- Sports
- ભારત સામેની મેચ અગાઉ પાકિસ્તાનને લાગ્યો જોરદાર ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર
ભારત સામેની મેચ અગાઉ પાકિસ્તાનને લાગ્યો જોરદાર ઝટકો, આ ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેજમાન ટીમ પાકિસ્તાન માટે ટૂર્નામેન્ટની શરૂઆત કોઈપણ રીતે સારી રહી નથી. ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચમાં તે 60 રનથી હારી ગયું હતું. ત્યારબાદ, સમાચાર આવ્યા કે આ મેચમાં ઇજાગ્રસ્ત થયેલ સ્ટાર બેટ્સમેન ફખર જમાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયો છે. ભારત વિરુદ્વ ટીમની આગામી મેચ પહેલા પાકિસ્તાન માટે આ એક મોટો ઝટકો છે. જોકે, તેની જગ્યાએ ઇમામ ઉલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો. હવે ICCએ પણ પાકિસ્તાનના આ જખમ પર મીઠુ ભભરાવવાનું કામ કર્યું છે.
પાકિસ્તાનને ટૂર્નામેન્ટ અને ઓપનિંગ મેચમાં કિવી ટીમે 60 રને હરાવ્યું હતું. પોતાના હોમ ગ્રાઉન્ડ, કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમતા, પાકિસ્તાનના બેટ્સમેનોએ તેની નાવ ડુબાડી દીધી. ન્યૂઝીલેન્ડ તરફથી મળેલા 320 રનના ટારગેટનો પીછો કરતા, આખી પાકિસ્તાન ટીમ માત્ર 260 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. બાબર આઝમની સ્લો બેટિંગ અને ટોપ ઓર્ડરના ફ્લોપ શૉને કારણે પાકિસ્તાનને આ હારનો સામનો કરવો પડ્યો.
હાર બાદ પાકિસ્તાન માટે એક માઠા સમાચાર આવ્યા કે ખતરનાક ઓપનર ફખર ઝમાન દુબઈમાં ભારત સામેની મહત્ત્વપૂર્ણ મેચ અગાઉ ઈજાના કારણે ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ઇમામ ઉલ હકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનની ટીમ ગુરુવારે જમાન વિના દુબઈ જવા રવાના થઈ હતી. આ ઓપનર ન્યૂઝીલેન્ડ વિરુદ્વ રમાયેલી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની ટેક્નિકલ સમિતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પોતાની ટીમમાં બદલાવ કર્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવાર (23 ફેબ્રુઆરી)ના રોજ દુબઈમાં રમાશે.
વાસ્તવમાં, ICCએ ન્યૂઝીલેન્ડ સામે ધીમા ઓવર રેટને કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ પર દંડ ફટકાર્યો છે. સમય સીમાને કારણે પાકિસ્તાન લક્ષ્યથી એક ઓવર ઓછો બોલ ફેંકતું હોવાનું જણાયું હતું અને તેના કારણે પાકિસ્તાન પર મેચના કુલ 5 ટકા દંડ ફટકારવામાં આવ્યો. પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ગુનો કબૂલી લીધો, ત્યારબાદ કોઈ ઔપચારિક સુનાવણીની જરૂર ન પડી.
ICC આચાર સંહિતાના કલમ 2.22 મુજબ, જો કોઈ ટીમ નિર્ધારિત સમયમાં બોલિંગ કરવામાં નિષ્ફળ રહે છે, તો ખેલાડીઓને દરેક ઓવર માટે તેમની મેચ ફીના 5 ટકા દંડ ફટકારવામાં આવે છે. આ કલમ સ્લો ઓવર રેટ ગુનાઓ સાથે સંબંધિત છે.