- National
- 10 લાખની લાંચ લેતા IAS અધિકારીની ધરપકડ, ઘરમાં તેનાથી પણ મોટી રકમ મળી આવી!
10 લાખની લાંચ લેતા IAS અધિકારીની ધરપકડ, ઘરમાં તેનાથી પણ મોટી રકમ મળી આવી!

ઓડિશામાં એક IAS અધિકારી 10 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે. એટલું જ નહીં, જ્યારે અધિકારીઓએ તેમના સરકારી નિવાસસ્થાનની તપાસ કરી ત્યારે ત્યાંથી 47 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા. ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટે આ માહિતી આપી.
મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 2021 બેચના IAS ધીમન ચકમા (36) કાલાહાંડી જિલ્લાના ધરમગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, IASએ એક વેપારી પાસેથી 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પ્રથમ હપ્તા તરીકે, તેમણે કથિત રીતે 10 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

વેપારીએ દાવો કર્યો હતો કે જો તેમણે પૈસા નહીં ચૂકવ્યા તો તેમને કાર્યવાહીની ધમકી આપવામાં આવી હતી. ત્યાર પછી વેપારીએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ફરિયાદ નોંધાવી. અહેવાલ મુજબ, વિજિલન્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 'આરોપી IAS અધિકારીએ ઉદ્યોગપતિને ધર્મગઢ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને બોલાવ્યો હતો. તેણે લાંચની રકમ લીધી અને બંને હાથે નોટોના બંડલ તપાસ્યા હતા. આ પછી, તેણે આ રોકડ ઓફિસ ટેબલના ડ્રોઅરમાં રાખી હતી. હેન્ડ વોશ અને ટેબલના ડ્રોઅરને ધોવાથી રાસાયણિક પ્રતિક્રિયા થઈ અને આરોપી રંગેહાથ પકડાઈ ગયો.’
https://twitter.com/OdishaVigilance/status/1931777926703497450
ઓડિશા વિજિલન્સે જણાવ્યું હતું કે IASના નિવાસસ્થાને કરવામાં આવેલી શોધ દરમિયાન 47 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. તેમણે આનો એક વીડિયો પણ બહાર પાડ્યો છે, જેમાં રિકવર કરાયેલી રોકડ દેખાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વધુ શોધ ચાલુ છે.

2021 બેચના IAS ધીમન ચકમા (36) કાલાહાંડી જિલ્લાના ધરમગઢમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પોસ્ટેડ છે. તે ત્રિપુરાના કંચનપુરનો વતની છે. ચકમા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT), અગરતલાના કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક છે. ભારતીય વહીવટી સેવા (IAS)માં જોડાતા પહેલા, તે ઓડિશાના મયુરભંજમાં ભારતીય વન સેવા (IFS) અધિકારી તરીકે પોસ્ટેડ હતા.
ચકમા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડથી ઓડિશાના અમલદારશાહીમાં ખળભળાટ મચી ગયો છે અને આ ઘટના અંગે લોકોમાં રોષ છે.

આ ઘટના દર્શાવે છે કે વ્યક્તિ ગમે તેટલો ઉચ્ચ હોદ્દો ધરાવે, ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તકેદારી વિભાગની તત્પરતાની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.