- National
- એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!
એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!
મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસની બહાર પડેલું અખબાર ચોરી કરીને લઇ ગયો. આ સમગ્ર ઘટના ત્યાંના CCTVમાં કેદ થઈ ગઈ, ત્યારપછી વકીલે ચોરીની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી.
આ ઘટના શિવપુરીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની, જ્યાં એક વ્યક્તિએ મહારાણા પ્રતાપ કોલોનીમાં એડવોકેટ સંજીવ બિલગૈયાના વકીલની ઓફિસની બહારથી અખબાર ચોરી કરી લીધું.
બુધવારે સવારે લગભગ 10 વાગ્યે, એડવોકેટ સંજીવ બિલગૈયા તેમના સાથી એડવોકેટ ગજેન્દ્ર યાદવ સાથે કોઈ કાનૂની મુદ્દા પર ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે એક મારુતિ ડિઝાયર કાર (નંબર MP07 CE 6239) તેમની ચેમ્બરની બહાર આવી. એક યુવાન કારમાંથી ઉતર્યો, રેલિંગ પરથી અખબાર ઉપાડ્યું, કારમાં પાછો બેઠો અને ત્યાંથી નીકળી ગયો.
એડવોકેટ બિલગય્યાએ જણાવ્યું કે, જ્યારે તેઓ બહાર આવ્યા અને તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો અને અખબાર લેવાનું કારણ પૂછ્યું, ત્યારે તેણે જવાબ આપ્યા વિના કાર ચાલુ કરી અને ઝડપથી ભાગી ગયો. એડવોકેટે ચિંતા વ્યક્ત કરી કે, તે વ્યક્તિ ભવિષ્યમાં કોઈ પ્રકારનો અકસ્માત કે દુર્ઘટના સર્જી શકે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અખબાર ચોરીની આ ઘટના દેશમાં આવી પહેલી ઘટના છે.
વકીલે તાત્કાલિક આ ઘટનાની જાણ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કરી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી. તેમણે પુરાવા તરીકે પોતાની ઓફિસની બહારના CCTV ફૂટેજ પોલીસને બતાવ્યા, જેમાં યુવાન અખબાર ચોરી કરતો જોઈ શકાય છે.
જોકે, મામલો વધુ આગળ વધે તે પહેલાં, યુવકે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી. એડવોકેટ સંજીવે સમજાવ્યું કે આ કોઈ મોટી ચોરી નથી, પરંતુ આવા કેસોને હળવાશથી ન લેવા જોઈએ. તેમણે જણાવ્યું કે, જ્યારે આરોપીને ખબર પડી કે, ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે અને ફરિયાદ નોંધાઈ છે, ત્યારે તેણે પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી.

