુબારી સ્થિત હેડક્વાર્ટર 41 સબ-એરિયાના જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC)ની અધ્યક્ષતામાં એક સંયુક્ત બેઠક યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન એ વાત સ્વીકારવામાં આવી કે આ ઘટનાને કારણે કેટલીક ગેરસમજો ઊભી થઈ હતી અને ખોટી માહિતી ફેલાઈ ગઇ હતી. નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, બેઠકમાં નાગરિક વહીવટીતંત્ર અને સેના વચ્ચે પરસ્પર વિશ્વાસ, સમજણ અને સંકલન જાળવી રાખવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ સેના, કટોકટી સેવાઓ અથવા એમ્બ્યુલન્સના વાહનો સાથે જોડાયેલા મામલાઓમાં સાવચેતી, સંવેદનશીલતા અને વિવેકબુદ્ધિ કામ કરે. તેમણે આવા વાહનોની વિશિષ્ટ જવાબદારીઓ તથા કાર્યકારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી જોઇએ.

