- Gujarat
- લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે
લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે
અમદાવાદ શહેરની એક ગંભીર સમસ્યા રખડતા કુતરાઓનો છે. જાહેર માર્ગો, બસ સ્ટેશનો, અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના મોટા ટોળાંની હાજરીથી શહેરીજનોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ એક મોટું જોખમ છે. તાજેતરમાં કૂતરા કરડવાની કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનું દબાણ વધ્યું હતું. ત્યારે અમદાવાદમાં હવે શેરીઓમાં રખડતા કુતરાને પણ પાલતુ કુતરાની જેમ ગળે પટ્ટા બાંધવામાં આવી રહ્યા છે.
જંગલમાં રખડતા સિંહોની જેમ આ પટ્ટાના ઓળખ નંબરની જગ્યાએ કોલર ટ્રેકર લાગ પણ શકે છે. માણસોના યુનિક ID, આધાર નંબર, પાન નંબર અને ઈલેક્શન નંબર જેવી અનેક નોંધણી અને નંબરોની પળોજણ હવે શેરીમાં રખડતા કુતરાને પણ લાગૂ પડતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં શેરી કુતરાને ચોક્કસ નંબર અને વિસ્તાર સહિતના પટ્ટા પહેરાવવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ પ્રશંસનીય કામ છે. મૂંગા પશુઓની સુરક્ષા અને ઓળખ માટે તંત્ર આટલું વિચારીને પૈસા ખર્ચે છે.
અમદાવાદમાં જાન્યુઆરી-2026થી શહેરના તમામ 48 વોર્ડમાં રખડતા કુતરાઓનેને લઈને સરવે હાથ ધરવામાં આવશે. એક અંદાજ મુજબ શહેરમાં 1.50 લાખથી વધુ રખડતા કરતા છે. 6 મહિનામાં આ રખડતા કુતરાઓના સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNCD વિભાગ દ્વારા 48 વોર્ડના વિવિધ વિસ્તારમાં રખડતા કુતરાઓના સરવે માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે.
29 ડિસેમ્બર-2025 સુધીમાં સરવેની કામગીરી કરવા ઈચ્છતી એજન્સીએ બીડ સબમિશન કરવાનું રહેશે. ત્યાર બાદ ટેક્નિકલ અને ફાયનાન્શિયલ ઈવેલ્યુએશન કરવામા આવશે. જે એજન્સીને રખડતા કુતરાના સરવેની કામગીરી સોંપાશે તેણે સ્ટરીલાઇઝ કરેલા અને સ્ટરીલાઇઝ નહીં કરેલા નર અને માદા રખડતા કુતરાની સાથે બીમાર રખડતા કુતરાનો પણ સરવેમાં સમાવેશ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાની ઘટનાઓ બનવાને કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMC હવે આ જોખમને નિયંત્રિત કરવા માટે સક્રિય થઈ ગયું છે AMCએ શહેરના રહેવાસીઓને સહયોગ આપવા માટે અપીલ કરી છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ પણ વિસ્તારમાં રખડતા કૂતરાઓ મોટા પ્રમાણમાં એકઠા થતા જણાય, તો તાત્કાલિક 155303 નંબર પર જાણ કરવી, જેથી સમયસર પગલાં લઈ શકાય.

