- Gujarat
- રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ
શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ કરીને નકલી આધાર સુધારાઓ કરાવનારા એક ગેરકાયદેસર જૂથનો પર્દાફાશ કર્યો છે. આ મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 58 જેટલા બોગસ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાન્ચે રવિ ધધાણીયા (ઉ.વ.26), હરેશ સાકરીયા (ઉ.વ.44), બીપીન ઉર્ફે વિશાલ ચોવટીયા (ઉ.વ.36), જુગેશ બેસરા (ઉ.વ.32), સાર્થક બોરડ (ઉ.વ.29) અને ધનપાલ બોરીચા (ઉ.વ.28) સામે કાર્યવાહી કરી છે.
કોઈપણ અધિકૃત દસ્તાવેજ વગર આધાર સુધારાઓ કરાવતા હતા
આરોપીઓએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું કે તેઓ આધાર કાર્ડ સુધારવા ઇચ્છતા તેવા લોકોને સેવાઓ આપતા હતા, જેમની પાસે જરૂરી પ્રમાણપત્રો ન હતા. તેવા અરજદારોના પાન કાર્ડ, જન્મપ્રમાણપત્ર, લગ્નનો દાખલો અથવા સરકારી ગેઝેટ જેવા દસ્તાવેજોમાં સોફ્ટવેરની મદદથી ફેરફાર કરીને નવા દસ્તાવેજો બનાવાતા હતા અને આધાર વેબસાઈટ પર અપલોડ કરાતા હતા.
એડિટિંગમાં ઉપયોગ થતા સોફ્ટવેર: પેન્ટ અને આધાર મેજિક
જાણકારી પ્રમાણે, શિવમ ઇન્ફોટેક નામના જન સુવિધા કેન્દ્રમાં આ કામગીરી ચાલતી હતી. બીપીન અને જુગેશ જેવા આરોપીઓ દસ્તાવેજો સ્કેન કરી જરૂરી ફેરફાર પેન્ટ અને આધાર મેજિક જેવા સોફ્ટવેરની મદદથી કરતા હતા. ત્યારબાદ એડિટ કરાયેલા દસ્તાવેજો રવિ ધધાણીયાને મોકલાતા, જે તેની પાસે રહેલા યુઝર રાઈટ્સથી આધાર કાર્ડ વેબસાઈટ પર અપલોડ કરતો હતો.તો રવિ અને હરેશ આવા ગ્રાહકોને શોધી લાવતા હતા.
જન સુવિધા કેન્દ્ર ચલાવવા પરમિશન મેળવેલી હતી
સાર્થક અને ધનપાલે બ્રહ્મસમાજ ચોક, રૈયા રોડ ખાતે જન સુવિધા કેન્દ્ર શરૂ કરવા માટે અધિકૃત પરમિશન મેળવેલી હતી. ત્યાં છેલ્લા દોઢ વર્ષથી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું હતું.
અન્ય જિલ્લામાંથી પણ આવતાં હતા ગ્રાહકો
શહેર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ગ્રાહકો આધાર સુધારવા આવતા હતા. તેઓ પાસેથી રૂ. 500થી 700 સુધીની રકમ વસુલવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી કમ્પ્યુટર, પ્રિન્ટર સહિતના સાધનો અને 58 બોગસ દસ્તાવેજ પણ કબજે કર્યા છે.
અગાઉ વધુ આરોપીઓ હોવાની શક્યતા
ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે સમગ્ર ઘટનાને લઈને BNSની કલમો 336(2), 337, 339, 340, 54 અને 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છ આરોપી અને અન્ય વ્યક્તિઓ પણ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકા સામે વધુ પૂછપરછ ચાલી રહી છે.

