- Sports
- મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા જ કેમ. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક અઝહરુદ્દીનને હવે શા માટે અફસોસ થઈ રહ્યો છે? આનું કારણ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં તેમના નામ પરથી બનેલા સ્ટેન્ડ પરથી તેમનું નામ દૂર કરવાનો આદેશ છે.
અઝહરુદ્દીન તેને અપમાન કહી રહ્યા છે. તેઓ BCCIને 'રમતનું સન્માન' બચાવવા માટે અપીલ કરી રહ્યા છે. તેઓ હાઈકોર્ટમાં કાનૂની લડાઈ શરૂ કરવાની ધમકી આપી રહ્યા છે. છેવટે, અઝહરુદ્દીનનું નામ સ્ટેન્ડ પરથી દૂર કરવાનો આદેશ કોણે આપ્યો? ઓર્ડરમાં બીજું શું છે? વિવાદ શું છે અને શા માટે છે? અને આના વિશે અઝહર શું કહેવા માંગે છે? ચાલો ક્રમ વાર સમજીએ.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA)ને શહેરના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના નોર્થ પેવેલિયન સ્ટેન્ડ પરથી મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ દૂર કરવાનો આદેશ મળ્યો છે. આ આદેશ શનિવારે આવ્યો અને ન્યાયાધીશ (નિવૃત્ત) V એશ્વરૈયા દ્વારા આપવામાં આવ્યો. તેઓ HCAના એથિક્સ ઓફિસર અને લોકપાલ છે.

જસ્ટિસ એશ્વરૈયાએ પોતાના આદેશમાં HCAને એવો નિર્દેશ આપ્યો છે કે, તે ફક્ત સ્ટેન્ડ પરથી જ નહીં પરંતુ સ્ટેડિયમ ટિકિટમાંથી પણ અઝહરુદ્દીનનું નામ દૂર કરે. તેમણે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનને ખાતરી કરવા જણાવ્યું છે કે, ભવિષ્યમાં મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ કોઈપણ ટિકિટ પર ન હોય.
રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં IPLની વર્તમાન સિઝનની હજુ 5 મેચો રમવાની બાકી છે. સનરાઇઝર્સ હૈદરાબાદને આમાંથી ત્રણ મેચ યજમાન તરીકે રમવાની છે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર જેવી મહત્વપૂર્ણ મેચો પણ અહીં યોજાવાની છે. લોકપાલના આદેશ પછી, હવે આ મેચો માટે બહાર પડાયેલી ટિકિટો પર મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ રહેશે નહીં.
મોહમ્મદ અઝહરુદ્દીન HCAના પ્રમુખ રહી ચૂક્યા છે. તેમના પર આરોપ છે કે, તેમણે તેમના કાર્યકાળ દરમિયાન નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના પોતાની રીતે અને પોતાના પક્ષમાં નિર્ણયો લીધા.

જસ્ટિસ એશ્વરૈયાએ તેમના આદેશમાં કહ્યું છે કે, આ શુદ્ધ હિતોના સંઘર્ષનો કેસ છે. તેમણે અઝહર સામેની ફરિયાદ સાચી માની છે. 25 પાનાના આદેશમાં, તેમણે કહ્યું, 'જનરલ બોડીએ આ નિર્ણય (અઝહરના નામ પર સ્ટેન્ડ કરવા) ને કોઈ બહાલી/સુધારો આપ્યો નથી, જે પ્રતિવાદી નંબર 1 (અઝહરુદ્દીન) સામેના કેસને વધુ મજબૂત બનાવે છે.' પ્રતિવાદી નં. 1એ પોતાના લાભ માટે પોતાના અધિકારક્ષેત્રની બહાર ગયા છે. આ સ્પષ્ટપણે હિતોના સંઘર્ષનો મામલો છે.
HCA લોકપાલ ન્યાયાધીશ V. એશ્વરૈયાને લોર્ડ્સ ક્રિકેટ ક્લબ તરફથી ઔપચારિક ફરિયાદ મળી હતી. ફરિયાદમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, HCA પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, અઝહરે નિષ્પક્ષતાના સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું હતું અને એવા નિર્ણયો લીધા હતા, જેનાથી તેમને ફાયદો થાય. ક્લબે અઝહરુદ્દીનનું નામ નોર્થ પેવેલિયનમાંથી દૂર કરીને તેમના માનમાં તેનું નામ VVS લક્ષ્મણ રાખવાની પણ વિનંતી કરી છે.
અઝહર પર હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમના નોર્થ સ્ટેન્ડ પરથી VVS લક્ષ્મણનું નામ હટાવીને તેના પર પોતાનું નામ લખવાનો પણ આરોપ છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે 99 ટેસ્ટ અને 334 વનડે રમનાર અઝહરે ડિસેમ્બર 2019માં નોર્થ સ્ટેન્ડનું નામ તેમના નામ પર રાખવાનો ઠરાવ પસાર કરવા માટે HCAના ભૂતપૂર્વ પ્રમુખ તરીકે સર્વોચ્ચ કાઉન્સિલની બેઠકમાં બેસીને HCAના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. HCA બંધારણ મુજબ, કોઈપણ દરખાસ્તને સામાન્ય સભા (AGM) દ્વારા મંજૂરી આપવી જરૂરી છે.

