- Opinion
- બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે
બસ આ જ સત્ય હશે કે... રાજકારણીઓના નિવેદનો થશે, સોશિયલ મીડિયામાં ચર્ચા થશે અને દુઃખદ ઘટનાઓ ભુલાઈ જશે

ભારત આપણો દેશ જેની ગરિમા અને વૈવિધ્ય વિશ્વભરમાં વખણાય છે. આજે એક પેચીદા પ્રશ્નના ચોકઠામાં ઊભો છે. શું આપણે બુદ્ધની શાંતિના માર્ગે ચાલવું જોઈએ કે યુદ્ધની તૈયારી સાથે આગળ વધવું જોઈએ? આ પ્રશ્ન માત્ર રાજકીય કે સામાજિક નથી પરંતુ એક એવો લાગણીશીલ મુદ્દો છે જે દરેક ભારતીયના હૃદયને સ્પર્શે છે. આજે જ્યારે આતંકવાદના ઘેરા પડછાયા દેશની સુરક્ષાને પડકારે છે ત્યારે એક ગંભીર ચિંતનની જરૂર છે,
આપણે શું ખોયું, શું પામ્યા અને આખરે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?
ભારતની ધરતી સદીઓથી શાંતિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક રહી છે. બુદ્ધનો અહિંસાનો સંદેશ આજે પણ આપણા દેશની ઓળખનો એક અભિન્ન ભાગ છે. પરંતુ આજના સમયમાં આ શાંતિની ધરતી પર વારંવાર થતા આતંકવાદી હુમલાઓ, નિર્દોષ નાગરિકોની હત્યાઓ અને જવાનોની શહાદતે આપણને એક મૂંઝવણમાં મૂકી દીધા છે. આ ઘટનાઓ પછી રાજકારણીઓના નિવેદનો, સોશિયલ મીડિયા પર ચર્ચાઓ અને મીડિયાનું ઘોંઘાટ આપણા દુઃખને થોડા દિવસો માટે ઉછાળે છે પરંતુ પછી બધું શાંત થઈ જાય છે. દુઃખદ ઘટનાઓ ભૂલાઈ જાય છે અને દેશ ફરી પોતાના રાગમાં ગુંજવા લાગે છે. પરંતુ શું આ ચક્રમાંથી બહાર નીકળવાનો સમય નથી આવ્યો?
આતંકવાદ એ માત્ર એક બાહ્ય ખતરો નથી તે એક એવું ઝેર છે જે આપણી સમાજની એકતા, શાંતિ અને વિશ્વાસને ખતમ કરે છે. દરેક હુમલા પછી રાજકીય નેતાઓના આકરા શબ્દો અને "આતંકવાદનો અંત લાવીશું" જેવા વચનો આપણને થોડી રાહત આપે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નિવેદનો માત્ર શબ્દોની રમત બની જાય છે. સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ભાવનાત્મક ઉછાળો લાવે છે પરંતુ આ ચર્ચાઓ શું ખરેખર કોઈ નક્કર પરિણામ આપે છે? આપણા દેશના નાગરિકોનો આક્રોશ થોડા દિવસોમાં શાંત થઈ જાય છે અને આપણે ફરી એ જ ચક્રમાં ફસાઈ જઈએ છીએ. આ શા માટે થાય છે? શું આપણે આપણા જ દેશમાં અસુરક્ષિત છીએ?
આ પ્રશ્નોના જવાબ શોધવા માટે આપણે આપણી સુરક્ષા વ્યવસ્થા, રાજકીય ઇચ્છાશક્તિ અને સમાજની જાગૃતિ પર નજર નાખવી પડશે. આતંકવાદનો સામનો કરવા માટે માત્ર શબ્દો કે નીતિઓ જ પૂરતી નથી તેના માટે એક નક્કર યોજના, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સમાજની એકતાની જરૂર છે. આપણા જવાનો દરરોજ સરહદો પર પોતાના જીવની આહુતિ આપી રહ્યા છે પરંતુ શું આપણે તેમના બલિદાનનું સાચું મૂલ્ય સમજીએ છીએ? શું આપણી સરકારો જવાબદારી નિભાવી રહી છે?
આ બધું ખોયા પછી આપણે શું પામ્યું? કદાચ આપણે એકતાની ભાવના, દેશભક્તિનો જોશ અને ફરીથી ઊભા થવાની હિંમત પામ્યા છીએ. પરંતુ આ પૂરતું નથી. આપણે એક એવી વ્યવસ્થા બનાવવી પડશે જે આતંકવાદના મૂળ સુધી પહોંચે, યુવાનોને ગેરમાર્ગે જતા અટકાવે, અને દરેક નાગરિકને સુરક્ષાની ખાતરી આપે. આ માટે બુદ્ધની શાંતિ અને યુદ્ધની તૈયારી—બંનેનું સંતુલન જરૂરી છે. બુદ્ધનો સંદેશ આપણને સમાજમાં એકતા અને સંવેદના લાવવા માટે પ્રેરે છે જ્યારે યુદ્ધ આપણને બાહ્ય ખતરાઓથી રક્ષણ આપે છે.
આજે દેશની સરકારની જવાબદારી છે કે તે દેશની સુરક્ષા માટે જાગૃત રહે અને આંતકવાદીઓની નાબૂદી માટે જે કરવું પડે તે કરે. આપણે રાજકીય નિવેદનો અને સોશિયલ મીડિયાના ઘોંઘાટથી આગળ વધીને નક્કર પગલાં લેવાની જરૂર છે. સરકાર, સમાજ અને નાગરિકો બધાએ એકસાથે કામ કરવું પડશે. આપણે એક એવો દેશ બનાવવો પડશે જ્યાં દરેક નાગરિક સુરક્ષિત હોવાનું અનુભવે, જ્યાં આતંકવાદનો ભય ન હોય.
આ લડાઈ લાંબી ચલાવવી છે કે એક ઝાટકે તેનો અંત લાવવો છે તે નક્કી કરવાનો હવે સમય આવી ગયો છે. બુદ્ધ નીતિ કે યુદ્ધ એ સ્પષ્ટ કરવાનો આ સમય છે, નહીંકે નિવેદનો કરી સમય વ્યય કરવાનો.
Related Posts
Top News
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Opinion
