- World
- બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં ધાડ પડી, દાનપેટી સહિત બધી મૂર્તિઓ ઉપાડી લઈ ગયા ચોર
બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં ધાડ પડી, દાનપેટી સહિત બધી મૂર્તિઓ ઉપાડી લઈ ગયા ચોર
બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લામાં આવેલા શ્રી શ્રી પગલ શંકર ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. 26 જાન્યુઆરીની સવારે ચોરો મંદિરમાં ઘૂસી ગયા હતા અને 14 મૂર્તિઓ સાથે દાનપેટી ઉપાડી લઈ ગયા હતા. સાથે જ મૂર્તિઓને પહેરાવવામાં આવેલા બધા સોના-ચાંદીના આભૂષણો તેમજ પૂજામાં વપરાતી વસ્તુઓને પણ છોડી નહોતી.
બાંગ્લાદેશી અખબાર પ્રથમ આલો અનુસાર, આ ઘટના 26 જાન્યુઆરીની સવારે 2:00 થી 3:00 વાગ્યા વચ્ચે બની હતી. ચોરોએ મંદિર સંકુલના 5 રૂમના તાળા તોડી નાખ્યા હતા. મંદિરના પૂજારીએ પોતાનું દુ:ખ અને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમારો શું વાંક છે? અમને વારંવાર આવી યાતનાઓ કેમ આપવામાં આવી રહી છે. અમે સુરક્ષિત અનુભવી રહ્યા નથી.’
26 જાન્યુઆરીએ સવારે 4:00 વાગ્યાની આસપાસ જ્યારે પૂજારી અને તેમના શિષ્યો મંગળ આરતી કરવા પહોંચ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. તેમણે જોયું કે મુખ્ય દરવાજા પર જ ઘણા તાળા તૂટ્યા હતા. તેમણે મંદિરના સર્વિસ ચીફ સુખદા બલરામ દાસને જાણ કરી, ત્યારબાદ પોલીસ અને વહીવટી અધિકારીઓએ બીજા દિવસે સવારે, 27 જાન્યુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, ચોરી થયેલી 14 મૂર્તિઓમાંથી 6 પિત્તળની અને 8 પથ્થરની હતી. ચોરી થયેલી બીજી વસ્તુઓમાં ચાંદીના જૂતા, એક વાંસળી, પિત્તળના વાસણો, એક હાર્મોનિયમ, એક ડોલ, એક પિત્તળની બેઠક, પિત્તળના ગ્લાસ અને 2 દાનપેટીઓમાંથી રોકડ રકમનો સમાવેશ થાય છે. પૂજારીએ જણાવ્યું કે, લગભગ 20,000 ટકા, સોનાના દાગીના, પાણીની મોટર અને 2 દાનપેટીઓ પણ ચોરાઈ ગઈ છે. અન્ય એક રહેવાસી શિલ્પા રાણી માલાકરે આ ઘટના અંગે જણાવ્યું કે, ‘હું ગઈકાલે માધવપુરમાં હતી. જ્યારે હું પાછી આવી ત્યારે મેં જોયું કે, મારા રૂમનું તાળું તૂટેલું હતું. લગભગ 20,000 ટકા રોકડા અને સોનાના દાગીના ચોરી લેવામાં આવ્યા. મારો કોઈ પતિ કે બાળકો નથી. હું ભગવાનની સેવા કરું છું.’
આ બાબતે માહિતી આપતા પોલીસ અધિક્ષક શાહ મુહમ્મદ અબ્દુર રઉફે જણાવ્યું કે, ગ્રીલ કાપીને મૂર્તિઓની ચોરી કરવામાં આવી છે. તેમણે પુષ્ટિ કરી છે કે, કેસ નોંધવામાં આવી રહ્યો છે. SPના જણાવ્યા અનુસાર, કેસની તપાસ માટે ઘણી પોલીસ ટીમો લગાવવામાં આવી છે.

