- World
- ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં
28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ ઘટના પછી ઈરાનમાં 40 દિવસના શોકની જાહેરાત કરવામાં આવી. ઈરાને બદલો લેવાની શરૂઆત કરી. સૌથી મોટું પગલું છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને. ઈરાનના ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ વેપારી જહાજોને VHF રેડિયો પર સંદેશો મોકલીને કહ્યું છે કે “સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી કોઈ પણ જહાજ પસાર થઈ શકે નહીં.” આનાથી ત્યાંના શિપિંગ ટ્રાફિકમાં 70 ટકા ઘટાડો થયો છે. ઘણી તેલ ટેન્કર કંપનીઓએ જહાજોને અન્ય માર્ગે વાળી દીધા છે. એક ટેન્કર પર હુમલો થતાં તે ડૂબવાની કગાર પર છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ શું છે અને તેની બ્લોકેજ કેમ આટલી મોટી ખબર છે?
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર્સિયન ગલ્ફને અરબી સમુદ્ર સાથે જોડતો એક સાંકડો સમુદ્રી માર્ગ છે. તેનો સૌથી સાંકડો ભાગ માત્ર 34 કિલોમીટર (21 માઈલ) પહોળો છે. વિશ્વના લગભગ 20 ટકા ક્રૂડ તેલ અને મોટા ભાગના પ્રવાહી કુદરતી ગેસ (LNG)નું પરિવહન આ રસ્તે થાય છે. રોજના આશરે 2 કરોડ બેરલ તેલ આ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, UAE, કતાર, કુવૈત, ઈરાક અને ઈરાનના મોટા ભાગના તેલની નિકાસ આ જ માર્ગે થાય છે. જો આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક તેલ પુરવઠામાં નોંધનીય ઘટાડો આવી શકે છે. ભારત માટે પણ આ ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે 85 ટકા તેલની આયાત વિદેશથી કરીએ છીએ અને મોટો ભાગ મધ્ય પૂર્વમાંથી આવે છે. ભારતનું 50 ટકા ક્રૂડ અને 85 ટકા એલપીજી આ માર્ગે આવે છે.
સ્ટ્રેટ બ્લોક થતા ગ્લોબલ સપ્લાય ચેઈન પર શું અસર?
તેલ અને ગેસના જહાજો અટકી જાય. વૈકલ્પિક માર્ગ આફ્રિકાની આસપાસ (કેપ ઓફ ગુડ હોપ) લેવો પડે છે જે 10થી 15 દિવસ વધારે લાગે છે અને ખર્ચ બમણો થાય છે. આનાથી પેટ્રોલ, ડીઝલ, વિમાની ઈંધણ, પ્લાસ્ટિક, રસાયણો અને અન્ય ઉત્પાદનોના ભાવ વધવાની શક્યતા છે. ફેક્ટરીઓમાં ઉત્પાદન ખર્ચ વધે, માલસામાનનું પરિવહન મોંઘું થાય. વિશ્વભરમાં મોંઘવારી વધે અને અર્થતંત્ર મંદી તરફ જઈ શકે . ચીન, જાપાન, યુરોપ અને ભારત જેવા મોટા આયાતકાર દેશોને સૌથી વધુ અસર પડે. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાથી દૈનિક જીવન અને ટ્રાન્સપોર્ટ પર મોટી અસર પડે. ઉદ્યોગોમાં કાચા માલની અછત થાય અને નિકાસ પણ પ્રભાવિત થાય.
તેલના ભાવ પર અસર: હાલમાં તેલના ભાવ આસપાસ 70 / 80 ડોલર પ્રતિ બેરલ છે પરંતુ બ્લોકેજની ધમકીથી તે 100થી 150 ડોલર સુધી પહોંચી શકે છે. વિશ્લેષકો મોટા વધારાની આગાહી કરી રહ્યા છે. આનાથી વૈશ્વિક મોંઘવારી વધશે અને સ્ટોક માર્કેટ પણ પ્રભાવિત થશે. ભારતમાં પેટ્રોલના ભાવ 100 / 120 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે જે સામાન્ય નાગરિકના ખિસ્સા પર ભારે બોજ બનશે.
ઈરાન પાસે બ્લોક કરવાના કયા રસ્તા છે?
ઈરાન પાસે યુદ્ધના અસરકારક હથિયાર છે. તેઓ સમુદ્રમાં માઈન્સ (સ્ફોટકો) બિછાવી શકે છે, કિનારેથી એન્ટી-શિપ મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કરી શકે છે. ઝડપી હુમલાખોર નાની બોટ્સના જૂથ (swarm attack) વડે જહાજોને ઘેરી લેવું અથવા આત્મઘાતી હુમલા કરવા. તેમની પાસે સબમરીન પણ છે જે છુપાઈને હુમલો કરી શકે. વર્ષોથી તેઓ આની તાલીમ લઈ રહ્યા છે. અમેરિકાની નેવી તેને ફરી ખોલવાની ક્ષમતા ધરાવે છે પરંતુ થોડા દિવસોનું વિક્ષેપ પણ વિશ્વને મોંઘું પડશે.
હાલની સ્થિતિમાં અમેરિકા ઈઝરાયેલે હુમલા ચાલુ રાખ્યા છે અને ઈરાને બદલો લઈ રહ્યું છે. વિશ્વના નેતાઓ આ સ્થિતિને ગંભીરતાથી લઈ રહ્યા છે. જો સ્થિતિ વધુ વણસી તો વૈશ્વિક અર્થતંત્રને મોટું નુકસાન થઈ શકે છે. ભારત સરકારે પણ તેલના વૈકલ્પિક સ્ત્રોતો અને સ્ટોકપાઈલિંગ વધારવા પર ધ્યાન આપવાનું શરૂ કરવું જોઈશે.

