- Gujarat
- અમદાવાદના ટોયોટા શોરૂમમાં 9.71 કરોડનું કૌભાંડ: જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
અમદાવાદના ટોયોટા શોરૂમમાં 9.71 કરોડનું કૌભાંડ: જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરની ધરપકડ
અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં આવેલા ડી.જે. ટોયોટા કાર શોરૂમમાં મોટું નાણાકીય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. શોરૂમના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજરે ભેગા મળીને 68 ગાડીઓના ખરીદ-વેચાણમાં ₹9.71 કરોડની છેતરપિંડી કરી છે. આ મામલે સોલા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી ચિરાગ દત્ત ઓનલાઈન ગેમિંગમાં મોટી રકમ હારી જતાં તેણે આ કૌભાંડ આચર્યું હતું.
કૌભાંડની વિગતો
કારગીલ ચાર રસ્તા પાસે આવેલા ડી.જે. ઓટો હાઉસમાં જૂની ગાડીઓના ખરીદ-વેચાણ માટેના 'યુ ટ્રસ્ટ વિભાગ'માં સમીર શર્મા જનરલ મેનેજર તરીકે અને ચિરાગ દત્ત આસિસ્ટન્ટ મેનેજર તરીકે કાર્યરત હતા. તેઓનું કામ ગ્રાહકો પાસેથી જૂની કાર ખરીદવાનું, તેની કિંમત નક્કી કરવાનું અને તેને આગળ વેચવાનું હતું, જેના બદલામાં તેમને કમિશન મળતું હતું.
ગત 23 જુલાઈએ કંપનીએ ઓડિટ હાથ ધરતા આ કૌભાંડ બહાર આવ્યું. ઓડિટમાં 53 ખરીદેલી ગાડીઓનો હિસાબ મળ્યો નહોતો અને અન્ય 15 ગાડીઓના 'યુ ટ્રસ્ટ'ના દસ્તાવેજોમાં ઉલ્લેખ હોવા છતાં તેની રકમ કંપનીમાં જમા થઈ નહોતી.
કેવી રીતે આચર્યું કૌભાંડ?
પોલીસ તપાસમાં સામે આવ્યું કે બંને આરોપીઓએ અલગ-અલગ ગ્રાહકો પાસેથી મેળવેલી કુલ 68 ગાડીઓ કંપનીની જાણ બહાર અન્ય ડીલરો અને વ્યક્તિઓને વેચી દીધી હતી. આ ગાડીઓના વેચાણથી મળેલી ₹9.71 કરોડની રકમ તેમણે ગ્રાહકો કે કંપનીને ચૂકવી નહોતી, જેના કારણે કંપનીને મોટું નુકસાન થયું હતું.
આ મામલે શોરૂમના માલિકે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે બંને આરોપીઓ સમીર શર્મા અને ચિરાગ દત્તની ધરપકડ કરી છે અને કૌભાંડના અન્ય પાસાઓની તપાસ કરી રહી છે.