અઝહર સપ્ટેમ્બર 2019માં HCAના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2023માં સમાપ્ત થયો હતો. તેમના વિવાદાસ્પદ કાર્યકાળ દરમિયાન, સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2023માં યુનિયનના કામકાજની તપાસ માટે જસ્ટિસ L નાગેશ્વર રાવની એક સભ્ય સમિતિની નિમણૂક કરી હતી.
વિપક્ષી જૂથે આરોપ લગાવ્યો હતો કે, અઝહરુદ્દીન સાથે સંકળાયેલા લોકો વય જૂથની ટીમોમાં પસંદગી કૌભાંડમાં સામેલ હતા. ભૂતપૂર્વ કેપ્ટને પોતાની સામેના આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે.

મોહમ્મદ અઝહરુદ્દીને લોકપાલના નિર્ણયની ટીકા કરી છે, અને પોતાને નિર્દોષ ગણાવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, લોકપાલનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થઈ ગયો હતો, તેથી આ આદેશ અમાન્ય છે.
આ નિર્ણયથી નાખુશ થયેલા અઝહરે મીડિયા સૂત્રને કહ્યું, 'આ કહેવું મને દુઃખદાયક છે, પણ ક્યારેક મને ક્રિકેટ રમવાનો અફસોસ થાય છે. આજે રમતને લગતા નિર્ણયો એવા લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે જેમને ક્રિકેટની મૂળભૂત સમજ પણ નથી, તે જોઈને દિલમાં દુઃખ થાય છે. આ રમતનું અપમાન છે.' તેમણે BCCIને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.

મોહમ્મદ અઝહરુદ્દીને એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું છે કે, તેઓ લોકપાલના નિર્ણય સામે હાઈકોર્ટમાં જશે. તેમણે કહ્યું, 'હું ચોક્કસપણે કાનૂની આશરો લઈશ અને આ આદેશ પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અપીલ કરીશ. શરમજનક વાત છે કે એક ભારતીય કેપ્ટનનું નામ હટાવવાનું કહેવામાં આવી રહ્યું છે.'
સમાચાર એજન્સી સાથે વાત કરતા અઝહરે લોકપાલના આદેશની માન્યતા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, તેમનો કાર્યકાળ પહેલાથી જ સમાપ્ત થઈ ગયો છે. તેમણે કહ્યું, 'એસોસિએશનના પેટા-નિયમો મુજબ, લોકપાલ/આચાર અધિકારીનો કાર્યકાળ એક વર્ષનો હોય છે. આ કિસ્સામાં, લોકપાલનો કાર્યકાળ 18 ફેબ્રુઆરી, 2025ના રોજ સમાપ્ત થયો હતો અને તે સમયગાળા પછી પસાર થયેલ કોઈપણ આદેશ અમાન્ય છે.'
તેમણે કહ્યું કે, 'તેમને સેવા વિસ્તરણ મળ્યું નથી, જે ફક્ત AGM દરમિયાન જ આપી શકાય છે, જે થયું નથી. તો પછી તેમણે આદેશ કેવી રીતે પસાર કર્યો?'

62 વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટને આરોપ લગાવ્યો હતો કે, તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે કેટલાક HCA અધિકારીઓ પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટ પ્રથાઓમાં સામેલ થઈ શક્યા ન હતા.
અઝહરે એ આરોપને પણ નકારી કાઢ્યો કે, તેણે સ્ટેડિયમમાં VVS લક્ષ્મણના નામ પર રાખેલા સ્ટેન્ડનું નામ બદલીને પોતાના નામે રાખ્યું હતું. તેમણે સમાચાર એજન્સીને કહ્યું, 'શું હું મૂર્ખ છું કે લક્ષ્મણ જેવા દિગ્ગજ ખેલાડીનું નામ સ્ટેન્ડ પરથી હટાવી દઉં, જે અમારા પ્રદેશમાંથી 100થી વધુ ટેસ્ટ મેચ રમનાર એકમાત્ર વ્યક્તિ છે? નોર્થ સ્ટેન્ડમાં પેવેલિયન લક્ષ્મણના નામ પરથી રાખવામાં આવ્યું છે અને તે હજુ પણ ત્યાં છે, તમે ચકાસી શકો છો.'
Top News
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
રાજકોટમાં ઓવરસ્પીડના 11 હજારથી વધુ કેસ: 134 દિવસમાં 2.20 કરોડનો દંડ
Opinion
