- Gujarat
- અમદાવાદમાં SIR-2025ને વેગ: કલેક્ટર દ્વારા 3,000 વધારાના કર્મચારીઓની નિમણૂક
અમદાવાદમાં SIR-2025ને વેગ: કલેક્ટર દ્વારા 3,000 વધારાના કર્મચારીઓની નિમણૂક
અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2025)ને વધુ ઝડપ અને કાર્યક્ષમતા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર સુજીત કુમારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. 21 વિધાનસભા વિસ્તારોમાં કાર્યરત BLO (બૂથ લેવલ ઓફિસર્સ) પરનો કામનો ભાર ઘટાડીને પ્રક્રિયાને ત્વરિત બનાવવાના ઉદ્દેશથી વિવિધ શાસકીય વિભાગોમાંથી અંદાજે 3,000 સહાયક કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ સહાયક સ્ટાફ મુખ્યત્વે ફિલ્ડમાં ભરાયેલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન અને અપલોડિંગ કામગીરી સંભાળશે.
BLO અને સુપરવાઈઝર્સને મળશે ટેક્નિકલ સહાય
જિલ્લામાં કુલ 5,524 BLO અને 591 સુપરવાઈઝર્સ કાર્યરત છે. તેમને ડિજિટલ સપોર્ટ આપવા માટે 3,000 વધારાના કર્મચારીઓને 'સ્વયંસેવક' રૂપે જોડવામાં આવ્યા છે. આ કર્મચારીઓ એન્યુમરેશન ફોર્મ્સને કોમ્પ્યુટર સિસ્ટમમાં એન્ટ્રી અને અપલોડ કરવામાં મદદ કરશે, જેથી ડેટામાં ચોકસાઈ અને ભૂલરહિત પ્રક્રિયા જાળવી શકાય.
62.59 લાખ મતદારો: SIR પ્રક્રિયાનો મોટો પડકાર
27 ઓક્ટોબરથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં શરૂ કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનમાં અમદાવાદ જિલ્લાની ભૂમિકા વિશેષ છે. અહીં મતદારોની સંખ્યા 62.59 લાખથી વધુ છે. આટલા મોટા પ્રમાણમાં મતદારોના વિગતોની તપાસ અને ડિજિટાઇઝેશન કરવું પડકારજનક હોવાથી વધારાના માનવબળને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સંપુર્ણ પ્રક્રિયા ઝડપી, સુવ્યવસ્થિત અને અસરકારક બને.
કયા વિભાગોમાંથી મેળવાયું માનવબળ?
આ રાષ્ટ્રીય મહત્વની કામગીરીમાં જિલ્લાનાં અનેક વિભાગોનો સહકાર મેળવાયો છે, જેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), જિલ્લા શિક્ષણાધિકારી કચેરી (ગ્રામ્ય), મહિલા અને બાળ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય શાખા અને નગરપાલિકા વિભાગ, UGVCL, નાયબ શ્રમ આયુક્ત કચેરી, મદદનીશ નિયંત્રક કાનૂની માપવિજ્ઞાન (અમદાવાદ–ગાંધીનગર). આ તમામ વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાયેલા કર્મચારીઓ મતદાર યાદી સુધારણા પ્રક્રિયાને સમયસર પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
નાગરિકોને સહકાર આપવા અનુરોધ
જિલ્લા ચૂંટણી અધિકારી સુજીત કુમારે અમદાવાદ શહેર અને જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે કે BLO અથવા સરકારી કર્મચારીઓ ઘરે આવે ત્યારે સાચી માહિતી પ્રદાન કરીને સંપૂર્ણ સહયોગ કરે, જેથી સચોટ, પારદર્શક અને અપડેટેડ મતદાર યાદી તૈયાર કરી શકાય.

