- Gujarat
- અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ
અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ બંધ કરવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે અને ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. AMCએ બ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી માટે 4 ડિસેમ્બરથી 5 દિવસ માટે જાહેર જનતાની અવરજવર માટે બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, બ્રિજના બંને તરફનો ભાગ મધ્ય ભાગમાંથી બેસી ગયો છે. એક સ્પાનનો ભાગ બેસી ગયો હોય તેવું હાલ પૂરતું જણાય છે. બ્રિજ પ્રોજેક્ટ વિભાગની ટીમ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે.
અમદાવાદના સુભાષ બ્રિજ પરથી રોજના લગભગ 1 લાખથી વધારે વાહનો પસાર થતા હોય છે, ત્યારે હાલ બ્રિજને બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુભાષ બ્રિજને અમદાવાદ શહેરનો પ્રવેશ દ્વારા પણ કહેવામાં આવે છે. શહેરના કોટ વિસ્તાર અને જૂના અમદાવાદમાં જવા માટે સુભાષ બ્રિજ થઈને જવું પડે છે, ત્યારે સાબરમતી અને અખબારનગર થઈને આવતા વાહનચાલકોએ હવે વ્યાસવાડી અને ગાંધી આશ્રમના નવા રોડ પર થઈને આશ્રમ રોડ, વાડજ, દધીચિ બ્રિજ થઈને શાહીબાગ તેમજ દિલ્હી દરવાજા જઈ શકશે.
સુભાષબ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવતા સાંજના સમયે વાડજથી સુભાષબ્રિજ તરફ જતા અને શાહીબાગ ડફનાળાથી સુભાષબ્રિજ તરફ જતા રસ્તાઓ ઉપર ટ્રાફિક જામમાં વાહન ચાલકો અટવાતા જોવા મળતા હતા. સુભાષબ્રિજ એકાએક બંધ કરવાથી સ્થળ પર ભારે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો. બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનચાલકો અવરજવર કરતાં હોય છે. જે અંગે વૈકલ્પિક રૂટ પણ આપવામાં આવ્યા છે.
પશ્ચિમ ઝોનમાં સાબરમતી નદી ઉપર આવેલા સુભાષબ્રિજના ડિટેઇલ ઇન્સ્પેક્શનની કામગીરી કરવા માટે 04.12.2025 થી પાંચ દિવસ સુધી સુભાષબ્રિજ જાહેર જનતા માટે અવરજવર કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને વધુ સાવચેતીના ભાગરૂપે પૂર્વ અને પશ્ચિમ બાજુએ સુભાષબ્રિજ નીચેનો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ તેમજ પૂર્વ બાજુએ સુભાષબ્રિજ નીચેનો મુખ્ય રોડ નારાયણ ઘાટથી સુભાષબ્રિજ ગાર્ડન ગેટ નં-1 સુધીનો રિવરફ્રન્ટનો રોડ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી વૈકલ્પિક રોડ માટે સુભાષબ્રિજ ગેટ નંબર-1થી પોલીસ ચોકી તરફના રોડનો ઉપયોગ કરવો. અન્ય સૂચના આપવામાં આવે નહીં ત્યાં સુધી આ મુજબ વ્યવસ્થા રહેશે.
AMCના સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે બપોરે નોર્મલ એક સેટલમેન્ટ જેવી માહિતી મળી હતી. જેના આધારે અમે ઇન્સ્પેક્શન કર્યું હતું. અમારી એક્સપર્ટની ટીમ સાથે અહીં આવ્યા હતા અને પ્રિકોશનના ભાગ રૂપે અત્યારે મેન્ટેનન્સ માટે થઈને બ્રિજ બંધ કર્યો છે. ડિટેઈલ ઇન્સ્પેક્શન કર્યા બાદ એસએસ કરી કેવી રીતે આગળ શું કરવું તે કાર્યવાહી કરીશું. દરેક બ્રિજનું અમે ઇન્સ્પેક્શન કરતા જ હોઈએ છીએ અને તેના મેન્ટેનન્સનું પણ કામ કરતા હોઇએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ બ્રિજમાં પણ બેરિંગની કામગીરી ભૂતકાળમાં કરી હતી અને રૂટિન બાગ રૂપે બ્રિજનું ઇન્સ્પેક્શન થયું છે. આજે જે થોડું મળ્યું છે એના આધારે અમે ચેક કરીશું. આ બ્રિજનું દોઢ વર્ષ પહેલાં જ મેન્ટેનન્સ થઈ ગયું છે.
સુભાષબ્રિજની ઘટના મામલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આજે માહિતી આપતા જણાવ્યું છે કે, બ્રિજની મજબૂતાઈ ચકાસવામાં આવે છે. તે દરમિયાન તેના સ્પાનમાં ખામી જોવા મળી, વાઇબ્રેશન આવ્યા અને તિરાડ પણ જોવા મળી છે. જેના અનુસંધાને કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે ગુરુવારથી પાંચ દિવસ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજની ચકાસણી થશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ તે કેટલા સમય માટે બંધ રાખવામાં આવશે તે નક્કી કરવામાં આવશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે, દરેક બ્રિજનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરવામાં આવતું હોય છે. આ દરમિયાન તેમાં ખામી જોવા મળી છે એટલે તેને હાલ પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ટ્રાફિક વિભાગે પોલીસ કમિશનરને 150 પોલીસકર્મીઓની હંગામી ધોરણે ફાળવવાની માગણી કરી છે. જેમાં અગાઉ ટ્રાફિકમાં નોકરી કરી ચૂકેલા અને ભૌગોલિક સ્થિતિથી જાણકાર હોય તેવા પોલીસકર્મીઓ અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોય ત્યાંથી તાત્કાલિક છૂટા કરીને ટ્રાફિકમાં હાજર થવા આદેશ આપવાની રજૂઆત કરી છે. બીજી તરફ, અમદાવાદ ટ્રાફિક વિભાગે 15 જેટલા ટ્રાફિક પોઇન્ટ પર 3 શિફ્ટમાં પોલીસકર્મીઓને નોકરી કરવા આદેશ કર્યો છે.
વૈક્લિપક રૂટની વાત કરીએ તો ચાંદખેડા, સાબરમતી તરફથી આવતા વાહનો ચિમનભાઈ પટેલ બ્રિજ ઉતરી પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ થઈ નવા બનેલ રોડ ઉપરથી વાડજ બ્રિજ ઉપર થઈને દિલ્હી સર્કલથી દધિચી દરવાજા, શાહીબાગ, સિવિલ તરફ જઈ શકાશે. સાબરમતી, ચાંદખેડા તરફથી આવતા વાહનો કે જેઓને સિવિલ તરફ જવું હોય તેઓ ભાટ-કોટેશ્વર રોડ થઈ ઇન્દિરાબ્રિજ થઈને એરપોર્ટ રોડ થઈ સિવિલ હોસ્પિટલ તરફ જઈ શકશે. શાહીબાગ તરફથી જેઓને સુભાષબ્રિજ તરફ જવું છે તે વાહન ચાલકો, શાહીબાગ અંડરબ્રિજ સર્કલથી કે શાહીબાગ રેલવે બ્રિજ ઉપરથી નમસ્તે સર્કલથી કેન્દ્રીય વિદ્યાલય કટથી દેવજીપુરા થઈ મેલડી માતા સર્કલ થઈ દધિચી બ્રિજ થઈ વાડજ સર્કલ થઈ રાણીપ ડી-માર્ટ તરફ અવરજવર કરી શકશે.

