- Opinion
- બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
(ઉત્કર્ષ પટેલ)
અમદાવાદના ગોતા વિસ્તારની ભૂમિનું વ્યક્તિત્વ એવા બીપીનભાઈ નારણભાઈ પટેલ એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સામાજિક કાર્ય અને રાજકીય ક્ષેત્રમાં સંતુલિત યોગદાન આપીને ગુજરાતના વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેઓ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહકારી સેલના સંયોજક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ના ઉપાધ્યક્ષ, સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન (સી.ડબ્લ્યુ.સી.) ન્યૂ દિલ્હીના નિયામક તથા માનવ સંસાધન વિભાગના અધ્યક્ષ, અમદાવાદ જિલ્લા સહકારી બેંક, ગુજરાત સ્ટેટ સહકારી બેંક અને અમદાવાદ કૃષિ ઉત્પાદન વેપાર સમિતિના નિયામક તરીકે કાર્યરત છે. વળી રાજપથ ક્લબના ઉપપ્રમુખ અને પ્રસંગ પ્રેસિડેન્સીના સંચાલક તરીકે પણ તેઓ જવાબદારીઓ નિભાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદર્શોમાંથી પ્રેરણા મેળવીને તેઓ રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રે સતત સક્રિય રહ્યા છે.

બીપીનભાઈનું પ્રારંભિક જીવન ગ્રામીણ વાતાવરણમાં વીત્યું. યુવાન વયે જ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને કાર્યકર્તા તરીકે સક્રિય થયા. 1990માં સરખેજ વિધાનસભા ચૂંટણીમાં 18 ગામોના પ્રચારનું કાર્ય તેમણે સંભાળ્યું હતું. 1991માં લાલકૃષ્ણ અડવાણીની સંસદીય ચૂંટણીમાં સરખેજ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે તેમણે જવાબદારી નિભાવી. 1994-95માં અમદાવાદ જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીમાં ગોતા વિસ્તારને કેન્દ્રમાં રાખીને કાર્ય કર્યું. આ પ્રારંભિક અનુભવોએ તેમના જીવનમાં જનસેવાનો મજબૂત પાયો આપ્યો અને પાર્ટીના આદર્શો પ્રત્યે અડગ શ્રદ્ધા વિકસાવી.
વ્યવસાય ક્ષેત્રે બીપીનભાઈએ સહકારી આંદોલનને મજબૂત કરવાનું કાર્ય કર્યું છે. પ્રસંગ પ્રેસિડેન્સીના સંચાલક તરીકે તેઓ વ્યવસાયિક પ્રવૃત્તિઓને સંતુલિત રીતે આગળ ધપાવે છે. અમદાવાદ જિલ્લા સહકારી બેંક અને ગુજરાત સ્ટેટ સહકારી બેંકના નિયામક તરીકે તેમણે ખેડૂતોને આર્થિક સહાય પહોંચાડી છે. અમદાવાદ કૃષિ ઉત્પાદન વેપાર સમિતિમાં નિયામક તરીકે કૃષિ વેપારને વ્યવસ્થિત કરવામાં યોગદાન આપ્યું છે. ગુજકોમાસોલના ઉપાધ્યક્ષ તરીકે તેમના માર્ગદર્શન હેઠળ સંસ્થાનો વાર્ષિક વેપાર 2478 કરોડ રૂપિયાથી વધુ થાય છે જે ખેડૂતોની સરેરાશ આવકમાં વધારો કરે છે. સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશનમાં નિયામક તરીકે રાષ્ટ્રીય સ્તરે વેરહાઉસિંગ અને કૃષિ સુવિધાઓ વિકસાવવામાં તેઓ અવિરત સક્રિય છે.

તેમનું વ્યક્તિત્વ નિશ્ચયી, સમર્પિત અને પર્યાવરણપ્રેમી છે. તેમની ત્વરિત નિર્ણયશક્તિ અને સામાજિક દૃષ્ટિ તેમને અન્યોથી વિશિષ્ટ બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના વિકાસ અને સેવાના આદર્શો તેમને સતત પ્રેરણા આપે છે જેના કારણે તેઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે અવિરત પ્રવૃત્ત રહે છે.

સામાજિક સેવામાં બીપીનભાઈનું કાર્ય પારદર્શી રહ્યું છે. તેઓ શ્રી એસ.એમ.ટી. કે.એન. પટેલ આંતરરાષ્ટ્રીય શાળાના સ્થાપક અને વ્યવસ્થાપક ટ્રસ્ટી છે. આ સંસ્થામાં તેઓ વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ આધારિત શિક્ષણ, જીવન કુશળતા અને સર્વાંગી વિકાસ આપવા માટે પ્રતિબદ્ધ છે. એપોલો આંતરરાષ્ટ્રીય શાળામાં પણ ટ્રસ્ટી તરીકે તેઓ શિક્ષણ માટે કાર્યરત છે. કોવિડ મહામારી દરમિયાન તેમણે વિદ્યાર્થીઓની ફીમાં રાહત આપી, પરિવહન ફી માફ કરી અને અનેક પરિવારોને ખોરાક સામગ્રી પૂરી પાડી. વળી ગાંધી શિલ્પ બજાર ના સહયોગમાં સ્થાનિક હસ્તકલા અને સ્વદેશીને પ્રોત્સાહન આપ્યું છે.

રાજકીય ક્ષેત્રમાં બીપીનભાઈ સહકારી સેલના સંયોજક તરીકે ગુજરાત સહકારી સોસાયટી અધિનિયમ અને કૃષિ ઉત્પાદન વેપાર અધિનિયમના અમલમાં માર્ગદર્શન આપે છે. તેમના પ્રયાસોથી સહકારી સંસ્થાઓ ખેડૂતો અને સામાન્ય માણસના જીવન સાથે વધુ નજીક આવી છે. પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીના આદર્શોથી પ્રેરાઈને તેઓ રાષ્ટ્રીય સ્તરે પણ સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય રહ્યા છે.

બીપીનભાઈ પટેલ (ગોતા) એક એવા સમાજસેવક અને નેતા છે જેમણે વ્યક્તિગત પ્રગતિથી વધુ સમાજસેવાને પ્રાધાન્ય આપ્યું છે. તેમની જીવનશૈલી અને દૂરદર્શી વિચારસરણી આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

