- Opinion
- પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
(ઉત્કર્ષ પટેલ)
રાજકોટના એક સામાન્ય વર્કશોપમાંથી શરૂ થયેલી યાત્રા આજે વૈશ્વિક ફલક પર ઝળકે છે. પરાક્રમસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (પી.જી. જાડેજા) જ્યોતિ CNC ઓટોમેશન લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એક એવા વ્યક્તિ છે જેમનું વ્યક્તિત્વ જ સાહસ, નિર્ણયક્ષમતા અને અથાગ મહેનતનું પ્રતીક છે. 57 વર્ષના ગુજરાતની માટીમાંથી ઊભા થયેલા ઉદ્યોગપતિની નેટ વર્થ આજે 1 અબજ ડોલર (લગભગ 8300 કરોડ રૂપિયા) છે અને તેમની કંપનીનું માર્કેટ કેપ 18000 કરોડની આસપાસ છે. તેઓ ફક્ત એક ઉદ્યોગપતિ જ નથી પરંતુ એક વિઝનરી વ્યક્તિ છે જેમણે “મેક ઇન ઇન્ડિયા”ના સપનાને વાસ્તવિકતા આપી છે.

ગરમ લોહી અને ઠંડા વિચારનું અનોખું મિશ્રણ એવા પરાક્રમસિંહનું વ્યક્તિત્વ “એંગ્રી યંગ મેન” તરીકે ઓળખાય છે. ઉત્સાહી, આક્રમક અને ક્યારેય હાર ન માનનારું સમીકરણ. તેઓ ઓશોની ફિલોસોફી અનુસરે છે અને મેડિટેશન પણ કરે છે. તેમનું માનવું છે કે “ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ, લિવ ઇન પ્રેઝન્ટ”. તેઓ ટીમ વર્કમાં માને છે અને પોતાની કંપનીને “ટેમ્પલ ઓફ ટેક્નોલોજી” બનાવવાનું વિઝન ધરાવે છે. નાની નાની વાતોમાંથી મોટા આઈડિયા બનાવવાની તેમની ક્ષમતા અસાધારણ છે. જ્યારે જાપાની કંપની ફેનુકે તેમની સાથે યોગ્ય વ્યવહાર ના કર્યો ત્યારે તેમણે કહ્યું “હવે ક્યારેય નહીં!” અને ત્યારબાદ સીમેન્સ સાથે દીર્ઘ સંબંધ કેળવ્યા. આવી નિર્ણયક્ષમતા તેમના વ્યક્તિત્વની અડગતા દર્શાવે છે.
જીવનના સંઘર્ષના પથ પર તેમણે સપના છોડીને વાસ્તવિકતાને અપનાવી. 1986માં 12મા ધોરણમાં અભ્યાસ કરતા પરાક્રમસિંહને અંડર19 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે 25,000 રૂપિયાની જરૂર પડી. પિતા (મ્યુનિસિપલ કર્મચારી) પૂરતી રકમ ન આપી શક્યા. આ ઘટનાએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમણે અભ્યાસ અને ક્રિકેટનું સપનું છોડી દીધું. કાકા પાસે લેથ મશીન પર કામ કરીને મિકેનિકલ સ્કિલ્સ શીખ્યા. 1989માં પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ માત્ર 33,000 રૂપિયાની લોન લઈને ભાઈ સહદેવસિંહ લાલુભા જાડેજા સાથે જ્યોતિ એન્ટરપ્રાઇઝીસ શરૂ કરી. એક સેકન્ડ હેન્ડ લેથ મશીન અને નાના રૂમમાંથી ગિયરબોક્સ અને જોબવર્ક કરવાનું શરૂ કર્યું. તે સમયે રાજકોટમાં 160થી વધુ લેથ મેન્યુફેક્ચરર્સ હતા અને CNC મશીનો જર્મની જાપાનથી આયાત થતા હતા. પરાક્રમસિંહે આ આયાત પરની નિર્ભરતા તોડવાનું નક્કી કર્યું અને રાતદિવસ એક કર્યા.

1993માં લેથ મશીન બનાવવાનું શરૂ કર્યું. 1997માં ગુજરાતનું પ્રથમ CNC ટર્નિંગ સેન્ટર બનાવ્યું અને 2002માં પૂર્ણ CNC પ્રોડક્શન શરૂ કર્યું. 2007માં 1857માં સ્થપાયેલી ફ્રાન્સની પ્રસિદ્ધ હ્યુરોન ગ્રેફેન્સ્ટેડન કંપની હસ્તગત કરી. જે એક ઐતિહાસિક પરાક્રમ હતું! આજે જ્યોતિ CNC 60થી વધુ દેશોમાં 1,30,000થી વધુ મશીનો ઇન્સ્ટોલ કરી ચૂકી છે. ડિફેન્સ, એરોસ્પેસ, ઓટોમોબાઈલ અને રેલ્વે જેવા ક્ષેત્રોમાં તેમના મશીનો વપરાય છે. 2024માં IPOમાં 12% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ થયું. કંપનીમાં 2686 કર્મચારીઓ છે અને વાર્ષિક ક્ષમતા 6,000 મશીનોની છે. તેમણે રાજકોટમાં વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ પ્લાન્ટ, R&D સેન્ટર અને ફાઉન્ડ્રી વિકસાવી. વાઈબ્રન્ટ ગુજરાતમાં 10,000 કરોડનું રોકાણ જાહેર કર્યું છે. તેમણે ભારતને CNC મશીનોમાં આત્મનિર્ભર બનાવવું, હજારો યુવાનોને રોજગારી આપવી અને Industry 4.0 તરફ કંપનીને લઈ જવું સામેલ છે. તેમને IMTMAનો પ્રીમિયર આઉટસ્ટેન્ડિંગ એન્ટ્રપ્રિન્યોર્શિપ એવોર્ડ (2013), હર્ક્યુલીસ એવોર્ડ અને વિશિષ્ઠ સન્માન મળ્યા છે.
સાહસ અને લક્ષ્ય આધારિત મહેનત કરનારા
પરાક્રમસિંહ યુવાનોને કહે છે કે “ભણતર જરૂરી છે પણ સ્કિલ, વિઝન અને મહેનત વધુ મહત્વની છે.” તેમની કાર્યશૈલી સંદેશો આપે છે કે "સાહસ કરો, લક્ષ્ય નક્કી કરો અને અડગ મહેનત કરો. નાના પાયેથી વિચારો, પરંતુ વૈશ્વિક સ્તરે સપનાં જુઓ. નકારાત્મક અનુભવોને પ્રેરણા બનાવો. પરિવર્તનને અપનાવો અને વર્તમાનમાં જીવો". આજે જે યુવાન ઉદ્યોગકાર નાના વર્કશોપમાંથી અર્થોપાર્જન શરૂ કરે છે તેને પરાક્રમસિંહ કહે છે “તમારા સપનાને મરવા ન દો. મહેનત અને ધીરજથી એક દિવસ તમે પણ વિશ્વને બદલી નાખશો.”

ગુજરાતના રાજકોટના આ પરાક્રમીએ ગુજરાત અને ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ આપ્યું છે. જો તમે પણ ઉદ્યોગપતિ બનવા માંગતા હો તો પરાક્રમસિંહ ના પગલે ચાલો... સપનાં જુઓ, સાહસ કરો અને મહેનત કરો!
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

