- Opinion
- હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
હાર્દિક પટેલઃ આંદોલન સાથે અનેક ભૂલો કરી છતા સમાજ અને ભાજપે બધું ભૂલી આવકાર આપ્યો
41.jpg)
(ઉત્કર્ષ પટેલ)
હાર્દિક પટેલ એક યુવા નામ છે જે ગુજરાત જ નહીં પણ વિશ્વભરના ગુજરાતીઓ માટે જાણીતું કહી શકાય. આ પાટીદાર યુવાનના જન્મ, બાળપણની વાતો જાણવા કરતાં ભર યુવાનીમાં સમાજ માટે કરેલો સંઘર્ષ અને એ દરમિયાન કરેલી ભૂલો સમજવા જેવી છે. જે પ્રત્યેક સમાજના જોશીલા યુવાનો માટે પ્રેરણા અને કડવો સંદેશ બંનેની શીખ આપશે.
આપણા ગુજરાતમાં પાટીદાર સમાજના કેટલાક યુવાનો સમાજ માટે કેટલાક વિષયો લઈને ચિંતિત હતા અને તેઓ સરકાર સામે બાયો ચઢાવીને એક આંદોલનના માર્ગે જાય છે જે કહેવાયું ગુજરાતનું પાટીદાર આંદોલન. આ આંદોલનમાં જે પાટીદાર યુવાનો ચર્ચામાં આવ્યા એમનું એક પ્રમુખ ચર્ચિત નામ રહ્યું હાર્દિક પટેલ. અન્ય ઘણા યુવાનોએ આંદોલનમાં મહેનત કરી અને જીવ પણ ખોયા, એ સૌની લાગણીઓને વંદન કરું છું પણ આજે આપણે હાર્દિક પટેલ પૂરતી ચર્ચા કરીએ.
જ્યારે પાટીદાર આંદોલનના યુવાનો ક્રાંતિકારીઓની જેમ ગુજરાતભરમાં સમાજમાં જનમત સહયોગ મેળવવા પ્રવાસો કરી સભાઓ કરતા હતા ત્યારે ગામડે ગામડે આવકાર આપતા લોકોમાં પ્રેમ અને વિશ્વાસ હતો આ યુવાનો પર. મંચ પરથી યુવાનો સમાજ માટે બોલતા થયા અને એમ એક નામ આગળ આવ્યું હાર્દિક પટેલ, જે યુવાનને સાંભળવા માટે જનમેદની એકત્રિત થતી હતી. યુવાનોના આહ્વાન પર લાખોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો એકત્રિત થવા માંડ્યા હતા. હવે આપણે અહીં સભાઓ કેટલી થઈ અને ક્યાં થઈ એની ચર્ચા પડતી મૂકીએ. સરકારે સમાજ અને ખાસ કરીને આ યુવા તરવરિયા નેતૃત્વને સમજાવવા ચર્ચા માટે અનેક પ્રયાસો પણ કર્યા પણ સમય સમયનું કામ કરે એટલે ચોક્કસ સમયે સારા પરિણામો આવી શક્યા નહીં. આંદોલનનું તારણ આવ્યું, અંશતઃ સફળતા પણ મળી. સરકારે પણ સમાજની લાગણીઓને સમજીને સમાજ માટે જેટલું થઈ શકે શક્ય બન્યું એટલું કર્યું એટલે સરકારને દોષ દેવા જેવું પણ રહ્યું નહીં.
સમાજે યુવાનો ખોયા અને કેસો પણ થયા. અને સરકારે પણ ખૂબ વેઠ્યું અને ઘણી રાજકીય ઉથલપાથલો પણ થઈ. અહીં વાત કોઈની ભૂલ કાઢવાની કે શોધવાની નથી. વાત છે સાચી સમજની.
હવે વાત હાર્દિક પટેલની. સમાજે વિશ્વાસ મૂક્યો અને સાથ આપ્યો. પણ આંદોલનમાં હાર્દિક પટેલે સમયનો તાલમેલ ના સાચવ્યો અને વાણીનો સંયમ પણ ના રાખ્યો. સરકાર કે જેમની પાસે કામ લેવાનું છે એમને શક્તિ પ્રદર્શન કરવા સુધી ઠીક હતું પણ હાર્દિક દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના શીર્ષસ્થ નેતૃત્વ માટે વાણીવિલાસ થયો તેને કારણે પણ આંદોલન અટવાયું. સૌને પોતાનું સ્વમાન વહાલું જ હોય છે પણ આ યુવાનથી ભૂલ થઈ અને કમનસીબી એ રહી કે એને ચોક્કસ માર્ગદર્શન પણ ના મળ્યું અને ભૂલો થતી ગઈ જેમાં સમાજ અને સરકાર બંને બાજુ અપ્રિય થવાનું થયું.
ગુજરાતની જનતા અને એમાંય પાટીદાર સમાજ જે હંમેશા સૌના માટે ઉદારહૃદયે જીવનારો રહ્યો એ સમાજે અને સમયાંતરે ગુજરાતની ભાજપ સરકારે હાર્દિક પટેલની બધી જ ભૂલોને વડીલ ભાવે ભૂલીને સમજીને કે માફ કરીને જતી કરી. આજે સમાજ ફરીથી ભાજપ સરકારના પડખે ઊભો છે. ગુજરાતની ભાજપ સરકારમાં હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્યની રૂએ વિધાનસભામાં આજે ઉપસ્થિત હોય છે અને પાટીદાર સમાજના યુવાનો શિક્ષણમાં મળતા લાભો પણ મેળવી રહ્યા છે. હાલમાં જ સરકારે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પણ પાછા ખેંચી લીધા છે, આ પણ એક સરાહનીય પગલું રહ્યું સરકાર તરફથી.
હાર્દિક પોતે હવે પરિપક્વતાથી રાજકીય નિવેદનો કરે છે અને પોતાના સમાજ અને ભાજપ માટે પણ સમર્પણ ભાવ સાથે સક્રિય છે. પણ જો કેટલીક ભૂલો ના કરી હોત તો આજે વાદ-વિવાદોથી દૂર હાર્દિક પટેલ પૂર્ણ વિશ્વાસ સાથેનું પાટીદાર સમાજનું નામ બની શક્યો હોત. પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો અને રાજકીય પીઢ આગેવાનોનો એક સામાન્ય મત એવો પણ છે કે "હાર્દિક પોતાની સામાજિક અને રાજકીય કારકિર્દી માટે પાટીદાર સમાજ અને ભાજપનો આજીવન ઋણી રહેશે અને એ લાગણીઓની કાળજી રાખવાની મોટી જવાબદારી પણ હાર્દિકે નિભાવવી જોઈએ."
અંતે બધું સારું જ થાય જો આજનો યુવાન ધીરજ અને સંયમથી શાલીનતાથી નિર્ણયો લે. ગમે તેવા વિકટ પ્રશ્નો હોય કે પછી રાજકીય-સામાજિક પ્રશ્નો હોય, સાચી સમજ અને યોગ્ય વ્યવહારથી બધા જ પ્રશ્નો અને સમસ્યાઓનો નિવેડો આવી શકે છે.
(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)