- National
- કાર ચાલકે જાણી જોઈને મહિલા બાઇકરનો પીછો કર્યો અને ટક્કર મારી, વીડિયો વાયરલ
કાર ચાલકે જાણી જોઈને મહિલા બાઇકરનો પીછો કર્યો અને ટક્કર મારી, વીડિયો વાયરલ
હરિયાણાના ગુરુગ્રામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રવિવારે સવારે ગોલ્ફ કોર્સ રોડ પર રોડ રેજનો મામલો સામે આવ્યો. એક કાર ચાલકે એક મહિલા બાઇકરનો પીછો કરીને તેને ટક્કર મારી. મહિલા રસ્તા પર ઘણા ફૂટ સુધી ઘસડાઈ અને તેને ઇજાઓ પહોંચી. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ ગુરુગ્રામ પોલીસે ઘટનાની નોંધ લીધી. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાનું ચોક્કસ સ્થાન અને વિગતો વીડિયો દ્વારા ચકાસવામાં આવી રહ્યું છે.
પીડિતાની ઓળખ સિયા તરીકે થઈ છે, જેણે સોશિયલ મીડિયા પર પોતાનો આ વીડિયો શેર કર્યો હતો. તે અલગ અલગ બાઇક પર મિત્રોના જૂથ સાથે તેની સ્પોર્ટ્સ બાઇક ચલાવી રહી હતી. સિયાના જણાવ્યા અનુસાર, ગોલ્ફ કોર્સ રોડ પર એક સફેદ સેડાન તેની ખૂબ નજીક આવી, અને ડ્રાઇવરે તેમને રોકવાનો સંકેત આપ્યો. તેણે ડ્રાઇવરને અંતર રાખીને ગાડી ચલાવવાનું કહ્યું. પરંતુ એવો આરોપ છે કે ત્યાર પછી કાર ચાલક પછી તેનો પીછો કરવા લાગ્યો અને વારંવાર તેને રોકવાનો સંકેત આપ્યો.
સિયાએ વીડિયોમાં આરોપ લગાવ્યો છે કે, કારમાં સવાર લોકો નશામાં હતા. તેણે કહ્યું કે તેણે કારથી અંતર જાળવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. તેના એક મિત્રએ પણ કારને રોકવાનો અથવા તેની બાઇકથી તેને બચાવવાનો પ્રયાસ કર્યો જેથી તે તેની નજીક ન આવે. સિયાના જણાવ્યા અનુસાર, કારે તેની બાઇકને ટક્કર મારી. સંતુલન ગુમાવ્યા પછી, તે રસ્તા પર પડી ગઈ અને ઘણા ફૂટ સુધી ઘસડાઈ ગઈ, જ્યારે તેની બાઇક બીજી દિશામાં આગળ વધી ગઈ.
https://www.instagram.com/reel/DdPTUQ9sGZB/
તેના અને તેના મિત્રોની બાઇક પરના કેમેરાએ સમગ્ર ઘટના રેકોર્ડ કરી. વીડિયોમાં મહિલા રસ્તા પર પડી અને ઘસડાઈ ગઈ હતી, તેની બાઇક વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. સિયાના એક મિત્રએ ટ્રાફિક સિગ્નલ પર કાર રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ડ્રાઇવર કથિત રીતે ભાગી ગયો હતો. સિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કારનો નોંધણી નંબર પણ શેર કર્યો હતો. તેણે કહ્યું કે આ ઘટના પછી, તે ગુરુગ્રામના રસ્તાઓ પર અસુરક્ષિત અનુભવી રહી છે.
આ દરમિયાન, ગુરુગ્રામ પોલીસ જનસંપર્ક અધિકારી સંદીપ તુરાને જણાવ્યું હતું કે, પોલીસને ઘટના વિશે માહિતી મળી છે અને તે આ બાબતની તપાસ કરી રહી છે. મીડિયા સૂત્રોના રિપોર્ટ અનુસાર, અધિકારીએ જણાવ્યું હતું કે, વીડિયોનો ઉપયોગ કરીને ગોલ્ફ કોર્સ રોડ પર થયેલા અકસ્માતનું સ્થળ ચકાસવામાં આવી રહ્યું છે, જેથી સંબંધિત પોલીસ સ્ટેશન ઓળખી શકાય અને જરૂરી કાનૂની કાર્યવાહી કરી શકાય. પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત પછી પીડિતાએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી ન હતી કે ન તો તેમને લેખિત ફરિયાદ મળી હતી. પોલીસ હવે પીડિતાનો સંપર્ક કરશે અને લેખિત ફરિયાદ મેળવવાનો પ્રયાસ કરશે, જેના આધારે FIR દાખલ કરી શકાય અને આરોપી કાર ચાલકની ધરપકડ કરી શકાય.

